મમતા બેનર્જીને હાઇકોર્ટની મોટી રાહત: TMCના ફ્રીઝ થયેલા બૅંક એકાઉન્ટ ખુલશે, પણ માનવી પડશે આ કડક શરત!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Calcutta High Court TMC relief: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ને હાઇકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. તાજેતરમાં જ ટીએમસીના ફ્રીઝ કરાયેલા બૅંક ખાતાઓ મામલે સુનાવણી કરતા કલકત્તા હાઇકોર્ટે પાર્ટીને રોજિંદા ખર્ચ માટે પોતાના બૅંક એકાઉન્ટ ઓપરેટ કરવાની મંજૂરી આપી દીધી છે. જોકે, કોર્ટે આ રાહત આપવાની સાથે એક મોટી શરત પણ મૂકી છે, જે મુજબ પાર્ટીએ કોર્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા ખાસ અધિકારીની કડક દેખરેખ હેઠળ જ પોતાના બૅંક ખાતાઓ ઓપરેટ કરવા પડશે.
ઉતાવળમાં કરેલી કાર્યવાહી પર હાઇકોર્ટના સવાલ
આ મામલે સુનાવણી દરમિયાન અદાલતે પોલીસ દ્વારા ઉતાવળમાં કરવામાં આવેલી કડક કાર્યવાહી સામે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, બૅંક ખાતા ફ્રીઝ કરવાનો આદેશ આપવા માટે જે પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા, તેનાથી કોર્ટ સંતુષ્ટ નથી અને પોલીસ પૂરતા પુરાવા શોધવામાં નિષ્ફળ રહી છે. આ સાથે જ કોર્ટે જણાવ્યું કે જ્યાં સુધી ચૂંટણી પંચ(ECI) આ વિવાદ પર કોઈ અંતિમ નિર્ણય ન લે, ત્યાં સુધી ટીએમસીનો બળવાખોર જૂથ આ વિશેષ અધિકારીનો સંપર્ક સાધી શકશે નહીં.
શું છે સમગ્ર મામલો?
તૃણમૂલ કોંગ્રેસ સાથે જોડાયેલા કથિત ફંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં આશરે ₹440 કરોડની બેલેન્સ ધરાવતા બૅંક ખાતાઓની તપાસ શરૂ કરાઈ હતી. આ તપાસના ભાગરૂપે એક ખાનગી એવિએશન કંપનીની ઑફિસ સહિત અનેક સ્થળો પર દરોડા પણ પાડવામાં આવ્યા હતા. આ સમગ્ર વિવાદ વિધાનસભા ચૂંટણી બાદ સામે આવેલા શંકાસ્પદ ખાતાઓ સાથે જોડાયેલો છે, જેના પર પહેલાથી જ ડેબિટ ફ્રીઝ લગાવવામાં આવ્યું હતું.
ચૂંટણી બાદ TMCમાં પડી ફૂટ, મામલો ચૂંટણી પંચે પહોંચ્યો
બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ પક્ષ આંતરિક રીતે બે ભાગમાં વહેંચાઈ ગયો છે. પાર્ટીના 19 જેટલા સાંસદોએ મમતા બેનર્જી સામે બળવો પોકાર્યો છે, જેમાં કાકોલી ઘોષ, શતાબ્દી રોય, બાપી હલદર, સાયોની ઘોષ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાન જેવા મોટા નામો સામેલ છે. પક્ષમાં પડેલી આ મોટી ફૂટનો મામલો હવે કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ પહોંચી ગયો છે અને ચૂંટણી પંચે આ મામલે બંને જૂથોને નોટિસ પાઠવીને ખુલાસો માંગ્યો છે.









