'યુવાઓના ભવિષ્યને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું..', PM મોદીની જાહેરાત પર રાહુલ ગાંધીનો વળતો પ્રહાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Education System Crisis: દેશભરમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગડબડ અને પેપર લીકની ઘટનાઓને કારણે ભારે વિરોધ થઈ રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે પીએમ મોદીએ પેપર લીકના દોષિતોને ઝડપથી કડક સજા આપવા માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટ બનાવવાની જાહેરાત કરી છે. બીજી તરફ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આકરા પ્રહારો કરતા કહ્યું છે કે, 'આ નિર્ણય માત્ર દેશની બગડેલી શિક્ષણ વ્યવસ્થાને છુપાવવાનો એક પ્રયાસ છે.'
રાહુલ ગાંધીનો પીએમ મોદી પર સીધો હુમલો
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ શેર કરીને આરોપ લગાવ્યો હતો કે દેશની શિક્ષણ વ્યવસ્થાને બરબાદ કરવા અને યુવાનોના ભવિષ્યને નુકસાન પહોંચાડવા માટે પીએમ પોતે જવાબદાર છે. તેમણે લખ્યું કે, 'યુવાનોના ભવિષ્યને સૌથી વધુ નુકસાન પીએમએ પહોંચાડ્યું છે અને આ માટે જવાબદાર તમામ લોકોને પ્રોત્સાહન તેમજ સંરક્ષણ આપવામાં આવ્યું છે.' આ સાથે જ રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓની 3 મુખ્ય માગણીઓ રજૂ કરી હતી.
- ધર્મેન્દ્ર પ્રધાનને પદ પરથી હટાવવામાં આવે.
- પીએમ મોદી વિદ્યાર્થીઓની માફી માંગે.
- વિદ્યાર્થીઓ સામે હિંસા કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર આપી માહિતી
આ અગાઉ પીએમ મોદીએ પેપર લીક અંગે સોશિયલ મીડિયા પર જાહેરાત કરતા જણાવ્યું હતું કે, 'દેશના યુવાનોનું હિત અને તેમનું ભવિષ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. પેપર લીકના તમામ કેસોના ઝડપી નિકાલ અને દોષિતોને સજા આપવા માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટ્સની રચના કરવાનો નિર્ણય લેવાયો છે અને સંબંધિત વિભાગોને આ અંગે જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવા માટે આ એક મહત્ત્વપૂર્ણ પગલું છે અને યુવાનોના ભવિષ્ય સાથે રમત રમનારા કોઈ પણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં.'
દિલ્હીમાં વિદ્યાર્થીઓનું આંદોલન અને પોલીસ સાથે ઘર્ષણ
નોંધનીય છે કે 20 જૂનથી દિલ્હીના જંતર-મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટી(CJP) અને વિવિધ વિદ્યાર્થી સંગઠનોનું આંદોલન સતત ચાલી રહ્યું છે. 20 જુલાઈના રોજ સંસદ માર્ચ અને 21 જુલાઈએ જંતર-મંતર તથા આઉટર સર્કલ ખાતે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક ઝડપો થઈ હતી, જેનાથી મામલો વધુ ગરમાયો છે. પોલીસે આ મામલે 10 અલગ-અલગ એફઆઈઆર (FIRs) નોંધીને ફેસિયલ રિકગ્નિશન ટેકનોલોજી (FRS)ની મદદથી તપાસ શરૂ કરી છે, તો બીજી તરફ વિરોધ પક્ષો સંસદની અંદર અને બહાર સરકારને સતત ઘેરી રહ્યા છે.









