સરકારની પીઠ થાબડતી જાહેરાતો વચ્ચે ચિંતાજનક આંકડો: વિદેશીઓએ 24 મહિનામાં રૂ.3.84 લાખ કરોડ પાછા ખેંચ્યા!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Foreign Institutional Investors: ભારતીય અર્થવ્યવસ્થાની ઝડપી પ્રગતિ છતાં વિદેશી રોકાણકારોનો ઉત્સાહ કેમ ઓછો દેખાઈ રહ્યો છે, તે બાબત પર બર્નસ્ટીન રિસર્ચ દ્વારા એક મહત્ત્વપૂર્ણ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. છેલ્લા બે વર્ષમાં ભારતીય શેરબજારમાંથી આશરે 40 અબજ ડૉલરની વિદેશી મૂડી પરત ખેંચાઈ ચૂકી છે. આ રિસર્ચ મુજબ, હવે માત્ર મજબૂત જીડીપી ગ્રોથ વિદેશી રોકાણકારોને ભારત તરફ આકર્ષવા માટે પૂરતો નથી રહ્યો.
જીડીપી વધી રહી છે, તો વિદેશી રોકાણ કેમ ઘટી રહ્યું છે?
એક સમય એવો હતો કે જ્યારે ભારતની આર્થિક વૃદ્ધિ અને વિદેશી રોકાણ વચ્ચેનો સંબંધ ખૂબ જ મજબૂત હતો; એટલે કે જીડીપી (GDP) વધવાની સાથે વિદેશી રોકાણ પણ વધતું જોવા મળતું હતું. જોકે, વર્ષ 2007 પછી આ બંને વચ્ચેના સંબંધો આ સંબંધો નબળા પડ્યા છે. તાજેતરના વર્ષોમાં પરિસ્થિતિ એવી રહી છે કે દેશની અર્થવ્યવસ્થા મજબૂત હોવા છતાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)નું નાણું સતત બજારમાંથી બહાર જતું રહ્યું છે. આ બાબત સ્પષ્ટપણે દર્શાવે છે કે વિદેશી રોકાણકારો હવે માત્ર દેશનો આર્થિક વિકાસ જોઈને જ રોકાણ કરવાનો નિર્ણય નથી લેતા.
વ્યાજદર કરતાં હવે રૂપિયાની સ્થિતિ પર વધુ નજર
વિદેશી રોકાણકારોના નિર્ણયોમાં અગાઉ ભારત અને અમેરિકાના વ્યાજદર વચ્ચેનો તફાવત ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેતો હતો, પરંતુ છેલ્લા 4થી 5 વર્ષમાં આ સંબંધ નબળો પડ્યો છે. હાલના સમયમાં ડૉલર સામે રૂપિયાની વિનિમય સ્થિતિ વિદેશી રોકાણકારો માટે વધુ મહત્ત્વપૂર્ણ બની ગઈ છે. બર્નસ્ટીનના આંકડા અનુસાર, તાજેતરના સમયમાં FII ઇન્ફ્લો અને રૂપિયાની ચાલ વચ્ચેનો સંબંધ આશરે 72.9 ટકા જેટલો રહ્યો છે.
વિદેશી રોકાણકારો માટે વિનિમય દર છે મહત્ત્વપૂર્ણ
જો કોઈ વિદેશી રોકાણકારે ભારતમાં રોકાણ કર્યું હોય અને શેરના ભાવ વધી પણ જાય, પરંતુ તે જ સમયગાળામાં ડૉલર સામે રૂપિયો નબળો પડે, તો ડૉલરમાં નાણાં પરત મેળવતી વખતે તેમની કમાણી ઘટી શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો, માત્ર ભારતીય બજારમાં શેરના ભાવ વધવાથી જ વિદેશી રોકાણકારોનો આખો હિસાબ નથી બનતો, પરંતુ તેમણે રૂપિયા અને ડૉલર વચ્ચેની વિનિમય દરની સ્થિતિ પર પણ ખાસ નજર રાખવી પડે છે.
ભારતીય બજારનું ઊંચું વેલ્યુએશન પણ એક કારણ
વિદેશી રોકાણકારોની ચિંતા માત્ર રૂપિયા સુધી સીમિત નથી, પરંતુ બજારનું વેલ્યુએશન પણ મોટો મુદ્દો છે. 2020 પછી ભારતનું વેલ્યુએશન અન્ય ઉભરતા બજારોની સરખામણીમાં સતત ઊંચું રહ્યું છે. ડિસેમ્બર 2023થી સપ્ટેમ્બર 2026 વચ્ચે ભારતનું એવરેજ રિલેટિવ વેલ્યુએશન 162 ટકા રહ્યું હતું અને આ જ સમયગાળામાં ભારે FII આઉટફ્લો જોવા મળ્યો છે એટલે કે આ સમયગાળામાં બજાર મોંઘું લાગ્યું, ત્યારે વિદેશીઓએ નાણાં પાછા ખેંચી લીધા.
ઘરેલુ રોકાણકારોની મજબૂત ભૂમિકા અને ભવિષ્યનું ચિત્ર
છેલ્લા 10 વર્ષમાં FIIનું નેટ ઇન્વેસ્ટમેન્ટ માત્ર 4 અરબ ડોલર રહ્યું છે, જ્યારે તેની સામે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (DII) અંદાજે 300 અરબ ડોલરનું રોકાણ કરી ચૂક્યા છે. આગામી 12 મહિનામાં FII ઇન્ફ્લો ફ્લેટ કે સામાન્ય રહેવાની અપેક્ષા છે. જોકે, લાંબા ગાળા માટે વિદેશી મૂડીને આકર્ષવા માટે સેમિકન્ડક્ટર, બેટરી, સ્પેસ, ડિફેન્સ અને ડીપ-ટેક જેવા ક્ષેત્રોમાં વૈશ્વિક સ્તરની મોટી કંપનીઓ ઊભી કરવાની જરૂર છે.




