Independence Day 2026: લાલ કિલ્લા પરથી યુવાઓ માટે જાહેરાત કર્યા બાદ PM મોદીએ 'દિમાગી નક્સલી'ઓનો ઉલ્લેખ કર્યો, કહ્યું - આવા લોકોથી દેશને બચાવવો પડશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Independence Day 2026 Live: ભારત આજે તેનો 80મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સમારોહની આગેવાની કરી રહ્યા છે. આ વર્ષનો સમારોહ રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ્'ના 150 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે વિશેષ થીમ પર આયોજિત કરાયો છે.
પેટ્રોલ-ડીઝલ કે ખાતરની કોઇ અછત નથી : પીએમ મોદીનું દેશને આશ્વાસન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં પેટ્રોલ, ડીઝલ કે ખાતરની કોઈ અછત નથી તેવું સ્પષ્ટ આશ્વાસન આપ્યું છે. તેમણે કહ્યું કે અમુક લોકો છે જેમને ફક્ત ડરાવવામાં મજા આવે છે. પરંતુ 2014 બાદના 12 વર્ષોમાં જે યોજના તૈયાર કરવામાં આવી છે તેનાથી દેશ કોઈ પણ સંકટનો સામનો કરવા હંમેશા તૈયાર રહે છે. યુરિયાનો ભાવ દુનિયામાં 3000 રૂપિયાએ પહોંચી ગયો છે પણ અમે આજે પણ દેશના ખેડૂતોને 300 રુપિયામાં આપી રહ્યા છીએ. પેટ્રોલ-ડીઝલના અમુક દેશો વેપનાઈઝ કરી રહ્યા છે.
એક વર્ષમાં 1 કરોડ યુવાઓને AI સ્કિલની ટ્રેનિંગ અપાશે
પીએમ મોદીએ વધુ એક મોટી જાહેરાત કરતાં લાલ કિલ્લા પરથી કહ્યું કે આગામી એક વર્ષમાં એક કરોડથી પણ વધુ યુવાઓને AI સ્કિલ શીખાવાડીશું. તેમને ટ્રેનિંગ આપીને સક્ષમ-પગભર બનાવીશું. આ સાથે યુવાઓ માટે ફ્રી ઓનલાઈન કોચિંગની વ્યવસ્થા કરવામાં આવશે.
ઈન્ટરનેટ યુઝર્સ લગભગ 4 ગણા અને ઈન્ટરનેટ કન્ઝ્યુમર્સ આશરે 50 ગણા વધ્યા
PM મોદીએ ઉમેર્યું કે, ઈન્ટરનેટ યુઝર્સ લગભગ 4 ગણા અને ઈન્ટરનેટ કન્ઝ્યુમર્સ આશરે 50 ગણા વધ્યા છે. આ સિવાય પેટન્ટ ગ્રાન્ટ થવાની સંખ્યા 4 ગણી વધી છે અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં 100 ગણો વધારો થયો છે. સામાન્ય માનવીની સુવિધા માટે પણ એટલી જ ગંભીરતાથી કામ કરવામાં આવ્યું છે. દર વર્ષે સરેરાશ 15 ગણી ઝડપથી નળથી જળ કનેક્શન આપવામાં આવ્યા, 6 ગણી ઝડપથી ગેસ કનેક્શન અપાયા, 4 ગણી ઝડપથી શૌચાલય અને 3 ગણી ઝડપથી ગરીબોને ઘર આપવાનું કામ થયું છે. દેશના ગવર્નન્સમાં મોટા બદલાવ લાવીને સેંકડો જૂના કાયદાઓ નાબૂદ કરવામાં આવ્યા છે.
PM એ વધુમાં જણાવ્યું કે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે મેટ્રોનું વિસ્તારણ કરવામાં આવ્યું છે. આ બધી ઝડપ, વિસ્તાર અને સિદ્ધિઓ આઝાદી પછી પહેલીવાર છેલ્લા એક દાયકામાં જોવા મળી છે. જ્યારે આટલી બધી સિદ્ધિઓ આપણી સામે હોય અને દેશવાસીઓનું સામર્થ્ય પ્રગટ થતું હોય, ત્યારે 2047 સુધીમાં વિકસિત ભારત બનવાનો આપણો સંકલ્પ ક્યારેય અધૂરો રહી શકે નહીં. આ તમામ આંકડાઓ સાક્ષી આપે છે કે દેશ ઝડપથી આગળ વધી રહ્યો છે.
