લોકસભાની બેઠકો 850 કરવી એ લોકતંત્ર માટે ઘાતક, એની જગ્યાએ ધારાસભ્યો વધારો : શશિ થરુર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Shashi Tharoor Warns Against Delimitation: કેન્દ્ર સરકાર દેશમાં નવા પરિસીમન (Delimitation) હેઠળ લોકસભા સભ્યોની સંખ્યા 543થી વધારીને આશરે 824થી 850 કરવાની તૈયારીમાં છે. આ માટે સંસદમાં એક મહત્ત્વપૂર્ણ બંધારણીય સુધારા બિલ લાવવાની પણ યોજના છે, જેના માટે સત્તાપક્ષને સંસદમાં મતદાન કરનારા સાંસદોના બે-તૃતિયાંશ બહુમતીના સમર્થનની જરૂર પડશે. આ તમામ અટકળો વચ્ચે કેરળના કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે એક અંગ્રેજી અખબારમાં લેખ લખીને ચેતવણી આપી છે કે આ નવી વ્યવસ્થા ભારત ક્ષેત્રના લોકશાહી માળખાને નબળું કરી દેશે.
રાજકીય અને પ્રશાસનિક પડકારો
એક લેખમાં શશિ થરૂરે જણાવ્યું છે કે, સંસદનું આટલું મોટું વિસ્તરણ દેશના સંસ્થાકીય માળખા માટે નુકસાનકારક સાબિત થશે. સરકારનો તર્ક છે કે 1972 પછી ભારતની વસતી બમણા કરતાં પણ વધી ગઈ છે, તેથી સીટો વધારવી એ એક ગાણિતિક જરૂરિયાત છે. આ તર્ક ઉપરથી ભલે લોકશાહી પૂર્ણ લાગે, પરંતુ તેની પાછળ એક મોટું રાજકીય અને પ્રશાશનિક સંકટ છુપાયેલું છે.
વિશાળ સંસદ: નુકસાનકારક નિર્ણય
થરૂરે લખ્યું છે કે વિશ્વની કોઈ પણ સ્થાપિત લોકશાહી પોતાની ધારાસભાને એટલી વિશાળ નથી બનાવતી કે જ્યાં અર્થપૂર્ણ ચર્ચા જ અશક્ય બની જાય. કોઈપણ પરિપક્વ લોકશાહી વ્યવસ્થામાં સાંસદોની સંખ્યા મર્યાદિત રાખવામાં આવે છે જેથી તેઓ કાયદાઓની યોગ્ય સમીક્ષા કરી શકે. 850 સભ્યો વાળી લોકસભા ચર્ચા કરવા માટેનું ગૃહ બનવાને બદલે એક અરાજક સંસ્થા બની જશે, જ્યાં માત્ર થોડા જ લોકો બોલશે અને બાકીના સભ્યો માત્ર વોટિંગ મશીનનું બટન દબાવનારા દર્શકો બનીને રહી જશે.
વસતી વધી છતાં અમેરિકાએ સંસદની સીટો નથી વધારી
શશિ થરૂરે અમેરિકન પ્રતિનિધિ સભાનું ઉદાહરણ આપતા જણાવ્યું કે 1929માં જ્યારે અમેરિકાની વસતી 12 કરોડ હતી, ત્યારે સીટોની સંખ્યા 435 નક્કી કરવામાં આવી હતી. આજે વસતી ત્રણ ગણી વધીને 33.5 કરોડથી વધુ થઈ ગઈ છે, છતાં પણ સીટોની સંખ્યા 435 જ રાખવામાં આવી છે. અમેરિકા એ વાત સમજે છે કે સાંસદો વધારવાથી કાયદો બનાવવાની પ્રક્રિયા ઠપ થઈ જશે. તેના બદલે ત્યાં સાંસદોને વધુ સારું સ્થાનિક સ્ટાફ, આધુનિક સંચાર અને મજબૂત સમિતિ પ્રણાલી આપવામાં આવી છે.
