1160 કરોડનું ઈથેનોલ કૌભાંડ, બાળક-ગર્ભવતી મહિલાઓનું રેશન ચાંઉ કરી જનારા 4 અધિકારી પકડાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Madhya Pradesh Ethanol Rice Scam: મધ્ય પ્રદેશમાં ઇથેનોલ બનાવવાના નામે એક બહુ મોટું કૌભાંડ સામે આવ્યું છે. અહીં સરકારી અધિકારીઓ, રાઇસ મિલ માલિકો અને ઇથેનોલ પ્લાન્ટના સંચાલકોએ ભેગા મળીને આશરે ₹1,160 કરોડનો સરકારી ચોખા સગેવગે કરી નાખ્યો છે. ઇથેનોલ બનાવવા માટે આપેલા આ ચોખાનો ઉપયોગ કરવાને બદલે તેને ગુપ્ત રીતે પાછા સરકારી ગોડાઉનોમાં જ જમા કરાવી દેવાતા હતા. આ મોટી છેતરપિંડી પકડાતા જ પોલીસે તપાસ માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) બનાવી છે અને આ મામલે અત્યાર સુધીમાં 4 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.
કુપોષણ નાબૂદ કરવા માટેનો પોષણયુક્ત ચોખા ઇથેનોલના નામે ડાયવર્ટ કરાયો
મધ્ય પ્રદેશમાં ઇથેનોલ બનાવવા માટે સરકાર દ્વારા 5 લાખ મેટ્રિક ટન (એટલે કે 50 લાખ ક્વિન્ટલ) સરકારી ચોખાની ફાળવણી કરવામાં આવી હતી, જેની અંદાજિત બજાર કિંમત 1160 કરોડ રૂપિયા જેટલી થાય છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, આ કોઈ સામાન્ય ચોખા નહોતો પરંતુ તે ફોર્ટિફાઇડ એટલે કે ખાસ પોષણયુક્ત ચોખા હતા. દેશમાં ગરીબ બાળકો, સગર્ભા મહિલાઓ અને કિશોરીઓને કુપોષણ તેમજ એનિમિયા (લોહીની ઊણપ) જેવી ગંભીર બીમારીઓથી બચાવવા માટે આ ચોખા રેશનિંગ અને સરકારી યોજનાઓ હેઠળ વહેંચવાના હતા, જેને આ કૌભાંડીઓ ચાંઉ કરી ગયા.
ત્રણ ટ્રકોના લોકેશને ખોલી દીધી આખા કૌભાંડની પોલ
આ કરોડો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે 2 જૂને બાલાઘાટના સરકારી ગોડાઉનમાંથી ઇથેનોલ બનાવવા માટે ચોખા ભરીને નીકળેલી ત્રણ ટ્રકો પોતાના સાચા સરનામે પહોંચી જ નહીં. સરકારી ચોપડે આ ચોખા છિંદવાડાના ઇથેનોલ પ્લાન્ટમાં મોકલવાના હતા, પરંતુ તેના બીજા જ દિવસે આમાંથી એક ટ્રક બાલાઘાટની જ એક ખાનગી રાઇસ મિલમાં ઊભેલી પકડાઈ ગઈ અને બાકીની બે ટ્રકો પણ ગુમ હતી.
આ શંકાસ્પદ ઘટના સામે આવ્યા બાદ પોલીસે SITની રચના કરીને બાલાઘાટ, છિંદવાડા અને સિવની જેવા વિસ્તારોમાં દરોડા પાડ્યા છે. અત્યાર સુધીમાં પોલીસે ચોખા ભરેલી 12 ટ્રકો જપ્ત કરી છે અને ટ્રાન્સપોર્ટર્સ સહિત 40થી વધુ લોકોની કડક પૂછપરછ શરૂ કરી દીધી છે.
આ રીતે ખેલાતો હતો સરકારી ચોખા સગેવગે કરવાનો આખો 'ખેલ'
તપાસમાં બહાર આવ્યું છે કે આ કૌભાંડનું નેટવર્ક અત્યંત શાતિર રીતે કામ કરતું હતું. ઇથેનોલ પ્લાન્ટના સંચાલકોને સરકાર તરફથી ફોર્ટિફાઇડ ચોખા 2320 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના સબસિડી વાળા ભાવે મળતા હતા, જ્યારે ખુલ્લા બજારમાં ઇથેનોલ બનાવવા માટે વપરાતા 'ટુકડા ચોખા' માત્ર 2100 રૂપિયામાં મળી જતા હતા. ઇથેનોલ પ્લાન્ટના માલિકો આ મોંઘા સરકારી ચોખામાંથી ઇથેનોલ બનાવવાના બદલે તેને 2800 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ખાનગી રાઇસ મિલર્સને વેચી દેતા હતા.
રાઇસ મિલર્સ આ ચોખાને નવી ગુણીઓમાં પેક કરીને કસ્ટમ-મિલ્ડ ચોખાના નામે પાછા સરકારી ગોડાઉનોમાં જમા કરાવી દેતા હતા. આનાથી મિલર્સને ડાંગરમાંથી ચોખા બનાવવાનો (મિલિંગનો) ખર્ચ બચી જતો, તેઓ સરકાર પાસેથી મિલિંગ ચાર્જ પણ વસૂલી લેતા અને અસલમાં મિલિંગ માટે મળેલી ડાંગરને ખુલ્લા બજારમાં ઊંચા ભાવે વેચીને કરોડોનો નફો કમાતા હતા.
નિયમો નેવે મુકાયા અને મોનિટરિંગ સિસ્ટમ સંપૂર્ણ નાકામ રહી
સરકારી નિયમો મુજબ ગોડાઉનમાં જે જૂના ચોખાનો સ્ટોક પડ્યો હોય તેને પહેલા ઇથેનોલ માટે આપવાનો હોય છે (ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ - FIFO નિયમ). પરંતુ, કેટલાંક ભ્રષ્ટ અધિકારીઓએ કૌભાંડીઓને ફાયદો કરાવવા માટે આ નિયમ નેવે મૂકીને એકદમ નવો અને ફોર્ટિફાઇડ ચોખાનો સ્ટોક ફાળવી દીધો હતો.
દલાલો મારફતે ચોખાની ફાળવણીની ગુપ્ત વિગતો અગાઉથી જ મિલર્સ સુધી પહોંચી જતી હતી. આ સિવાય સરકારી મોનિટરિંગ સિસ્ટમ પણ સાવ નિષ્ફળ સાબિત થઈ હતી, કારણ કે રાઇસ મિલોના લાઈટ બિલ, મજૂરોના રેકોર્ડ કે મિલિંગ માટે અપાયેલી ડાંગરનું કોઈ નિયમિત ચેકિંગ જ થતું નહોતું, જેના લીધે આટલું મોટું કૌભાંડ લાંબા સમય સુધી દબાયેલું રહ્યું.









