India

માથા કે કમરના દુ:ખાવામાં પેઇનકિલર લેવાની ટેવ છે? CDSCOની ચેતવણી: કિડની થઈ શકે છે ફેઇલ!

By GS Team
28 Sep 20262 mins read
TukuTouch Logo
CDSCO દ્વારા મહત્ત્વપૂર્ણ ચેતવણી અપાઈ છે કે ડૉક્ટરની સલાહ વિના લાંબા સમય સુધી પેનકિલર અને એન્ટિબાયોટિક્સ લેવાથી કિડનીને ગંભીર નુકસાન થઈ શકે છે. નિષ્ણાતોના મતે, આ દવાઓનો વધુ પડતો ઉપયોગ 'ક્રોનિક કિડની ડિસિઝ'નું કારણ બને છે. યુવાનોમાં પણ કિડની ખરાબ થવાના કેસ વધ્યા છે. સ્વ-દવા ટાળી, સામાન્ય દર્દમાં પણ ડૉક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

માથા કે કમરના દુ:ખાવામાં પેઇનકિલર લેવાની ટેવ છે? CDSCOની ચેતવણી: કિડની થઈ શકે છે ફેઇલ!
IMAGE - ENVATO

Painkillers Kidney Damage: સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) દ્વારા એક મહત્ત્વપૂર્ણ ચેતવણી જાહેર કરવામાં આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ડૉક્ટરની સલાહ વગર લાંબા સમય સુધી પેનકિલર (દર્દ નિવારક દવાઓ) અને એન્ટિબાયોટિક્સનો ઉપયોગ કરવાથી કિડનીને ગંભીર નુકસાન થઈ શકે છે. નિષ્ણાતોના મતે આ પ્રકારની દવાઓનો અતિશય અને અનિયમિત સેવન 'ક્રોનિક કિડની ડિસિઝ'નું મુખ્ય કારણ બની શકે છે.

ડૉક્ટરની સલાહ વગર પેનકિલરનું સેવન જોખમી

સામાન્ય રીતે માથાનો દુખાવો, સાંધાનો દુખાવો કે શરીરમાં થતી સામાન્ય પીડા માટે લોકો કોઈપણ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર સીધી જ મેડિકલમાંથી પેનકિલર ખરીદી લે છે. પરંતુ લાંબા સમય સુધી આવી દવાઓ લેવાથી કિડની પર ખૂબ જ ખરાબ અસર પડે છે. આ અંગે ડૉક્ટરોનું કહેવું છે કે, યુવાઓમાં પણ કિડની ખરાબ થવાના કેસો વધી રહ્યા છે, જેનું મોટું કારણ લાંબા સમય સુધી પેનકિલરનું સેવન છે. ગંભીર કેસોમાં દર્દીઓને ડાયાલિસીસ પર રાખવાની નોબત પણ આવી જાય છે. જો સામાન્ય દર્દ હોય તો મહિનામાં એક કે બે દિવસ દવા લઈ શકાય, પરંતુ સતત દુખાવા માટે હંમેશા ડૉક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે.

એન્ટિબાયોટિક્સનો મનસ્વી ઉપયોગ ટાળો

માત્ર પેનકિલર જ નહીં, પરંતુ શરદી, ખાંસી કે સામાન્ય વાયરલ ઇન્ફેક્શનમાં પણ લોકો જાતે જ એન્ટિબાયોટિક્સ ખાવા લાગે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. CDSCO સ્પષ્ટ કર્યું છે કે દરેક સંક્રમણમાં એન્ટિબાયોટિક્સની જરૂર હોતી નથી. કયા રોગમાં કઈ દવા અને કેટલા દિવસ માટે લેવી તે માત્ર ડૉક્ટર જ દર્દીની સ્થિતિ જોઈને નક્કી કરી શકે છે, તેથી સેલ્ફ-મેડિકેશન (જાતે દવા લેવાથી) બચવું ખૂબ જરૂરી છે.