E20 પેટ્રોલ વિરુદ્ધ પૈસા આપીને ચલાવાયું હતું ષડ્યંત્ર, ઈથેનોલ સામેના હોબાળા અંગે ગડકરીનો નવો રાગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

E20 Petrol Controversy: કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ મિશ્રણ (E20) કરવા અંગે ચાલતા વિરોધ પર મોટો ખુલાસો કર્યો છે. તેમણે મંગળવારે એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે E20 ફ્યુઅલ સામે સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમોમાં થઈ રહેલો વિરોધ એ કુદરતી નથી, પરંતુ પૈસા આપીને ચલાવવામાં આવેલું એક 'પેઇડ કેમ્પેઇન' હતું. ક્રૂડ ઓઇલની આયાત ઘટાડીને દેશનું કિંમતી વિદેશી હૂંડિયામણ બચાવવું ભારત માટે ખૂબ જરૂરી છે.' આ સાથે જ તેમણે દેશના રાષ્ટ્રીય રાજમાર્ગોની સ્થિતિ અંગે ખાતરી આપતાં કહ્યું કે, 'આગામી બે વર્ષમાં તમામ નેશનલ હાઇવેની સ્થિતિમાં મોટો સુધારો જોવા મળશે અને રસ્તાઓની ગુણવત્તા સાથે કોઈ જ બાંધછોડ કરવામાં આવશે નહીં.'
કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીની ઇથેનોલ મર્યાદા પર સ્પષ્ટતા
બીજી તરફ, કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ ગોવામાં સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણની મર્યાદા 20 ટકાથી આગળ વધારવાનો સરકારનો હાલ કોઈ પ્લાન નથી. તેમણે બાયોફ્યુઅલ અંગે ફેલાવવામાં આવી રહેલી નકારાત્મક વાતોને એક આયોજનબદ્ધ ભ્રામક પ્રચાર ગણાવ્યો હતો. સરકારી નીતિ અનુસાર, વિદેશથી આવતા ક્રૂડ ઓઇલ પર દેશની નિર્ભરતા ઓછી કરવા અને વેપાર ખાધ ઘટાડવાના હેતુથી જ ઇથેનોલ મિશ્રિત પેટ્રોલને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
શા માટે થયો હતો E20 પેટ્રોલ સામે વિવાદ?
E20 પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ અને 80 ટકા પેટ્રોલ હોય છે. આ ઇંધણ સામે વિરોધ ત્યારે શરૂ થયો જ્યારે વાહન ચાલકોએ ફરિયાદ કરી કે તેનાથી ગાડીઓની એવરેજ (માઇલેજ) ઘટી રહી છે અને જૂના વાહનોના એન્જિન પર ખરાબ અસર પડે છે. જોકે, સરકારના જણાવ્યા મુજબ, જૂના વાહનોની ઇંધણ કાર્યક્ષમતામાં માત્ર 3થી 5 ટકાનો જ ફેરફાર થઈ શકે છે અને એન્જિન ખરાબ થવાના કોઈ પુરાવા મળ્યા નથી. સરકારે આ નીતિને પ્રદૂષણ ઘટાડવા, ક્રૂડ ઓઇલની આયાત ઘટાડવા અને ખેડૂતોની આવક વધારવાના એક મહત્ત્વપૂર્ણ કદમ તરીકે દર્શાવી છે.




