India

જ્ઞાનેશ કુમાર સરકારના હાથનું રમકડું બન્યા! CWC બેઠકમાં ખડગેએ મૂકી 5 આકરી માંગણીઓ

By GS Team
29 Sep 20262 mins read
TukuTouch Logo
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દિલ્હીમાં CWC બેઠકમાં મોદી સરકાર અને ચૂંટણી પંચ પર ગંભીર આરોપો લગાવ્યા. તેમણે છેલ્લા 12 વર્ષમાં લોકતાંત્રિક પાયાને નબળો પાડવાનો અને મતદાર યાદીમાંથી નામો હટાવવાનો આક્ષેપ કર્યો. ખડગેએ CECને હટાવવા અને PM મોદીના રાજીનામાની માંગ કરી. તેમણે ફોર્મ-6ના નિયમોમાં ફેરફારને 'વોટબંધી' ગણાવ્યો. કોંગ્રેસે મતદાર યાદી ડેટા સાર્વજનિક કરવાની 5 માંગણીઓ કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

જ્ઞાનેશ કુમાર સરકારના હાથનું રમકડું બન્યા! CWC બેઠકમાં ખડગેએ મૂકી 5 આકરી માંગણીઓ
IMAGE - IANS

Election Commission Controversy: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા મંગળવારે કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠકમાં ચૂંટણી પંચ અને કેન્દ્રની મોદી સરકાર સામે ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. તેમણે દેશના લોકતંત્ર અને બંધારણની રક્ષા કરવાની જવાબદારી કોંગ્રેસના શિરે હોવાનું જણાવીને સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.

મોદી સરકાર પર લોકતંત્રને નબળા પાડવાનો ગંભીર આરોપ

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો છે કે, 'છેલ્લા 12 વર્ષમાં મોદી સરકાર દ્વારા દેશના મજબૂત લોકતાંત્રિક પાયાને યોજનાબદ્ધ રીતે નબળો પાડવામાં આવ્યો છે. કાવતરાના ભાગરૂપે મતદાર યાદી (વૉટર લિસ્ટ)માંથી લોકોના નામ હટાવવામાં આવી રહ્યા છે અને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) મોદી સરકારના ઈશારે કામ કરી રહ્યા છે.' ખડગેએ મુખ્ય ચૂંટણી કમિશનરને તાત્કાલિક પદ પરથી હટાવવાની તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે નૈતિકતાના આધારે રાજીનામાની માગણી કરી છે.

ફોર્મ-6ના નિયમોમાં ફેરફાર અને યુવાનોનો મુદ્દો

ખડગેએ યુવાનોના મતાધિકારનો મુદ્દો ઉઠાવતા જણાવ્યું કે, 'ડિસેમ્બર 1988માં તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીએ મતદાનની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરી હતી. પરંતુ વર્તમાન સરકારે યુવાનોને મતાધિકારથી વંચિત રાખવાના હેતુથી ગુપ્ત રીતે ફોર્મ-6ના નિયમોમાં ગેરકાયદેસર ફેરફાર કરાવ્યા છે. નોકરીઓ મળી નથી અને હવે સરકાર મત આપવાનો અધિકાર પણ છીનવવા માંગે છે.'

ચૂંટણી પંચ સમક્ષ કોંગ્રેસની પાંચ મુખ્ય માંગણીઓ

ખડગેએ રાહુલ ગાંધી દ્વારા અગાઉ મહારાષ્ટ્ર, હરિયાણા અને અન્ય સ્થળોએ ડુપ્લીકેટ મતદારો તથા શંકાસ્પદ એન્ટ્રીઓ અંગે ઉઠાવેલા સવાલોને દોહરાવ્યા હતા. સાથે જ ચૂંટણી પંચ સામે નીચે મુજબની પાંચ મુખ્ય માંગણીઓ મૂકી છે:

1) મતદાર યાદીમાં થયેલા મોટા ફેરફારોનો સંપૂર્ણ ડેટા સાર્વજનિક કરવામાં આવે.

2) જેમના નામ હટાવાયા છે તેવા મતદારોને તેની સૂચના અને અપીલ કરવાનો યોગ્ય મોકો મળે.

3) રાજકીય પક્ષોને જરૂરી ચૂંટણીકીય ડેટા સરળ ફોર્મેટમાં સમયસર પૂરો પાડવામાં આવે.

4) ગંભીર વિસંગતતાઓની સ્વતંત્ર અને સમયબદ્ધ તપાસ હાથ ધરવામાં આવે.

5) ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા મહત્ત્વપૂર્ણ ડેટા અને નિર્ણયોમાં પારદર્શિતા જાળવવામાં આવે.

નોટબંધી સાથે સરખામણી કરી યોજનાને 'વૉટબંધી' ગણાવી

મલ્લિકાર્જુન ખડગેએ નોટબંધી સાથે સરખામણી કરતા આ પગલાંને 'વૉટબંધી' ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, 'આગામી પાંચ રાજ્યોની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે કોઈ પણ મતદારનો અધિકાર છીનવાય નહીં.' કોંગ્રેસે આ લડાઈને માત્ર ચૂંટણી પૂરતી નહીં પરંતુ લોકતંત્ર અને બંધારણની રક્ષા માટે ગણાવીને 'સડકથી સંસદ સુધી' લડત આપવાનું આહ્વાન કર્યું છે.