850 સભ્યોના ગૃહમાં નાના પક્ષો અને બેકબેન્ચર્સનો અવાજ દબાઈ જશે
એક 850 સભ્યો વાળા ગૃહમાં 5 વર્ષના કાર્યકાળ દરમિયાન મોટાભાગના સાંસદો, ખાસ કરીને બેકબેન્ચર્સ અને નાની પાર્ટીઓના પ્રતિનિધિઓ ન તો કોઈ સવાલ પૂછી શકશે કે ન તો ચર્ચામાં ભાગ લઈ શકશે. ચાર કલાકની કોઈ ચર્ચામાં મુશ્કેલીથી 15-20 સાંસદોને જ બોલવાની તક મળશે.
થરૂરનું કહેવું છે કે આ સ્થિતિ એવી સરકાર માટે અનુકૂળ રહે છે જે સંસદની જવાબદેહીના બદલે માત્ર તેની સંમતિ ઈચ્છે છે. સંસદ બહુ મોટી થઈ જાય ત્યારે નિયંત્રણ આપમેળે જ કેબિનેટ અને સરકારના હાથમાં જતું રહે છે.
દેખાડાની લોકશાહી બનવાનો મોટો ખતરો
થરૂરે અત્યંત કડક શબ્દોમાં ચેતવણી આપી હતી કે 850 સીટો વાળી લોકસભા ચીન કે ઉત્તર કોરિયાની સંસ્થાઓ જેવી માત્ર નામની જ પ્રતિનિધિ સંસ્થા બનીને રહી જશે, જ્યાં અસલી કામ ચર્ચા કરવાનું નહીં પરંતુ માત્ર સંમતિનો દેખાવો કરવાનું હોય છે.
આ ઉપરાંત, ઉત્તર અને દક્ષિણ ભારત વચ્ચેના તફાવતને રેખાંકિત કરતા તેમણે લખ્યું કે પરિસીમનનું આ માળખું દક્ષિણ ભારતીય રાજ્યોને તેમની સફળ વસતી નિયંત્રણ નીતિઓ માટે દંડિત કરશે, જ્યારે વસતી વધારવામાં નિષ્ફળ રહેલા ઉત્તરના હિન્દી ભાષી રાજ્યોને વધુ સીટો આપીને પુરસ્કૃત કરશે.
વસતી વધે તો ધારાસભ્યો વધારો, સાંસદો નહીં
શશિ થરૂરે સાંસદ અને ધારાસભ્યની ફરજો વચ્ચેનો સ્પષ્ટ તફાવત સમજવા પર ભાર મૂક્યો હતો. તેમના મતે, સંસદમાં સાંસદનું કામ રાષ્ટ્રીય કાયદા બનાવવાનું, વિદેશ નીતિ, વ્યાપક આર્થિક નીતિઓ ઘડવાનું અને કેન્દ્ર સરકારને સવાલ પૂછવાનું છે. તેઓ નગરસેવક નથી. જ્યારે જનતાની સ્થાનિક સમસ્યાઓ જેવી કે રસ્તા, પાણી અને નાગરિક સુવિધાઓ માટે રાજ્યો તથા મહાનગરપાલિકાઓને મજબૂત કરવી જોઈએ. જો વસતી વધી રહી હોય તો ધારાસભ્યોની સંખ્યા વધારવી જોઈએ, સાંસદોની નહીં.
તેમણે સૂચન આપ્યું હતું કે 300 વધારાના સાંસદોના પગાર, ભથ્થા, આવાસ અને પેન્શન પર થનારા ખર્ચને બચાવીને વર્તમાન 543 સાંસદો માટે સંસદ પાસે એક આધુનિક, ગંભીર રિસર્ચ અને પ્રશાસનિક ઑફિસ બનાવવી વધુ બુદ્ધિમાનીભર્યું પગલું ગણાશે.









