હિમાચલમાં જોખમી 67 સરોવરની ઓળખ કરાઈ, ચાર તળાવ ભારે તારાજી સર્જી શકે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવી દિલ્હી : નેપાળમાં હિમશિખર તૂટી પડયા પછી અચાનક આવેલા પૂરથી ભારે તારાજી સર્જાઈ હતી. આવી જ હોનારત ભારતમાં પણ સર્જાઈ શકે છે. વૈજ્ઞાનિકોએ હિમાચલ પ્રદેશમાં એવા ૬૭ સરોવરની ઓળખ કરી છે, જે જોખમી છે અને તેમાંથી ચાર સરોવર ભારતમાં નેપાળ જેવો વિનાશ લાવી શકે છે.
નેપાળમાં હિમશિખર તૂટી પડયા પછી ભોટેકોશી નદીમાં અચાનક આવેલા પૂરથી ભારે વિનાશ સર્જાયો હતો. આ હોનારતમાંથી નેપાળ હજુ સુધી બેઠું થઈ શક્યું નથી. આ હોનારત પછી સમગ્ર દુનિયામાં વૈજ્ઞાાનિકો એવા હિમશિખરોની ઓળખ કરી રહ્યા છે, જે જોખમી સાબિત થઈ શકે છે.
ભારતમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટના સ્પેશિયલ સેક્રેટરી પુષ્પેન્દ્ર રાણાએ કહ્યું કે, હિમાલચ પ્રદેશમાં ૬૭ જોખમી ગ્લેશિયલ સરોવરોની ઓળખ કરાઈ છે, જેમાં અંતરિયાળ અને ઊંચા વિસ્તારોના અનેક સરોવરોનો સમાવેશ થાય છે. આ સરોવરોનો વિસ્ર ૧૦ હેક્ટરથી વધુ છે. આ તળાવોમાંથી ચાર માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે અર્લી વોર્નિંગ સિસ્ટમ લગવવાનું કામ શરૂ કરી દેવાયું છે.
પુષ્પેન્દ્ર રાણાએ કહ્યું કે, આ ચાર સરોવરો કિન્નૌર અને લાહૌલ-સ્પિતિમાં આવેલા છે. રાજ્યના સેટેલાઈટ ઈમેજરી અને અન્ય વૈજ્ઞાાનિક ડેટાના આધારે આ સરોવરોની ઓળખ કરાઈ છે. હવે તેના પર વિશેષ નજર રખાઈ રહી છે, જેથી હોનારતની સ્થિતિનું આકલન કરી શકાય.
દરમિયાન હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં રવિવારે જમીન ખસી પડવાથી રેલવે ટ્રેક ધોવાઈ જતા યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ એવી ૯૬ કિ.મી. લાંબી શિમલા-કાલકા નેરો ગેજ રેલવે લાઈન પર ૧૦ ટ્રેનો રદ કરાઈ હતી.
સોલનમાં મૂશળધાર વરસાદના કારણે કોટી અને ગુમમાન સ્ટેશનો વચ્ચેનો ટ્રેક ધોવાઈ ગયો હતો. આ ઘટના પછી વિશ્વવિખ્યાત ટોય ટ્રેન રદ કરી દેવાઈ હતી. હવે આ ટ્રેક રીપેર થયા પછી જ ટ્રેન સેવા ફરી શરૂ કરી શકાશે.




