India

ભારતમાં રોડ નિર્માણમાં વિલંબ બદલ પણ ટ્રમ્પ જવાબદાર? ભાજપ નેતાના નિવેદનથી હોબાળો

By GS Team
17 Aug 20262 mins read
TukuTouch Logo
મહારાષ્ટ્રના અહમદનગર-મનમાડ હાઈવેના અધૂરા કામ પર રાજકારણ ગરમાયું છે. ભાજપના પૂર્વ સાંસદ સુજય વિખે પાટીલે રોડ નિર્માણમાં વિલંબ માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વૈશ્વિક સંકટને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે કહ્યું કે ઈરાન સંઘર્ષથી ક્રૂડ ઓઈલની અછત સર્જાઈ છે, જેથી ડામર મળતો નથી. તેમના આ નિવેદનથી વિપક્ષ અને જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતમાં રોડ નિર્માણમાં વિલંબ બદલ પણ ટ્રમ્પ જવાબદાર? ભાજપ નેતાના નિવેદનથી હોબાળો

Sujay Vikhe Patil: મહારાષ્ટ્રના અહમદનગર-મનમાડ હાઈવેનું ખોરંભે પડેલું કામ આજકાલ રાજકીય નિવેદનબાજીનો મુખ્ય વિષય બન્યું છે. આ રોડના અધૂરા કામને લઈને પૂર્વ સાંસદ અને ભાજપના નેતા સુજય વિખે પાટીલે એવું ચોંકાવનારૂં નિવેદન આપ્યું છે, જેને કારણે તેઓ વિપક્ષ અને સામાન્ય જનતાના નિશાના પર આવી ગયા છે. તેમણે રસ્તાના નિર્માણમાં થઈ રહેલા વિલંબનો બધો દોષ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર ઢોળ્યો છે. સુજય વિખેએ કામમાં થયેલી વાર માટે સીધી રીતે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને જવાબદાર ઠેરવ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પ અને વૈશ્વિક સંકટને ગણાવ્યું વિલંબનું કારણ

મહારાષ્ટ્રના ભાજપ નેતા સુજય વિખે પાટીલે અહમદનગર-મનમાડ હાઈવેના કામમાં થઈ રહેલા વિલંબ માટે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વૈશ્વિક સંકટને જવાબદાર ઠેરવ્યા છે. અહિલ્યાનગરમાં બોલતા તેમણે દાવો કર્યો હતો કે ઈરાન સાથેના સૈન્ય સંઘર્ષના કારણે વિશ્વભરમાં ક્રૂડ ઓઇલના પુરવઠા પર માઠી અસર પડી છે, જેના લીધે રોડ નિર્માણમાં વપરાતા પેટ્રોલિયમ આધારિત ઉત્પાદનોની અછત સર્જાઈ છે. હાઈવેના અધૂરા કામ અંગે થતી આકરી ટીકાઓનો વિવાદાસ્પદ જવાબ આપતા તેમણે કહ્યું હતું કે, 'મેં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જેવો પાગલ માણસ ક્યારેય નથી જોયો.'

ડામર ન મળવાના કારણે હાઈવેનું કામ ઠપ થયાનો દાવો

ભાજપના નેતાએ તર્ક આપ્યો હતો કે ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ અને યુદ્ધોના કારણે ગ્લોબલ સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. આ જ કારણે રસ્તા બનાવવા માટે અત્યંત જરૂરી એવો 'ડામર' સ્થાનિક સ્તરે ઉપલબ્ધ થઈ રહ્યો નથી. પરિસ્થિતિ એ છે કે રોડ બનાવવા માટે ડામર સીધો દિલ્હીથી મંગાવવો પડી રહ્યો છે, જેના લીધે અનેક રસ્તાઓના કામ અટકી ગયા છે અને અહમદનગર-મનમાડ હાઈવે પણ તેનો ભોગ બન્યો છે. આ અનોખા તર્ક સાથે જ તેમણે ભારે આત્મવિશ્વાસથી એવો પણ દાવો કર્યો હતો કે આ રોડનું અટકેલું કામ માત્ર ને માત્ર સુજય વિખે જ પૂરું કરી શકે છે.

વિપક્ષના આકરા પ્રહાર અને જનતાની પરેશાની

સુજય વિખે પાટીલના આ નિવેદન બાદ વિપક્ષને નવો મુદ્દો મળી ગયો છે. મહારાષ્ટ્ર વિધાન પરિષદના ઉપસભાપતિ સચિન આહીરે આ નિવેદન પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, 'ભલે તમે ડોનાલ્ડ ટ્રમ્પને બોલાવી લાવો, પણ ગમે તેમ કરીને આ અહમદનગર-મનમાડ રોડનું કામ તાત્કાલિક પૂરું કરો.'

ઉલ્લેખનીય છે કે આ હાઈવે લાંબા સમયથી બિસ્માર હાલતમાં હોવાના કારણે અકસ્માતો અને ટ્રાફિક જામનું કારણ બની રહ્યો છે. સ્થાનિક લોકો ઝડપી નિર્માણની માંગ કરી રહ્યા છે, ત્યારે વહીવટીતંત્રની ખામીઓ સ્વીકારવાને બદલે અમેરિકન પ્રમુખને જવાબદાર ઠેરવવાની આ વાત હવે હાસ્ય અને ટીકાનો વિષય બની છે.