India

ચૂંટણી પંચ વિરુદ્ધ 20 રાજકીય પક્ષો એકસાથે રસ્તા પર ઉતરશે, I.N.D.I.A. બ્લોકની બેઠક બાદ ખડગેની જાહેરાત

By GS Team
30 Sep 20262 mins read
TukuTouch Logo
દિલ્હીમાં I.N.D.I.A. બ્લોકની બેઠક 3 કલાક ચાલી, જેમાં 20 વિપક્ષી દળો જોડાયા. કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ ચૂંટણી પંચને 'સરકારની કઠપૂતળી' ગણાવી, CEC જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ કરી. 2થી 8 ઑક્ટોબર સુધી 'લોકશાહી બચાવો માર્ચ' અને 6 ઑક્ટોબરે દિલ્હીમાં ECI સુધી માર્ચ યોજાશે. વિપક્ષે રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપી, 5 મોટી રેલીઓ કરવાની જાહેરાત કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

ચૂંટણી પંચ વિરુદ્ધ 20 રાજકીય પક્ષો એકસાથે રસ્તા પર ઉતરશે, I.N.D.I.A. બ્લોકની બેઠક બાદ ખડગેની જાહેરાત
IMAGE - IANS

I.N.D.I.A. Bloc Meeting: દિલ્હીના કોન્સ્ટીટ્યુશન ક્લબ ઑફ ઇન્ડિયામાં બુધવારે મળેલી I.N.D.I.A. બ્લોકની મહત્ત્વપૂર્ણ બેઠક લગભગ ત્રણ કલાક સુધી ચાલી હતી. આ બેઠકમાં 20 જેટલા વિપક્ષી દળો સામેલ થયા હતા. બેઠક પૂરી થયા બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પ્રેસ કોન્ફરન્સ યોજીને કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ પર આકરા પ્રહાર કર્યા હતા.

ચૂંટણી પંચ કઠપૂતળીની જેમ કામ કરી રહ્યું છે: ખડગે

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગંભીર આરોપ લગાવતાં કહ્યું કે, 'ચૂંટણી પંચ (ECI) સરકારના હાથની કઠપૂતળી બનીને કામ કરી રહ્યું છે. આજે દેશભરમાં ચૂંટણી પંચના કામકાજને લઈને ગંભીર ચિંતાઓ વ્યક્ત થઈ રહી છે. મુખ્ય ચૂંટણી કમિશનર(CEC) જ્ઞાનેશ કુમાર અને તેમના સાથી સભ્યોની ભૂમિકા સામે પણ સવાલો ઊભા થયા છે.'

તેમણે માંગ કરી હતી કે જ્ઞાનેશ કુમારને તેમના પદ પરથી હટાવવામાં આવે અને ભવિષ્યની ચૂંટણીઓ માટે એસઆઇઆર(SIR - સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયા પહેલાની જ વોટર લિસ્ટનો ઉપયોગ કરવામાં આવે. વળી, વોટર લિસ્ટમાં થતા દરેક ફેરફારમાં સંપૂર્ણ પારદર્શિતા હોવી જોઈએ.

સરકાર અને ચૂંટણી પંચને ઘેરવા માટે વિપક્ષનો મોટો એક્શન પ્લાન

સરકાર અને ચૂંટણી પંચની નીતિઓ વિરુદ્ધ વિપક્ષી ગઠબંધને આગામી દિવસોમાં દેશભરમાં આંદોલન અને વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. આ વિરોધમાં આમ જનતા, યુવાનો, I.N.D.I.A. ગઠબંધનના સભ્યો, એનજીઓ તેમજ લોકશાહી અને એકતા માટે કામ કરતી સંસ્થાઓ જોડાશે.

આગામી કાર્યક્રમોનું આયોજન

  • 2થી 8 ઑક્ટોબર: દેશના દરેક જિલ્લા સ્તરે 'લોકશાહી બચાવો માર્ચ' કાઢવામાં આવશે અને ડીએમ(DM) ઑફિસ બહાર જોરદાર દેખાવો કરવામાં આવશે.
  • 6 ઑક્ટોબર: વિપક્ષી ગઠબંધનના તમામ લોકસભા અને રાજ્યસભાના સાંસદો દિલ્હીમાં ચૂંટણી પંચ (ECI) સુધી માર્ચ કરશે.
  • ઑક્ટોબરના બીજા અઠવાડિયે: વિપક્ષી નેતાઓનું એક પ્રતિનિધિ મંડળ દેશના રાષ્ટ્રપતિને મળીને આ સમગ્ર મામલે આવેદનપત્ર આપશે અને સમય માંગશે.
  • મોટી રેલીઓ: વિપક્ષ દ્વારા આગામી સમયમાં દેશભરમાં પાંચ મોટી જનરેલીઓનું આયોજન કરવામાં આવશે.

ઉદ્ધવ ઠાકરેની 'એકલા ચાલો નીતિ' પર આપત્તિ અને સહમતી

આ બેઠકમાં શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ઝૂમ કોલ દ્વારા જોડાઈને કોંગ્રેસની 'એકલા ચાલો નીતિ' પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, જો સરકાર અને ચૂંટણી પંચ સામે મોટી અને અસરકારક જંગ લડવી હોય તો વિપક્ષે અલગ-અલગ કાર્યક્રમો કરવાને બદલે I.N.D.I.A. ગઠબંધનના સમાન બેનર હેઠળ એકજુટ થઈને મેદાનમાં ઉતરવું પડશે.'

જ્યારે સપા (SP) તરફથી અખિલેશ યાદવ વ્યસ્ત હોવાને કારણે બેઠકમાં હાજર નહોતા રહ્યા, પરંતુ તેમણે પોતાના પ્રતિનિધિઓ તરીકે મુઝફ્ફરનગરના સાંસદ હરેન્દ્ર મલિક અને રામપુરના સાંસદ મોહિબુલ્લાહ નદવીને મોકલ્યા હતા. આ બેઠક દ્વારા વિપક્ષે આગામી સમયમાં સરકાર અને ચૂંટણી પંચ સામે આક્રમક વલણ અપનાવવાનો સ્પષ્ટ સંકેત આપી દીધો છે.