SIR મુદ્દે ચૂંટણી પંચમાં આંતરિક ભૂકંપ, CEC જ્ઞાનેશ કુમાર સામે સાથી કમિશનરોની 14 ગંભીર ફરિયાદ બાદ EC એ આપ્યો જવાબ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Election Commission of India dispute: ભારતીય લોકશાહીના સૌથી મોટા રખેવાળ ગણાતા ‘ભારતના ચૂંટણી પંચ’ (ECI)માં ઉચ્ચ સ્તરે એક ગંભીર વિખવાદ સર્જાયો છે. મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) ‘જ્ઞાનેશ કુમાર’ની કાર્યશૈલી અને નિર્ણયો સામે તેમના જ બે સાથી કમિશનરો ‘સુખબીર સિંહ સંધુ’ અને ‘વિવેક જોશી’એ ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી છે. ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં પ્રકાશિત અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા 10 મહિનાના ટૂંકા ગાળામાં આ બંને કમિશનરોએ CECના નિર્ણયો સામે 14 વખત ઔપચારિક વાંધા ઉઠાવ્યા છે. આ કટોકટી એટલી ગંભીર છે કે મામલો હવે દેશના કેબિનેટ સચિવ સુધી પહોંચી ગયો છે. ચાલો જાણીએ કે આ વિવાદ શું છે, કયા મુદ્દાઓ પર મતભેદ છે અને તેનાથી દેશની ચૂંટણી વ્યવસ્થા પર શું અસર પડી શકે છે.
વિવાદનું મૂળ: ફોર્મ 6 અને અનધિકૃત ફેરફારો
‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલ મુજબ, વિવાદનું મુખ્ય કેન્દ્ર નવા મતદારોની નોંધણી માટે વપરાતું કાનૂની દસ્તાવેજ 'ફોર્મ 6' અને 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) કાર્યક્રમ છે, જેની અસર દેશના 13 કરોડ મતદારો પર પડે છે.
- અસહમત કમિશનરો સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીનો આરોપ છે કે મુખ્ય ચૂંટણી કમિશનરે તેમની જાણ કે મંજૂરી વિના મતદાર યાદીમાં નામ ઉમેરવા અને કાઢી નાખવા જેવા મહત્ત્વપૂર્ણ નિર્ણયો લીધા છે.
- સૌથી મોટો વાંધો ફોર્મ 6માં કરવામાં આવેલા ફેરફાર સામે છે. નિયમ મુજબ, ફોર્મ 6 'મતદારોના નોંધણી નિયમો, 1960' હેઠળ આવે છે અને સરકારની ઔપચારિક સૂચના (ગેઝેટ નોટિફિકેશન) વિના તેમાં કોઈ ફેરફાર કરી શકાય નહીં.
- આમ છતાં, કાયદા મંત્રાલયની મંજૂરી વિના ગત મે મહિનામાં ચૂંટણી પંચના ઓનલાઈન પોર્ટલ પર ફોર્મ 6નું નવું વર્ઝન મૂકી દેવામાં આવ્યું. આ નવા ફોર્મમાં અરજદારોને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું તેમના માતા-પિતા કે દાદા-દાદી અગાઉની મતદાર યાદીમાં નોંધાયેલા હતા? કમિશનર સંધુએ આ ફેરફારને ‘અનધિકૃત’ ગણાવીને વરિષ્ઠ અધિકારીઓને પત્ર લખ્યો હતો અને ચેતવણી આપી હતી કે આવા ફેરફારોને કારણે પ્રથમ વખત મત આપનારા યુવાઓ પોતાના મતાધિકારથી વંચિત રહી શકે છે.
અસહમત કમિશનરો દ્વારા ઉઠાવવામાં આવેલા 4 ગંભીર મુદ્દા
સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશી દ્વારા નીચે મુજબના 4 મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે.
- બંધારણીય અધિકારીઓની અવગણના: ચૂંટણી પંચમાં આઇટી (IT) સિસ્ટમનું કેન્દ્રીકરણ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે સ્થાનિક નોંધણી અધિકારીઓ (ERO) અને મુખ્ય ચૂંટણી અધિકારીઓ (CEO)ની સત્તા છીનવાઈ ગઈ છે.
- પારદર્શકતાનો અભાવ: સોફ્ટવેરમાં મોટા ફેરફારો અને મતદાર યાદી સુધારવા જેવા નિર્ણયો સંપૂર્ણ કમિશન (ત્રણેય સભ્યો) સમક્ષ રજૂ કર્યા વિના જ અમલમાં મૂકી દેવાયા.
- ગેરકાયદે ફેરફારો: ફોર્મ 6માં કાયદા મંત્રાલયની મંજૂરી કે આંતરિક સર્વસંમતિ વિના ફેરફાર કરાયા.
- સોફ્ટવેરની ખામી અને નુકસાન: આ કેન્દ્રીયકૃત ડિજિટલ સિસ્ટમની નિષ્ફળતાને કારણે સુપ્રીમ કોર્ટના આદેશ છતાં ગોવામાં 97 યોગ્ય મતદારો પોતાના મતાધિકારથી વંચિત રહી ગયા હતા.
મામલો કેબિનેટ સચિવ સુધી પહોંચ્યો
ECINet અને ERONet જેવા મતદાર સોફ્ટવેરના કેન્દ્રીકરણ અને કામની ફાળવણીના નવા આદેશથી આઇટી વિભાગ પરના દેખરેખના સ્તરો દૂર કરાતા તણાવ એટલો વધી ગયો કે કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ સીધા કેબિનેટ સચિવ ટી.વી. સોમનાથનને પત્ર લખ્યો. ચૂંટણી પંચના ઇતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે. તેમણે ફરિયાદ કરી કે આઇટી વિભાગનું સંચાલન જે રીતે થઈ રહ્યું છે, તે ચૂંટણી પંચના કાયદાઓનું સીધું ઉલ્લંઘન છે અને તેમાં તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવા જોઈએ.
ચૂંટણી પંચે બચાવમાં શું કહ્યું?
- મતદાતા યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ને લઈને ચૂંટણી પંચ (ECI) ના આંતરિક અધિકારીઓ વચ્ચે કથિત મતભેદ હોવાના અહેવાલો વહેતા થયા બાદ હવે ભારતીય ચૂંટણી પંચે આ મુદ્દે એક વિગતવાર અધિકૃત નિવેદન જારી કર્યું છે. ચૂંટણી પંચે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તે બંધારણની કલમ 324, કાયદાઓ અને સ્થાપિત સંસ્થાકીય પરંપરાઓ હેઠળ કામ કરતું એક બંધારણીય મંડળ છે. પંચે સ્પષ્ટ કર્યું કે આંતરિક નોંધો, ટિપ્પણીઓ અને ટેકનિકલ સૂચનો એ કોઈ મતભેદ નથી પરંતુ તેમની સામાન્ય અને પારદર્શી કાર્યપ્રણાલીનો એક અવિભાજ્ય ભાગ છે.
- ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, કોઈપણ મુદ્દા કે ડ્રાફ્ટ તૈયાર કરતી વખતે પંચના સભ્યો પ્રશ્નો ઉઠાવી શકે છે, સ્પષ્ટતા માગી શકે છે કે પોતાના સૂચનો આપી શકે છે. આ તમામ પ્રક્રિયાઓનો મુખ્ય હેતુ ચૂંટણી પ્રક્રિયાને વધુ મજબૂત અને પારદર્શી બનાવવાનો તથા મતદારોના અધિકારોનું રક્ષણ કરવાનો છે. કોઈપણ લોકશાહી કે બંધારણીય સંસ્થામાં અંતિમ નિર્ણય લેતા પહેલા જુદા જુદા વિચારો અને ટિપ્પણીઓ આવવી એ સંપૂર્ણપણે સામાન્ય વહીવટી પ્રક્રિયા છે.
- ECI એ ઉમેર્યું હતું કે છેલ્લા 10 મહિનાની કેટલીક ચોક્કસ આંતરિક ટિપ્પણીઓને અલગથી બતાવીને રજૂ કરવાથી સમગ્ર ચિત્ર સ્પષ્ટ થતું નથી. પાછલા એક વર્ષમાં ચૂંટણી પંચ દ્વારા દેશભરમાં મતદાતા યાદી સુધારણા અને SIR જેવા મહત્વપૂર્ણ કામો હાથ ધરાયા છે, જેમાં 40 જેટલી નવી પહેલો અને અનેક ચૂંટણી સુધારાઓ સામેલ છે. આ તમામ નિર્ણયો પંચના તમામ સભ્યોની સર્વસંમતિ અને કાયદાકીય પ્રક્રિયાને અનુસરીને જ લેવામાં આવ્યા છે.
- પોતાની કાર્યક્ષમતા દર્શાવતા ચૂંટણી પંચે તાજેતરમાં જ બિહાર, કેરળ, તમિલનાડુ, પુડુચેરી, આસામ અને પશ્ચિમ બંગાળમાં સફળતાપૂર્વક સંપન્ન થયેલી મોટા પાયાની ચૂંટણીઓનો ઉલ્લેખ કર્યો હતો. આ ચૂંટણીઓ દરમિયાન વ્યાપક સ્તરે વહીવટી અને ઓપરેશનલ કામગીરી પંચના નિર્દેશો અને કાયદાકીય મંજૂરીઓ હેઠળ પૂર્ણ કરવામાં આવી હતી.
- ડિજિટલ પ્લેટફોર્મ ECINET ને લઈને ઊભેલા સવાલો અંગે પંચે જણાવ્યું કે ECINET અત્યંત કડક ડેટા સિક્યુરિટી પ્રોટોકોલ હેઠળ કામ કરે છે, જેથી તેમાં કોઈ અનધિકૃત ફેરફાર કે છેડછાડ શક્ય નથી. આ સિવાય રાષ્ટ્રીય ડેટાબેઝ પર આઈટી સિક્યુરિટી ચેક અને ઓડિટ કંટ્રોલ નિયમિતપણે કરવામાં આવે છે. મતદારોના નામ ઉમેરવા કે હટાવવા સંબંધિત નિર્ણયો ઈલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર (ERO) અને ડિસ્ટ્રિક્ટ ઈલેક્શન ઓફિસર (DEO) કાયદાકીય સત્તા હેઠળ જ કરે છે. પંચે પુનરોચ્ચાર કર્યો કે તે પોતાની બંધારણીય ફરજો સંપૂર્ણ નિષ્ઠા અને પ્રામાણિકતા સાથે નિભાવવા માટે કટિબદ્ધ છે.
ચૂંટણી પંચનો ઇતિહાસ મતભેદોથી ભર્યો પડ્યો છે
ચૂંટણી પંચમાં મતભેદો થવા એ નવી વાત નથી. અમુક મોટા વિવાદો જોઈએ.
- 1950થી 1989: ચૂંટણી પંચમાં માત્ર એક જ સભ્ય (CEC) હતા. 1989માં બે વધારાના કમિશનર નિમાયા, પરંતુ 1990માં ફરી પંચ એક સભ્યનું થઈ ગયું. અંતે 1993થી ત્રણ સભ્યોની કાયમી પ્રણાલી અમલમાં આવી.
- 2009નો વિવાદ: તત્કાલીન CEC એન. ગોપાલસ્વામીએ સોનિયા ગાંધીના કેસમાં અન્ય બે કમિશનરો (એસ.વાય. કુરેશી અને નવીન ચાવલા) સાથે અસંમતિ દર્શાવી હતી.
- 2019નો વિવાદ: લોકસભા ચૂંટણી વખતે કમિશનર અશોક લવાસાએ વડાપ્રધાનના ભાષણોને લગતી આચારસંહિતાની ફરિયાદોમાં પોતાના સાથીઓથી અલગ વલણ અપનાવ્યું હતું.
વિપક્ષના પ્રહાર
આ ખુલાસા બાદ વિપક્ષે સરકાર અને ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું છે. TMC નેતા ડેરેક ઓ'બ્રાયને રાજ્યસભામાં પડતર ઠરાવ આગળ લાવીને CEC જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવાની માંગ કરી છે. સપા પ્રમુખ અખિલેશ યાદવ, કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ, મનીષ તિવારી, જયરામ રમેશ, શિવસેના (UBT) સાંસદ સંજય રાઉત અને AAP ના સૌરભ ભારદ્વાજ સહિતના નેતાઓએ SIR પ્રક્રિયા રોકવાની અને ચૂંટણી પંચની કામગીરીની તપાસ કરવાની માંગ કરી છે.
આ મુદ્દે નિષ્ણાતોનો મત
ભૂતપૂર્વ ચૂંટણી કમિશનર ઓ.પી. રાવતે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘બેઠકોમાં મતભેદો થાય તે સ્વાભાવિક છે, પરંતુ તે પરસ્પર સમજાવટથી ઉકેલાય છે. જોકે, 10 મહિનામાં 14 વખત વિરોધ થાય છતાં નિર્ણયો થોપી દેવામાં આવે તેવું પહેલીવાર બન્યું છે. કાયદાકીય રીતે ચૂંટણી પંચના ત્રણેય સભ્યોની સત્તા સમાન છે, કોઈ એક વ્યક્તિ (CEC) પાસે વહીવટના નામે વધારાની કે અમર્યાદિત સત્તા નથી.’




