India

'ભાજપમાં મને સાઇડ લાઇન કરી દેવાયો...', પૂર્વ કેન્દ્રીય મંત્રીનું દર્દ છલકાયું

By GS Team
2 Sep 20263 mins read
TukuTouch Logo
ભાજપના પૂર્વ સાંસદ અને કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરે પાર્ટીમાં પોતાની ઉપેક્ષાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, કેટલાક લોકો તેમને સાઇડ લાઇન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને કાર્યક્રમોમાં આમંત્રણ પણ નથી મળતું. કિશોરે અધિકારીઓની કાર્યશૈલી અને કાર્યકરોની ઉપેક્ષા પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે 2024ની ચૂંટણીમાં ભીતરઘાત કરનારા સામે કાર્યવાહી ન થવા બદલ નારાજગી વ્યક્ત કરી. તેઓ ભાજપમાં જ રહેશે કે નહીં તે નિર્ણય પાર્ટી નેતૃત્વ પર છોડ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

'ભાજપમાં મને સાઇડ લાઇન કરી દેવાયો...', પૂર્વ કેન્દ્રીય મંત્રીનું દર્દ છલકાયું
IMAGE - X/mp_kaushal

Kaushal Kishore BJP Statement: ભારતીય જનતા પાર્ટી(BJP)ના પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરે પાર્ટીની અંદર થઈ રહેલી પોતાની ઉપેક્ષાને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે, 'ભાજપની અંદર કેટલાક લોકો મને સાઇડ લાઇન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પાર્ટીના અનેક કાર્યક્રમો અને સરકારી ઇવેન્ટ્સમાં પણ મને આમંત્રણ આપવામાં આવતું નથી કે કોઈ સૂચના સુદ્ધાં નથી અપાતી. છતાં પણ હું આ ઉપેક્ષાથી વિચલિત નથી થયો. હું જમીન સાથે જોડાયેલા નેતા છું અને જીવનમાં 15 ચૂંટણીઓમાંથી 12 હાર્યો હોવા છતાં આવી ઉપેક્ષા કે હારથી ડરતો નથી.'

'હું ભાજપથી નારાજ નથી પણ ઉપેક્ષા પાછળનું કારણ જાણવા માગું છું'

કૌશલ કિશોરે સ્પષ્ટ કર્યું છે કે, 'હું પાર્ટીથી નારાજ નથી અને તેની વિચારધારા સાથે આજે પણ મજબૂતીથી ઊભો છું. પરંતુ હું એ જાણવા માગું છું કે પાર્ટી મારા વિશે શું વિચારે છે. જો જનતા અને કાર્યકરોની સમસ્યાઓ ઉજાગર કરવી એ ખોટું કામ હોય, તો સાચું શું છે તે મને સમજાતું નથી. હું કોઈ પદ પાછળ દોડી રહ્યો નથી, પરંતુ જ્યારે વિચારધારાથી ભટકી જાય ત્યારે બોલવું જરૂરી બની જાય છે.'

અધિકારીઓની કાર્યશૈલી અને કાર્યકરોની ઉપેક્ષા પર સવાલો

પૂર્વ કેન્દ્રીય મંત્રીએ અધિકારીઓની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. તેમણે જણાવ્યું કે, 'પાર્ટીના બૂથ અધ્યક્ષ અને અન્ય પદાધિકારીઓ જ્યારે જનતાની વ્યાજબી સમસ્યાઓ લઈને પોલીસ સ્ટેશન જાય છે, ત્યારે તેમની સુનવાઈ થતી નથી. જ્યારે જનપ્રતિનિધિઓ કે કાર્યકરોની વાત સાંભળવામાં ન આવે ત્યારે તેમનું મનોબળ તૂટે છે. સરકાર અને સંગઠન વચ્ચે યોગ્ય તાલમેલ હોવો જરૂરી છે અને નાનામાં નાના કાર્યકરની વાતને પણ મહત્ત્વ મળવું જોઈએ.'

2024ની ચૂંટણીમાં ભીતરઘાત કરનારા સામે કાર્યવાહી ન થતાં નારાજગી

2024ની લોકસભા ચૂંટણીનો ઉલ્લેખ કરતા કૌશલ કિશોરે ગંભીર આરોપ લગાવ્યો હતો કે, 'ભાજપના જ કેટલાક લોકોએ ચૂંટણીમાં મારો વિરોધ કર્યો હતો. પાર્ટી નેતૃત્વને આ વાતની જાણ હોવા છતાં તેવા લોકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. મેં ચેતવણી આપી હતી કે જો પાર્ટીના ઉમેદવાર વિરુદ્ધ કામ કરનારા લોકોને જ સંરક્ષણ મળતું રહેશે, તો નિષ્ઠાવાન કાર્યકરોનો વિશ્વાસ તૂટી જશે. સંગઠનમાં શિસ્ત જાળવવા માટે આવા લોકો સામે કડક પગલાં લેવા અનિવાર્ય છે.

સોશિયલ મીડિયા પોસ્ટ અંગે સ્પષ્ટતા અને 2027ની ચૂંટણી માટે સૂચન

પોતાની એક સોશિયલ મીડિયા પોસ્ટ ('જેટલી ઊંચાઈએ દડો ગયો હતો, તેટલી જ ઝડપે નીચે આવી રહ્યો છે') અંગે સ્પષ્ટતા આપતાં તેમણે કહ્યું કે, 'આ ટ્વિટ કોઈ ચોક્કસ નેતા કે પાર્ટી માટે ન હતું. જે પણ સંગઠન કે વ્યક્તિ પોતાના મૂળ ઉદ્દેશ્યથી ભટકે છે, તેનું પતન નિશ્ચિત હોય છે.' 2027ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી અંગે તેમણે સલાહ આપી કે ભાજપે અત્યારથી જ પૂરી તાકાત લગાવવી પડશે અને 2024માં જે કારણોસર નુકસાન થયું હતું તે ભૂલો સુધારવી પડશે.

પાર્ટીમાં રહેવા કે ન રહેવાનો નિર્ણય ભાજપ નેતૃત્વ પર છોડ્યો

કૌશલ કિશોરે અંતમાં સ્પષ્ટ કર્યું કે, 'હું હાલ ભાજપનો જ એક કર્મઠ કાર્યકર છું. જોકે પાર્ટી મને રાખવા માગે છે કે નહીં તે તેમણે નક્કી કરવાનું છે. જો ક્યારેય પાર્ટી એવું કહેશે કે હવે મારી જરૂર નથી, તો હું મારા ભવિષ્ય અંગે નિર્ણય લઈશ.' તેમના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તેઓ પાર્ટી છોડી રહ્યા નથી, પરંતુ અંદરખાને ચાલતી ઉપેક્ષા અને કાર્યકરોની ઉપેક્ષા સામે તેમણે મોરચો માંડ્યો છે.