14 મહિનામાં 7 IPS અને હવે IAS દિવ્યા મિત્તલે છોડી નોકરી: દેશના ટોચના ઓફિસરોમાં કેમ વધ્યો રાજીનામાનો ટ્રેન્ડ?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

IPS Resignation Trend In India 2026: ઉત્તર પ્રદેશ કેડરના 2013 બેચના ચર્ચિત IAS અધિકારી દિવ્યા મિત્તલે 30 ઓગસ્ટે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. છેલ્લા 14 મહિનાની અંદર દેશભરમાં 7 યુવાન IPS અધિકારીઓએ (જેમની ઉંમર 40 વર્ષથી ઓછી છે) પણ પોતાની સેવાઓ છોડી દીધી છે. આ ઘટનાઓએ એ ચર્ચાને વેગ આપ્યો છે કે, આખરે કયા રાજ્યમાં સૌથી વધુ અમલદારો રાજીનામું આપી રહ્યા છે, અને આ પ્રતિષ્ઠિત નોકરીમાંથી નવી પેઢીના અધિકારીઓનોનો મોહભંગ કેમ થઈ રહ્યો છે.
સૌથી વધુ રાજીનામા કયા રાજ્યમાં થઈ રહ્યા છે?
સંસદીય અને ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ (DoPT) ના આંકડા મુજબ, કોઈ એક ચોક્કસ રાજ્યમાં રાજીનામાનું પૂર આવ્યુ નથી. જોકે, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશાના તાજેતરના હાઈ-પ્રોફાઈલ કિસ્સાઓ સૌથી વધુ ચર્ચામાં રહ્યા છે. DoPTના ઉપલબ્ધ આંકડામાં રાજીનામાનો રાજ્યવાર સ્પષ્ટ આંકડો આપવામાં આવ્યો નથી.
ઉત્તર પ્રદેશ: દેશમાં IAS અધિકારીઓના સૌથી વધુ મંજૂર થયેલા પદો (652) યુપીમાં છે. અહીં તાજો કિસ્સો દિવ્યા મિત્તલનો છે, જેમણે 13 વર્ષની સેવા બાદ સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. IIT દિલ્હી અને IIM બેંગલોરમાંથી અભ્યાસ કર્યા બાદ લંડનની કરોડોની નોકરી છોડીને IAS બનેલા દિવ્યા મિત્તલ મિર્ઝાપુરના લહુરિયાદહ ગામમાં 75 વર્ષ પછી નળથી પાણી પહોંચાડવા માટે ખૂબ જાણીતા બન્યા હતા.
બિહાર: તાજેતરમાં બિહારથી બે IPS અધિકારીઓ, નુરુલ હોદા અને કામ્યા મિશ્રાએ રાજીનામું આપ્યું છે.
ઓડિશા: ભુવનેશ્વરમાં DCP પદે તૈનાત 37 વર્ષના યુવાન IPS અધિકારી જગમોહન મીણાએ પણ તાજેતરમાં રાજીનામું સોંપ્યું છે.
અન્ય રાજ્યો: મધ્ય પ્રદેશમાંથી અભિષેક તિવારી, આંધ્ર પ્રદેશમાંથી સિદ્ધાર્થ કૌશલ અને ઉત્તરાખંડમાંથી લોકેશ્વર સિંહે પણ તાજેતરમાં પોતાની સેવાઓ છોડી છે.

અધિકારીઓ કેમ છોડી રહ્યા છે પાવરફુલ નોકરી?
રાજકીય મહત્વાકાંક્ષા અને વૈચારિક કારણો: બિહારમાં કામ્યા મિશ્રાનું રાજીનામું રાજકારણમાં આવવાની કવાયત મનાઈ રહી છે, જ્યારે નુરુલ હોદાએ વક્ફ બોર્ડ બિલના વિરોધમાં રાજકીય વલણ અપનાવી નોકરી છોડી.
કોર્પોરેટ અને આંતરરાષ્ટ્રીય તકો: મધ્ય પ્રદેશના અભિષેક તિવારી સાયબર સિક્યોરિટી બિઝનેસમાં ગયા, આંધ્ર પ્રદેશના સિદ્ધાર્થ કૌશલ રિલિયન્સ કોર્પોરેટ સેક્ટરમાં જોડાયા, જ્યારે ઉત્તરાખંડના લોકેશ્વર સિંહ સંયુક્ત રાષ્ટ્ર (UN) ની નોકરી માટે વિદેશ ગયા.
અંગત સંતોષ અને નવા ક્ષેત્રો: દિવ્યા મિત્તલનું રાજીનામું પણ પોતાના અંગત લક્ષ્યો, લેખન અને સામાજિક કાર્યની દિશામાં એક પગલું મનાઈ રહ્યું છે.
શું ખરેખર મોટા પાયે અધિકારીઓ નોકરી છોડી રહ્યા છે?
સોશિયલ મીડિયા પર કરવામાં આવતા દાવાઓથી વિપરીત સંસદીય આંકડા અલગ જ ચિત્ર રજૂ કરે છે.
IAS/IPSમાં રાજીનામા અત્યંત દુર્લભ: છેલ્લા 30 વર્ષમાં ત્રણેય સેવાઓ (IAS, IPS, IFS) એમ ત્રણેય સાથે મળીને માત્ર 300 અધિકારીઓએ જ રાજીનામું કે VRS લીધું છે, જે કુલ અધિકારીઓના 1% કરતાં પણ ઓછું છે.
IRSમાં સૌથી વધુ એક્ઝિટ: 2014-2024ના એક દશકામાં 853 IRS અધિકારીઓએ રાજીનામું આપ્યું કે VRS લીધું છે, કારણ કે તેમને પ્રાઇવેટ સેક્ટરમાં 3 થી 5 ગણા વધુ પેકેજ સરળતાથી મળી જાય છે.
આંકડા સ્પષ્ટ કરે છે કે IAS અને IPS માં સામૂહિક રાજીનામા જેવી કોઈ સ્થિતિ નથી. જોકે, બદલાવ એ આવ્યો છે કે, હવે યુવાન અધિકારીઓ માત્ર વટ કે રોફ માટે આખી જિંદગી એક જ માળખામાં બંધાઈને રહેવા નથી માગતા.




