Delhi Politics: આમ આદમી પાર્ટીમાંથી રાઘવ ચઢ્ઢા સહિત સાત સાંસદોએ આજે(24 એપ્રિલ) રાજીનામાં આપ્યા હતા. રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા, અશોક મિત્તલ અને સંદીપ પાઠકે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપમાં જોડાવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ હવે શુક્રવાર સાંજે નવી દિલ્હી ખાતે ભાજપ હેડક્વાર્ટર તમામ પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભાજપ અધ્યક્ષ નીતિન નબીન દ્વારા સ્વાગત કરાયું હતું.
રાઘવ ચઢ્ઢા અને અન્ય સાંસદોએ AAP છોડીને ભાજપમાં જોડાવા છતાં તેમની રાજ્યસભાની સભ્યતા રદ નહીં થાય, કારણ કે તેની પાછળ 'બે-તૃતિયાંશ' (2/3) સભ્યોનો કાયદાકીય નિયમ કામ કરી રહ્યો છે. બંધારણની 10મી અનુસૂચિ (પક્ષાંતર વિરોધી ધારો) મુજબ, જો કોઈ પક્ષના બે-તૃતિયાંશ સાંસદો કે ધારાસભ્યો એકસાથે અન્ય પક્ષમાં ભળી જાય, તો તેને 'વિલય' ગણવામાં આવે છે અને તેમની સભ્યતા સુરક્ષિત રહે છે. AAP પાસે રાજ્યસભામાં કુલ 10 સાંસદો હતા, જેમાંથી 7 સાંસદોએ (જે 2/3 થી વધુ છે) એકસાથે પક્ષ છોડ્યો હોવાથી તેઓ કાયદાકીય રીતે સુરક્ષિત છે.
નીતિન નવીને મિઢાઈ ખવડાવી
ભાજપ હેડક્વાર્ટરમાં નીતિન નવીને રાઘવ ચઢ્ઢાને લાડુ ખવડાવીને પાર્ટીમાં તેમનું સ્વાગત કર્યું. આ દરમિયાન ચઢ્ઢાએ ભાજપ અધ્યક્ષને ગુલદસ્તો ભેટ કર્યો. આ સત્તાવાર મિલનની સાથે ચઢ્ઢા સત્તાવાર રીતે ભાજપમાં સામેલ થઈ ગયા. પાર્ટી કાર્યકર્તાઓમાં આ રાજકીય ઘટનાક્રમમાં જશ્નનો માહોલ છે. આમ આદમી પાર્ટીની સ્થિતિ હવે રાજ્યસભામાં ખૂબ નબળી થઈ ગઈ છે.
કયા નેતાઓએ આમ આદમી પાર્ટીમાંથી આપ્યા રાજીનામાં?
રાઘવ ચઢ્ઢા સહિત આમ આદમી પાર્ટીમાંથી 7 સાંસદોએ રાજીનામા આપ્યા છે. જેમાં સંદીપ પાઠક, સ્વાતિ માલિવાલ, હરભજન સિંહ, અશોક મિત્તલ અને વિક્રમજીત સાહની સામેલ છે.
રાજ્યસભામાં ભાજપનું સંખ્યાબળ અને AAPમાં ભંગાણ
રાજ્યસભામાં સત્તાધારી પક્ષ ભાજપની તાકાતમાં મોટો વધારો થયો છે. આમ આદમી પાર્ટી(AAP)ના ત્રણ મુખ્ય સાંસદો—રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલ—સહિત કુલ 7 સાંસદોએ પક્ષ છોડીને ભાજપમાં જોડાવાની જાહેરાત કરી છે. આ પક્ષાંતર બાદ ભાજપના પોતાના સભ્યોની સંખ્યા વધીને 113 થઈ ગઈ છે, જ્યારે NDA ગઠબંધનનું કુલ સંખ્યાબળ 136 સુધી પહોંચી ગયું છે. આ ફેરફારને કારણે હવે રાજ્યસભામાં સરકાર માટે મહત્ત્વના ખરડાઓ પસાર કરાવવા વધુ સરળ બનશે.
પંજાબીઓ સાથે ભાજપે ફરી દગો કર્યો, રાઘવ ચઢ્ઢા મુદ્દે કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા
રાઘવ ચઢ્ઢા મુદ્દે કેજરીવાલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં કહ્યું છે કે 'ભાજપે ફરી પંજાબીઓ સાથે દગો કર્યો'
આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય સિંહે કર્યા આકરા પ્રહાર
બીજી તરફ દિલ્હીમાં મીડિયા સાથે વાતચીત કરતા આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય સિંહે ભારતીય જનતા પાર્ટી અને તેના ટોચના નેતૃત્વ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર 'ઓપરેશન લોટસ' દ્વારા પંજાબ સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહી છે. 'ઓપરેશન લોટસ' ખરેખર હલકી રાજનીતિનું એક ઉદાહરણ છે. તે માત્ર સત્તા કબજે કરવાનો પ્રયાસ નથી, પરંતુ પંજાબમાં ચાલી રહેલા જનહિતના કાર્યોને રોકવાનું એક ષડયંત્ર છે.
જનતા સાથે વિશ્વાસઘાત કર્યો, નામ યાદ રાખજો: સંજયસિંહ
આરોપ લગાવ્યો કે, 'આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાત સાંસદોને તોડીને ભાજપમાં સામેલ કરવામાં આવ્યા છે. પંજાબની જનતાએ આ નામો યાદ રાખવા જોઈએ, કારણ કે આ લોકોએ 'ગદ્દારી' કરી છે. આ સંદર્ભમાં રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક, રાજેન્દ્ર ગુપ્તા, અશોક મિત્તલ, સ્વાતિ માલીવાલ અને હરભજન સિંહ જેવા નામોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, જનતાએ આ તમામને સામાન્ય સ્તરેથી ઉઠાવીને સંસદ સુધી પહોંચાડ્યા, પરંતુ હવે તેઓએ જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે.'
પાર્ટીઓ તોડવા 'વોશિંગ મશીન'નો ઉપયોગ: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ AAPમાંથી ભાજપમાં ભળેલા સાંસદોની ઝાટકણી કાઢતા કહ્યું કે, 'ભાજપે પંજાબ સાથે ગદ્દારી કરી, ભાજપનું પંજાબમાં કોઈ અસ્તિત્વ જ નથી, ભાજપનું પોતાનું કઈ જ નથી માટે આ પ્રકારના તુક્કા લગાવી રહી છે. ભાજપ પંજાબ જીતી શકતી નથી, આ પ્રકારે વોશિંગ મશીનનો ઉપયોગ કરીને શરદ પવારની પાર્ટી અને શિવસેના ઉદ્ધવ ઠાકરેની તેમજ કોંગ્રેસની પાર્ટીને તોડી નાખવામાં આવી હતી. પંજાબમાં ભાજપનો કોઈ જ જનાધાર નથી. ભાજપ તેની સાથે વિલય કરનારા લોકોને પણ ગળી જાય છે, આ સાત લોકો પાર્ટીનો ભાગ નથી, ગદ્દારોના જવાથી કોઈ ફર્ક પડતો નથી, જનતાના પ્રેમની કોઈ કિંમત હોતી નથી, પંજાબની જનતાનો પ્રેમ કોઈ પણ કિંમતે ખરીદી શકાશે નહીં.'
આ પણ વાંચો: આમ આદમી પાર્ટીમાં ભંગાણ: રાઘવ ચઢ્ઢા સહિત ત્રણ સાંસદના રાજીનામા, ભાજપમાં જોડાવાની જાહેરાત


