India

SCO સમિટ: પાકિસ્તાની PMની હાજરીમાં જ PM મોદીની આતંકવાદ પર કડક ચેતવણી; જુઓ શું કહ્યું

By GS Team
1 Sep 20262 mins read
TukuTouch Logo
કિર્ગિસ્તાનની રાજધાની બિશકેકમાં 26મી SCO સમિટ યોજાઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ સામે કડક વલણ અપનાવતા કહ્યું કે, 'આતંકવાદ સામે કોઈ બેવડા ધોરણો ન હોઈ શકે.' પાકિસ્તાનનો ઉલ્લેખ કરી તેમણે આતંકવાદને નીતિના શસ્ત્ર તરીકે વાપરનારા દેશોને સ્પષ્ટ સંદેશ આપ્યો. પીએમ મોદીએ ઈરાનના પ્રમુખ અને પુતિન સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

SCO સમિટ: પાકિસ્તાની PMની હાજરીમાં જ PM મોદીની આતંકવાદ પર કડક ચેતવણી; જુઓ શું કહ્યું
IMAGE - IANS

PM Modi Slams Terrorism at Bishkek SCO Summit: કિર્ગિસ્તાનની રાજધાની બિશકેકમાં આયોજિત 26મી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ સામે કડક વલણ અપનાવ્યું છે. પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ અને ચીનના પ્રમુખ શી જિનપિંગ સહિત વિશ્વના અગ્રણી નેતાઓની હાજરીમાં પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યું કે, 'આતંકવાદ સામે કોઈ બેવડા ધોરણો ન હોઈ શકે. આતંકવાદનો સફાયો કરવા માટે સમગ્ર ઈકોસિસ્ટમને નષ્ટ કરવી ખૂબ જ જરૂરી છે.'

આતંકવાદ કોઈ વ્યૂહાત્મક સંપત્તિ હોઈ શકે નહીં

રાઉન્ડટેબલ ચર્ચા દરમિયાન પીએમ મોદીએ પાકિસ્તાન તરફ ઈશારો કરતા કહ્યું કે, 'જે દેશો આતંકવાદને પોતાની નીતિના શસ્ત્ર તરીકે વાપરે છે અને આતંકવાદીઓને આશ્રય કે મદદ આપે છે, તેમને સ્પષ્ટ સંદેશ આપવો જોઈએ. આતંકવાદ ક્યારેય કોઈ દેશ માટે વ્યૂહાત્મક સંપત્તિ હોઈ શકે નહીં.'

વૈશ્વિક સુરક્ષા પર વાત કરતા પીએમ મોદીએ જણાવ્યું કે, 'આજની ડિજિટલ અને જોડાયેલી દુનિયામાં સુરક્ષાની સીમાઓ વિસ્તરી છે. પશ્ચિમ એશિયાનો સંઘર્ષ દર્શાવે છે કે કોઈ એક વિસ્તારની હિંસા સમગ્ર વિશ્વની ઊર્જા સુરક્ષા, દરિયાઈ વેપાર અને સપ્લાય ચેઈનને અસર કરે છે અને તેનો સૌથી મોટો ફટકો ગ્લોબલ સાઉથના દેશોએ ભોગવવો પડે છે.'

નશાકારક પદાર્થો અને સંગઠિત અપરાધ સામે લડાઈ

પીએમ મોદીએ યુવા ધન અને ક્ષેત્રીય સુરક્ષા માટે ડ્રગ્સના દૂષણને મોટો ખતરો ગણાવ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે, 'નશાકારક પદાર્થોની તસ્કરી માત્ર એક ગુનો નથી, પરંતુ આપણી નવી પેઢીના ભવિષ્ય માટે ચિંતાજનક બાબત છે. SCO દ્વારા સંગઠિત અપરાધ, સાયબર સુરક્ષા અને ડ્રગ્સ કંટ્રોલ માટે જે કેન્દ્રો ઊભા કરાઈ રહ્યા છે તે સરાહનીય છે અને તેને વધુ સક્રિય બનાવવાની જરૂર છે.'

સાર્વભૌમત્વ અને સરહદોનું સન્માન જરૂરી

દેશો વચ્ચેના કનેક્ટિવિટીના મુદ્દા પર વાત કરતા પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે, 'ભારત વેપાર અને વિકાસના નવા રસ્તાઓનું સમર્થન કરે છે. જોકે, આવી કોઈ પણ પહેલ કરતી વખતે તમામ દેશોની પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વનું સન્માન કરવું અનિવાર્ય છે, જે SCOના ચાર્ટરનો મુખ્ય આત્મા છે. ભવિષ્યમાં માત્ર રસ્તા કે રેલવે જ નહીં, પરંતુ ડિજિટલ પ્રોસેસ અને કસ્ટમ્સને સરળ બનાવીને કનેક્ટિવિટી વધારવી જોઈએ.'

લોકો વચ્ચેના સંબંધો અને તકો પર ભાર

પીએમ મોદીએ પોતાની વાતમાં 'તક' (ઓપોર્ચ્યુનિટી) ને ત્રીજો મુખ્ય આધાર ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, 'SCO સમિટના નિર્ણયોનો સીધો લાભ સામાન્ય નાગરિકો, યુવાનો, વેપારીઓ અને ખેડૂતો સુધી પહોંચવો જોઈએ. આગામી 25 વર્ષોમાં લોકો વચ્ચેના સાંસ્કૃતિક અને સામાજિક સંબંધો આ સંગઠનનું મુખ્ય કેન્દ્ર રહેવા જોઈએ.

બેઠક પહેલાં તમામ નેતાઓના ફોટો સેશન દરમિયાન પીએમ મોદીએ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે ટૂંકી વાતચીત કરી હતી. આ સમિટ દરમિયાન પીએમ મોદીએ ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન અને પુતિન સાથે દ્વિપક્ષીય બેઠકો પણ યોજી હતી.