India

'આંદોલનનો અર્થ એ નથી કે તમે લાઠીચાર્જ કરી દો...' જંતર મંતર પર પોલીસ કાર્યવાહી મુદ્દે ચીફ જસ્ટિસ લાલઘૂમ

By GS Team
27 Jul 20262 mins read
TukuTouch Logo
નીટ વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહી મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. CJI સૂર્યકાંતે જંતર-મંતર પર પોલીસ લાઠીચાર્જ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે લોકશાહીમાં સ્વ-શિસ્ત જરૂરી છે. બિહાર સહિત સમગ્ર ભારતમાં વિદ્યાર્થીઓ પર હુમલા થયા હોવાના દાવા સાથે, હવે મંગળવારે વધુ સુનાવણી થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

'આંદોલનનો અર્થ એ નથી કે તમે લાઠીચાર્જ કરી દો...' જંતર મંતર પર પોલીસ કાર્યવાહી મુદ્દે ચીફ જસ્ટિસ લાલઘૂમ
IMAGE - IANS

Supreme Court on NEET protest: નીટ વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહી વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સોમવારે સુપ્રીમ કોર્ટમાં મહત્ત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ભારતના ચીફ જસ્ટીસ સૂર્યકાંતે પોલીસ લાઠીચાર્જ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા અને સ્પષ્ટ કર્યું હતું કે લોકશાહીમાં પોતાની તરફથી પાળવામાં આવતી શિસ્ત પણ એટલી જ જરૂરી છે. આ મામલે હવે મંગળવારે તમામ અરજીઓ પર વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

જંતર-મંતર પર બળપ્રયોગ કરનાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહીની માગ

દિલ્હીના જંતર-મંતર ખાતે આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલી કાર્યવાહી બાદ જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે પગલાં લેવાની માગ અરજી મારફતે કરવામાં આવી છે. કોર્ટમાં એડવોકેટ ફોઝિયા શકીલે દાવો કર્યો હતો કે વિરોધ પ્રદર્શન દરમિયાન એકે-47 જેવા હથિયારોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. બીજી તરફ, સિનિયર એડવોકેટ વિકાસ સિંહે રજૂઆત કરી હતી કે બિહારમાં પણ વિદ્યાર્થીઓ પર હુમલા થયા છે, આથી સમગ્ર ભારત માટે એકસરખા આદેશની જરૂર છે.

વિરોધ પ્રદર્શનનો મતલબ એ નથી કે લાઠીચાર્જ કરી દેવાય: CJI

સુનાવણી દરમિયાન CJI સૂર્યકાંતે ટિપ્પણી કરતા જણાવ્યું કે, શાંતિપૂર્ણ આંદોલન કરવાનો અધિકાર બંધારણીય ગેરંટી છે અને તેને નકારી શકાય નહીં. માત્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે તે બાબત પોલીસની અતિશયોક્તિ કે બળપ્રયોગને વ્યાજબી ઠેરવી શકતી નથી. પ્રદર્શન માટે ચોક્કસ પ્રોટોકોલ હોવો જોઈએ, પરંતુ જો કોઈ અસામાજિક તત્વો હોય તો જ તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. પ્રોટોકોલમાં એકરૂપતા અને સ્વ-શિસ્ત જાળવવી લોકશાહી પ્રક્રિયા માટે અત્યંત જરૂરી છે.

ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓના પરિવારો પણ કોર્ટ પહોંચ્યા

પોલીસ કર્મચારીઓના પક્ષે રજૂ થયેલા વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે આંદોલન દરમિયાન જે પોલીસકર્મીઓ પર હુમલા થયા હતા અને માર મરાયો હતો, તેમના પરિવારોની વાત પણ સાંભળવામાં આવે. કેટલાક અધિકારીઓ સાથે હિંસા થઈ હોવાની બાબત ધ્યાને મુકાતા જસ્ટિસ જોયમાલા બાગચીએ કહ્યું કે, દરેક વ્યક્તિના જીવનનું મૂલ્ય સરખું હોય છે, પછી તે ગમે તે હોય. આ તબક્કે કેન્દ્ર તરફથી સોલિસિટર જનરલે પણ કોર્ટને પૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી.

સંસદમાં પણ ગાજ્યો વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જનો મુદ્દો

બીજી તરફ, આ મુદ્દો સંસદમાં પણ ભારે ગાજ્યો હતો. કોંગ્રેસના કન્યાકુમારીના સાંસદ વિજય વસંતે લોકસભામાં સ્થગિત પ્રસ્તાવની નોટિસ આપીને જંતર-મંતર પર પેપર લીક સામે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા અતિશય બળપ્રયોગ અંગે તાત્કાલિક ચર્ચાની માગ કરી છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે સુરક્ષા દળોએ લાઠીચાર્જ, ટીયર ગેસ અને પેલેટ ગનનો ઉપયોગ કરીને અનેક વિદ્યાર્થીઓને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા છે તથા મહિલા પ્રદર્શનકારીઓ સાથે પણ દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે.