India

Explainer: એક અફવા... અને યુનિવર્સિટીઓ બની રણમેદાન! જાણો LPU, ચિત્કારા અને દિલ્હી યુનિવર્સિટીની હકીકત

By GS Team
29 Sep 20263 mins read
TukuTouch Logo
પંજાબની લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી (LPU) અને ચિત્કારા યુનિવર્સિટીમાં 48 કલાકમાં ફેલાયેલી અફવાઓથી હજારો વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું. ચિત્કારામાં છોકરીઓ ગુમ થવાની અને LPUમાં દુષ્કર્મની ખોટી અફવાઓએ હોબાળો મચાવ્યો, જેના કારણે તોડફોડ અને હિંસા થઈ. પોલીસે સ્પષ્ટતા કરી કે કોઈ ઘટના બની નથી. પંજાબ સરકારે SIT તપાસના આદેશ આપ્યા છે. દિલ્હી યુનિવર્સિટીમાં પણ વિદ્યાર્થીનીઓએ કેમ્પસ સુરક્ષા માટે 'વી વુમન આર ફ્રી' માર્ચ યોજી.

Summarized by AI; it may make mistakes. Check important info

Explainer: એક અફવા... અને યુનિવર્સિટીઓ બની રણમેદાન! જાણો LPU, ચિત્કારા અને દિલ્હી યુનિવર્સિટીની હકીકત

In the era of digital rumors, panic spreads faster than facts: આજના ડિજિટલ યુગમાં વોટ્સએપ અને સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી અફવાઓ કેટલી ખતરનાક સાબિત થઈ શકે છે, તેનું જીવતું જાગતું ઉદાહરણ પંજાબની બે મોટી ખાનગી યુનિવર્સિટીઓમાં જોવા મળ્યું. અહીંની લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી (LPU) અને ચિત્કારા યુનિવર્સિટીમાં માત્ર 48 કલાકમાં અફવાઓએ એવો હોબાળો મચાવ્યો કે હજારો વિદ્યાર્થીઓ વિરોધમાં ઉતરી આવ્યા. બીજી તરફ, દિલ્હી યુનિવર્સિટી (DU)માં વિદ્યાર્થીનીઓએ પણ કેમ્પસ સુરક્ષા અંગે જોરશોરથી અવાજ ઉઠાવ્યો.

ચિત્કારા યુનિવર્સિટી: 'ભૂત' અને ગુમ થવાની અફવા

રાજપુરા સ્થિત ચિત્કારા યુનિવર્સિટીના બાનુર કેમ્પસમાં 25 સપ્ટેમ્બરની રાત્રે વોટ્સએપ ગ્રૂપ્સમાં ગર્લ્સ હોસ્ટેલમાંથી 2 છોકરીઓ ગુમ થયાની અથવા આત્મહત્યા કર્યાની વાત વાઇરલ થઈ. એટલું જ નહીં, અહીંની હોસ્ટેલનો એક રૂમ 'ભૂતિયા' હોવાની અને ત્યાંથી ચીસો સંભળાતી હોવાની પાયાવિહોણી વાતોને પણ વર્ષ 2019 ની એક પૂર્વ વિદ્યાર્થિનીની આત્મહત્યા સાથે જોડી દેવાઈ. આ બાબતથી ગુસ્સે થઈને સેંકડો વિદ્યાર્થીઓએ રાત્રે જ કેમ્પસમાં પ્રદર્શન શરૂ કર્યું. વિરોધ હિંસક બનતા 2 પોલીસ વાહનોમાં તોડફોડ કરાઈ અને પોલીસ આઉટપોસ્ટ ઇન્ચાર્જ પર હુમલો કરાયો.

છેવટે પોલીસે સ્પષ્ટતા કરી છે કે કોઈ છોકરી ગુમ થઈ નથી. કેમ્પસમાં આવેલી એમ્બ્યુલન્સ માત્ર એક બીમાર વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ જવા માટે આવી હતી. તપાસમાં સામે આવ્યું કે કેટલાક તોફાની તત્ત્વોએ સ્પીકર પર ભયાનક અવાજ વગાડીને પેરાનોર્મલ એક્ટિવિટીની અફવા ફેલાવી હતી.

લવલી યુનિવર્સિટીમાં દુષ્કર્મની અફવા અને તોડફોડ

ચિત્કારાની ઘટનાના 24 કલાક બાદ ફગવાડા સ્થિત લવલી યુનિવર્સિટીમાં અફવા ફેલાઈ કે G-3 ગર્લ્સ હોસ્ટેલના રૂમ નંબર 504માં રહેતી વિદ્યાર્થિની સાથે 24 સપ્ટેમ્બરે દુષ્કર્મ આચરાયું, જેણે આત્મહત્યા કરી લીધી છે. આ સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાતા 27 સપ્ટેમ્બરના રોજ હજારો વિદ્યાર્થીઓ વિરોધમાં ઉતરી આવ્યા અને જલંધર-ફગવાડા રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-44) બ્લોક કરી દીધો. તોફાનીઓએ કેમ્પસના મોલમાં લૂંટ ચલાવી, ATM મશીનો તોડ્યા અને 2 પોલીસ વાહનોને સળગાવી દીધા. સ્થિતિ કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો હતો.

હકીકત એ હતી કે, કોઈ યુવતી સાથે દુષ્કર્મ થયું ન હતું. લવલી યુનિવર્સિટી અને પોલીસે પણ આ વાતને રદિયો આપ્યો. યુનિવર્સિટીએ રૂમ નંબર 504માં રહેતી 3 વિદ્યાર્થિનીઓના વીડિયો જાહેર કરીને સ્પષ્ટતા કરી કે આવી કોઈ ઘટના બની નથી.

પંજાબ સરકારે SITની રચના કરીને તપાસ સોંપી

આ વાતને ગંભીરતાથી લઈને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી, જેમાં 5 વિદ્યાર્થી પ્રતિનિધિ પણ સામેલ છે. લવલી યુનિવર્સિટીએ 28 સપ્ટેમ્બરથી 10 દિવસ માટે વર્ગો અને મિડ-ટર્મ પરીક્ષાઓ સ્થગિત કરી દીધી છે.

દિલ્હી યુનિવર્સિટીમાં 'વી વુમન આર ફ્રી' માર્ચ

પંજાબથી વિપરીત, દિલ્હી યુનિવર્સિટીમાં વિરોધનું કારણ કોઈ અફવા નહીં પરંતુ સુરક્ષા સંબંધિત વાસ્તવિક ઘટનાઓ હતી, જે ટૂંકમાં સમજીએ.

  • મુખ્ય બનાવો: 22 સપ્ટેમ્બરે લેડી શ્રી રામ કોલેજ નજીક 17 વર્ષની છોકરી પર સામુહિક દુષ્કર્મ કરનારા આરોપી સાથે પોલીસનું એન્કાઉન્ટર થયું હતું. આ ઉપરાંત, 23 સપ્ટેમ્બરે મુખરજી નગરમાં 2 વિદ્યાર્થિનીની છેડતી બદલ દિલ્હી યુનિવર્સિટીના LLBના ત્રણ વિદ્યાર્થઈને સસ્પેન્ડ કરાયા, જેમની સામે FIR પણ નોંધાઈ હતી.

આ દરમિયાન લેડી શ્રી રામ, ગાર્ગી, મિરાન્ડા હાઉસ અને કમલા નેહરુ કોલેજની આશરે 200 વિદ્યાર્થિનીએ ‘વી વુમન આર ફ્રી’ માર્ચ યોજીને વિવિધ માંગ કરી. જેમ કે, દક્ષિણ દિલ્હીના જાહેર સ્થળે પૂરતી સ્ટ્રીટલાઇટ અને CCTV કેમેરા લગાવો. પોલીસ પેટ્રોલિંગ વધારો તેમજ મહિલાઓ માટે સાંજ પછી હોસ્ટેલ/પીજીના કડક નિયમો અને પાર્કમાં પ્રવેશ પરના પ્રતિબંધો દૂર કરો.

આ અફવાઓ પાછળનું રાજકારણ

પંજાબ પોલીસના સ્પેશિયલ ડીજીપી પરવીન કુમાર સિંહાના જણાવ્યા મુજબ, આગામી વર્ષે પંજાબમાં વિધાનસભા ચૂંટણીઓ હોવાથી આ અફવાઓ પાછળ કોઈ રાજકીય ષડયંત્ર છે કે કેમ તેની પણ ટેકનિકલ તપાસ ચાલી રહી છે. હાલ બંને કેમ્પસમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.