India

આ ભારત છે, બે વાંદા દેખાય તેમાં હોટેલનું લાઈસન્સ સસ્પેન્ડ ના કરાય : બોમ્બે હાઇકોર્ટ

By GS Team
31 Jul 20262 mins read
TukuTouch Logo
બોમ્બે હાઈકોર્ટે નવી મુંબઈની ફાઈવ સ્ટાર હોટલનું લાયસન્સ સસ્પેન્ડ કરવાના FDAના નિર્ણયને રદ કર્યો છે. માત્ર 2 વાંદા મળવા બદલ લાયસન્સ રદ કરવા સામે કોર્ટે FDAને ફટકાર લગાવી. કોર્ટે કહ્યું, "વાસ્તવિકતામાં જીવો, આપણે ભારતમાં છીએ. બે વાંદા મળતાં લાયસન્સ સસ્પેન્ડ ન કરી શકાય." કોર્ટે લાયસન્સ તાત્કાલિક પૂર્વવત કરવાનો આદેશ આપ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આ ભારત છે, બે વાંદા દેખાય તેમાં હોટેલનું લાઈસન્સ સસ્પેન્ડ ના કરાય : બોમ્બે હાઇકોર્ટ

FDA hotel license suspended: નવી મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટલમાં તપાસ દરમિયાન માત્ર બે વાંદા મળી આવવાના કારણે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા તેનું લાઈસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું. આ નિર્ણયને રદ કરતા બોમ્બે હાઈકોર્ટે FDAને આકરી ફટકાર લગાવી હતી. હાઈકોર્ટે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, 'વાસ્તવિકતામાં જીવો, આપણે ભારતમાં છીએ. માત્ર બે વાંદા મળી આવતાં ફાઈવસ્ટાર હોટેલનું લાઈસન્સ સસ્પેન્ડ ન કરી શકાય. સ્વચ્છતા અને કામગીરીના એકંદર અહેવાલ સામે માત્ર બે વાંદાની હાજરીને લીધે લાઈસન્સ સસ્પેન્ડ રાખવું યોગ્ય નથી, આપણે વાસ્તવિક અભિગમ કેળવવો પડશે.'

FDAએ કહ્યું- ખાદ્ય સલામતી સાથે બાંધછોડ ન થઈ શકે

FDAએ કોર્ટ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે, 'હોટલમાં તપાસ વખતે 95 ટકા નિયમોની પૂર્તિ જણાઈ હતી, પરંતુ રસોડામાં જીવાત મળી આવી હતી. ખાદ્ય સલામતી અને ચોખ્ખાઈમાં કોઈ બાંધછોડ કરી શકાય નહીં. વાંદા એક હોય કે દસ, તેનાથી કોઈ ફેર પડતો નથી અને જો આ નિયમ ન પળાય તો તેને સ્વીકારી શકાય નહીં.'

ન્યાયાધીશોએ પોતાનો કિસ્સો સંભળાવી સસ્પેન્શનનો આદેશ રદ કર્યો

એક્ટિંગ ચીફ જસ્ટિસ રવિન્દ્ર ધુગે અને જસ્ટિસ ગૌતમ અંખડની બેન્ચને FDAની આ દલીલ ગળે ઉતરી નહોતી. બેન્ચે મૌખિક ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, 'ગયા સપ્તાહે અમારા ટેબલ પર પણ વાંદો ફરતો હતો અને એક માખી પણ હતી, તો તેનાથી શું થઈ શકે?' કોર્ટે સસ્પેન્શનના નિર્ણય સામે સવાલો ઉઠાવી ઓથોરિટીને હોટલનું લાઈસન્સ અને પરમિટ તાત્કાલિક પૂર્વવત કરવાનો આદેશ આપ્યો હતો.

આકરાં પગલાં લેતાં પહેલાં સુધારા નોટિસ આપવા કોર્ટની સૂચના
અગાઉ આ કેસની સુનાવણી વખતે પણ હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે FDAએ આવા આકરાં પગલાં ભરતાં પહેલાં હોટલને સુધારા નોટિસ આપવી જોઈએ, કારણ કે આવા નિર્ણયોથી મોટાપાયે રોજગારી પર પણ અસર પડે છે. આ સાથે જ હાઈકોર્ટે FDAને સવાલ કર્યો હતો કે સરકાર હસ્તકના વિભાગોની કેન્ટીનો સામે શું તપાસ કરવામાં આવી છે તેનો અહેવાલ પણ રજૂ કરવામાં આવે.

આગામી સુનાવણી 31 જુલાઈના રોજ, રાજ્યભરના નિરીક્ષણનો રિપોર્ટ મંગાયો

હોટેલ પાસે ફૂડ સેફટી કમિશનર સામે અપીલ કરવાનો કાનૂની રસ્તો ઉપલબ્ધ છે. આ કેસની આગામી સુનાવણી 31 જુલાઈના રોજ રાખવામાં આવી છે, જેમાં FDAએ રાજ્યભરમાં કરેલા નિરીક્ષણની તમામ વિગતો કોર્ટ સમક્ષ રજૂ કરવાની રહેશે.