India

‘હિન્દી’ માટે ઉહાપોહ કરતા ભાજપનો દંભ, મહારાષ્ટ્રમાં 50 વર્ષ જૂનો નિયમ ફગાવી દીધો

By GS Team
2 Sep 20262 mins read
TukuTouch Logo
મહારાષ્ટ્ર સરકારે અધિકારીઓ-કર્મચારીઓ માટેની હિન્દી ભાષાની પરીક્ષા રદ કરી છે. 50 વર્ષ જૂનો નિયમ સમાપ્ત થતા હવે પગાર વધારા કે પ્રમોશન માટે હિન્દી પરીક્ષા પાસ કરવી ફરજિયાત નથી. આ નિર્ણય MNS અને શિવસેના (UBT) જેવા પક્ષોના ઉગ્ર વિરોધ બાદ લેવાયો છે. સરકારે સ્પષ્ટતા કરી કે રાજ્યમાં વહીવટી કામકાજ મરાઠીમાં, જ્યારે અન્ય રાજ્યો સાથે અંગ્રેજીમાં પત્રવ્યવહાર થાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

‘હિન્દી’ માટે ઉહાપોહ કરતા ભાજપનો દંભ, મહારાષ્ટ્રમાં 50 વર્ષ જૂનો નિયમ ફગાવી દીધો

Maharashtra Hindi Exam Scrapped: મહારાષ્ટ્રમાં ઓટો અને ટેક્સી ડ્રાઇવરો માટે મરાઠી ભાષા ફરજિયાત કરવાના વિવાદ વચ્ચે રાજ્ય સરકારે હિન્દી ભાષાને લઈને એક મોટો નિર્ણય લીધો છે. સરકારે પોતાના અધિકારીઓ અને કર્મચારીઓ માટે યોજાતી હિન્દી ભાષાની પરીક્ષા રદ કરી દીધી છે. આ સાથે જ 50 વર્ષ જૂનો એ નિયમ પણ બંધ થઈ ગયો છે, જેમાં અમુક સરકારી કર્મચારીઓ માટે હિન્દી પરીક્ષા પાસ કરવી જરૂરી હતી. નોંધનીય છે કે, ગયા અઠવાડિયે જ ફડણવીસ સરકારે ડ્રાઇવરોને મરાઠી ભાષા શીખવા માટે એક વર્ષનો સમય આપીને વિવાદ શાંત પાડ્યો હતો.

શું રાજકીય દબાણમાં લેવાયો નિર્ણય?

મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણય બાદ હવે અધિકારીઓ અને કર્મચારીઓને નોકરીમાં પગાર વધારો કે પ્રમોશન મેળવવા માટે હિન્દી ભાષાની પરીક્ષા પાસ કરવાની જરૂર રહેશે નહીં. પરંતુ સવાલ એ ઊભો થાય છે કે સરકારે આ નિર્ણય કેમ લેવો પડ્યો? આ સમગ્ર મામલો જૂન 2026માં સામે આવ્યો હતો, જ્યારે ભાષા સંચાલનાલય દ્વારા સરકારી કર્મચારીઓ માટે 28 જૂનના રોજ હિન્દી ભાષાની પરીક્ષા યોજવાની જાહેરાત કરાઈ હતી. આ જાહેરાત થતાં જ મહારાષ્ટ્રના વિવિધ રાજકીય પક્ષો અને મરાઠી ભાષા સાથે જોડાયેલા સંગઠનોએ તેનો ભારે વિરોધ શરૂ કર્યો હતો.

MNS અને શિવસેના (UBT)નો સખત વિરોધ

રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)એ આ હિન્દી પરીક્ષાનો સૌથી વધુ વિરોધ કર્યો હતો. MNS નેતા સંદીપ દેશપાંડેએ આને કેન્દ્ર સરકારના ઈશારે હિન્દી લાદવાનો પ્રયાસ ગણાવ્યો હતો અને ચેતવણી આપી હતી કે જો 28 જૂને પરીક્ષા યોજાશે તો તેમના કાર્યકરો પરીક્ષા કેન્દ્રો પર વિરોધ પ્રદર્શન કરશે. બીજી તરફ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT)એ પણ સરકારને ઘેરીને સવાલ ઉઠાવ્યો હતો કે, જ્યારે મરાઠી ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળ્યો છે, તો પછી મહારાષ્ટ્રના કર્મચારીઓ પર હિન્દી પરીક્ષા પાસ કરવાનું દબાણ કેમ કરવામાં આવી રહ્યું છે? શિવસેના (UBT)એ એવો પણ તર્ક આપ્યો હતો કે શું ગુજરાત કે પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં સરકારી કર્મચારીઓ માટે હિન્દી પરીક્ષા ફરજિયાત છે?

વહીવટમાં મરાઠી અને અંગ્રેજીનો ઉપયોગ

રાજકીય ઘમાસાણ બાદ સરકારે વર્ષ 1976થી ચાલી આવતી હિન્દી પરીક્ષાની વ્યવસ્થાને પાંચ દાયકા પછી સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. સરકારે આ નિર્ણય 7 મે, 2026થી લાગુ કર્યો છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે મહારાષ્ટ્રની અંદર તમામ વહીવટી કામકાજ મરાઠી ભાષામાં થાય છે, જ્યારે અન્ય રાજ્યો સાથેનો અધિકૃત પત્રવ્યવહાર અંગ્રેજીમાં કરવામાં આવે છે. આથી સરકારી કર્મચારીઓ પર અલગથી હિન્દી પરીક્ષા લાદવાનું કોઈ કારણ બનતું નથી. સરકારના આ નિર્ણયથી મહારાષ્ટ્રના રાજકારણમાં મરાઠી અસ્મિતાનો મુદ્દો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે.