India

તરુણ તેજપાલ જાતીય શોષણના કેસમાં દોષિત જાહેર, બોમ્બે હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટનો ચુકાદો નકાર્યો

By GS Team
6 Aug 20262 mins read
TukuTouch Logo
'તહલકા'ના પૂર્વ એડિટર તરૂણ તેજપાલને યૌન ઉત્પીડન કેસમાં મોટો ઝટકો લાગ્યો છે. બોમ્બે હાઈકોર્ટની ગોવા બેંચે 2013ના કેસમાં નીચલી કોર્ટના નિર્દોષ છોડી મૂકવાના આદેશને રદ કરી તેમને દોષિત ઠેરવ્યા છે. ગોવાની 5 સ્ટાર હોટેલમાં લિફ્ટમાં પૂર્વ મહિલા સહયોગી પર યૌન ઉત્પીડનનો આરોપ હતો. સરકારે પુરાવા રજૂ કરતા નીચલી કોર્ટનો ચુકાદો પલટાવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તરુણ તેજપાલ જાતીય શોષણના કેસમાં દોષિત જાહેર, બોમ્બે હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટનો ચુકાદો નકાર્યો
IMAGE - IANS

Tarun Tejpal Convicted: યૌન ઉત્પીડન અને દુષ્કર્મના બહુચર્ચિત કેસમાં 'તહલકા' મેગેઝિનના પૂર્વ એડિટર-ઇન-ચીફ તરૂણ તેજપાલને મોટો આંચકો લાગ્યો છે. નીચલી કોર્ટે તેમને નિર્દોષ છોડી મૂક્યા હતા, પરંતુ બોમ્બે હાઇકોર્ટની ગોવા બેંચે તે આદેશ રદ કરીને તરૂણ તેજપાલને દોષિત ઠેરવ્યા છે. આ સમગ્ર મામલો નવેમ્બર 2013નો છે, જ્યારે તેમની જ એક પૂર્વ મહિલા સહયોગીએ આરોપ લગાવ્યો હતો કે ગોવાની એક ફાઇવ સ્ટાર હોટેલમાં યોજાયેલા મેગેઝિનના કાર્યક્રમ દરમિયાન લિફ્ટમાં તરૂણ તેજપાલે તેનું યૌન ઉત્પીડન કર્યું હતું.

2021માં નીચલી કોર્ટે કર્યા હતા મુક્ત

વર્ષ 2021માં ગોવાના માપુસા સ્થિત ટ્રાયલ કોર્ટે તરૂણ તેજપાલને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કરી દીધા હતા. નીચલી કોર્ટે પોતાના ચુકાદામાં ટિપ્પણી કરી હતી કે ફરિયાદી મહિલાનું વર્તન યૌન ઉત્પીડનની પીડિતા જેવું લાગતું નથી અને તેના મેસેજીસ દર્શાવે છે કે તે ડરેલી કે આઘાતમાં નહોતી. આ નિર્ણય સામે ગોવા સરકારે બોમ્બે હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી.

માફીનો ઇમેઇલ જ ગુનાનો પુરાવો

ગોવા સરકાર વતી કોર્ટમાં હાજર રહેલા ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ધારદાર દલીલ કરી હતી કે નીચલી કોર્ટે જાણે પીડિતાને જ કઠેડામાં ઊભી કરી દીધી હતી. તેમણે કહ્યું કે પીડિતાની પૂછપરછ દરમિયાન તેની અંગત જિંદગી, દારૂ કે સિગારેટ પીવાની ટેવ અને મિત્રો સાથેની વાતચીત જેવા ક્ષોભજનક સવાલો પૂછવામાં આવ્યા હતા. તુષાર મહેતાએ વધુમાં જણાવ્યું કે ઘટના બાદ તરૂણ તેજપાલે પીડિતાને માફીનો ઇમેઇલ મોકલ્યો હતો, જેમાં તેમણે પોતાની ભૂલ સ્વીકારીને શરમ વ્યક્ત કરી હતી. આ વાત જ સાબિત કરે છે કે ગુનો થયો હતો.

બચાવ પક્ષની દલીલો અને દાવો

બીજી તરફ, તરૂણ તેજપાલના વકીલે નીચલી કોર્ટના ચુકાદાનો બચાવ કરતા દાવો કર્યો હતો કે ફરિયાદી મહિલાના નિવેદનોમાં વિરોધાભાસ છે. સીસીટીવી ફૂટેજ, વૉટ્સએપ ચેટ અને સાક્ષીઓની જુબાની ટાંકીને બચાવ પક્ષે દલીલ કરી હતી કે આ ઘટના બન્યા પછી પણ પીડિતા સામાન્ય રીતે કાર્યક્રમોમાં ભાગ લઈ રહી હતી. આ ઉપરાંત, તરૂણ તેજપાલે મોકલેલા માફી પત્ર અંગે વકીલે કહ્યું કે તે માત્ર બોલચાલ અને વાતચીત પૂરતું હતું, તેમાં કોઈ યૌન ઉત્પીડન ગુનો સ્વીકારવામાં આવ્યો નહોતો.

હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો અને સજા

હાઇકોર્ટે તમામ પુરાવાઓ અને સરકારી પક્ષની દલીલોને માન્ય રાખીને નીચલી કોર્ટના અગાઉના ચુકાદાને રદ કર્યો છે અને તરૂણ તેજપાલને દોષિત જાહેર કર્યા છે. ચુકાદા સમયે કોર્ટમાં હાજર રહેલા તરૂણ તેજપાલે પોતાની સજા ઓછી કરવા માટે કોર્ટને વિનંતી કરી છે.