છેલ્લા 12 વર્ષમાં ડિફેન્સ પ્રોડક્શન લગભગ 4 ગણું વધ્યું: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી સંબોધન કરતા જણાવ્યું હતું કે, છેલ્લા 12 વર્ષમાં ડિફેન્સ પ્રોડક્શન લગભગ 4 ગણું વધ્યું છે, ખાલી અને ગ્રામોદ્યોગનું ઉત્પાદન આશરે 5 ગણું થયું છે, ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ લગભગ 7 ગણું વધ્યું છે, આધુનિક રેલવે કોચનું નિર્માણ 21 ગણું વધ્યું છે અને મોબાઈલ ફોનનું ઉત્પાદન 33 ગણું વધ્યું છે. આટલું જ નહીં, આધુનિક યુગમાં ડિજિટલ અને ઈનોવેશનની દુનિયામાં પણ ભારતે પોતાનો ડંકો વગાડ્યો છે.
PM મોદીએ દેશવાસીઓને આપ્યો મંત્ર
લાલ કિલ્લાની પ્રાચીર પરથી 80મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે રાષ્ટ્રજોગ સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને મોટા સ્વપ્નો અને ઊંચા સંકલ્પો સાથે આગળ વધવા આહ્વાન કર્યું હતું. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે હવે દેશ નાના સ્વપ્નોથી ચાલે તેમ નથી, કારણ કે મોટા સ્વપ્નો આપણી વિચારસરણીને વિસ્તાર આપે છે અને દ્રઢ સંકલ્પો વિકટ પરિસ્થિતિઓ વચ્ચેથી પણ માર્ગ કાઢવાનું સામર્થ્ય પૂરું પાડે છે. જ્યારે આપણા લક્ષ્યો અને પ્રયાસોની ઊંચાઈ વધશે ત્યારે જ આપણે સમર્થ અને મહાન ભારતના સ્વપ્નને સાકાર કરી શકીશું.
PM મોદીની મોટી જાહેરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી મોટી જાહેરાત કરતાં કહ્યું કે દેશને પરમાણુ ઊર્જામાં આત્મનિર્ભર બનાવીશું. 5 નવા રિએક્ટર બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. 2047 સુધીમાં દેશને વિકસિત ભારત બનાવવાના લક્ષ્ય પર અમે આગળ વધી રહ્યા છીએ.
વિદ્યાર્થી આંદોલનનું નામ લીધા વિના PM મોદીએ યુવાઓને કહ્યું - 'હિંસા અને અરાજકતાથી દૂર રહીને…'
સ્વતંત્રતા દિવસના પર્વે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રજોગ સંબોધન કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં હિંસા અને અરાજકતા ફેલાવતી માનસિકતા સામે લાલ આંખ કરી હતી. તેમણે જણાવ્યું કે જંગલોમાંથી સશસ્ત્ર નક્સલવાદ અને માઓવાદી હિંસા હવે અંતિમ શ્વાસ લઈ રહી છે, પરંતુ તેની જગ્યાએ હવે શહેરો, શિક્ષણ સંસ્થાઓ અને બૌદ્ધિક મંચો પર સક્રિય 'દિમાગી નક્સલ' જેવા વિચારધારાત્મક તત્વો હાવી થવા મથી રહ્યા છે. ભૂતકાળમાં 'અર્બન નક્સલ' શબ્દનો પ્રયોગ કરનાર PM મોદીએ આ વખતે દેશવાસીઓને આહ્વાન કર્યું કે, સીધી બંદૂક ઉઠાવ્યા વિના દેશમાં અસંતોષ, ભ્રમ અને અરાજકતા ઊભી કરવાની તકની શોધમાં રહેતા આ ‘દિમાગી નક્સલીઓ’ને સમયસર ઓળખીને સમાજમાંથી તદ્દન અલગ-થલગ કરવા જરૂરી છે.
માઓવાદી વિચારધારાએ યુવા પેઢીના ભવિષ્યને નુકસાન પહોંચાડ્યું
વડાપ્રધાને વધુમાં ઉમેર્યું કે દેશની નીતિઓ અને સરકારી સમિતિઓમાં દાયકાઓથી પેઠ બનાવી બેઠેલી આ માઓવાદી વિચારધારાએ યુવા પેઢીના ભવિષ્યને નુકસાન પહોંચાડ્યું છે. હાલમાં દેશના વિવિધ મુદ્દાઓ અને આંદોલનોના નામે સોશિયલ મીડિયા કે રસ્તાઓ પર થઈ રહેલા વિરોધ પ્રદર્શનો અને ઝુંબેશો પાછળ આવી જ વિચારધારા દેશને જાતિ, ભાષા અને ક્ષેત્રના નામે વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહી હોય તેમ જણાય છે. PM મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે વિકસિત અને સુરક્ષિત ભારત બનાવવા માટે દેશના યુવાનોને આવી ગેરમાર્ગે દોરનારી વિચારધારાઓથી દૂર રાખી રાષ્ટ્રનિર્માણની મુખ્યધારા સાથે જોડવા અત્યંત અનિવાર્ય છે.









