India

શિવસેના યુબીટીમાં એક વ્યક્તિના નિવેદનના કારણે 6 સાંસદોએ કરી બળવાખોરી ! કેન્દ્રીય મંત્રીનો દાવો

By GS Team
17 Jun 20262 mins read
TukuTouch Logo
મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે, જ્યાં શિવસેના (UBT)ના 9માંથી 6 લોકસભા સાંસદોએ બળવો કર્યો છે. આ સાંસદોએ દિલ્હીમાં લોકસભા સ્પીકરને પત્ર લખી અલગ જૂથ તરીકે માન્યતા માંગી છે. કેન્દ્રીય મંત્રી પ્રતાપરાવ જાધવે સંજય રાઉતના નિવેદનોને આ ભંગાણ માટે જવાબદાર ઠેરવ્યા છે. ઉદ્ધવ ઠાકરે સાથે હવે ફક્ત 3 સાંસદો જ રહ્યા છે, જ્યારે બળવાખોરો શિંદે જૂથમાં જોડાવાની સંભાવના છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શિવસેના યુબીટીમાં એક વ્યક્તિના નિવેદનના કારણે 6 સાંસદોએ કરી બળવાખોરી ! કેન્દ્રીય મંત્રીનો દાવો

Maharashtra Politics News : મહારાષ્ટ્રના રાજકારણમાં શિવસેના (UBT)ને બહુ મોટો ઝટકો લાગ્યો છે. પક્ષના 9માંથી 6 લોકસભા સાંસદોએ બળવો કરીને અલગ જૂથ બનાવવાની જાહેરાત કરી છે. આ મોટી રાજકીય ઉથલપાથલ વચ્ચે કેન્દ્રીય રાજ્ય મંત્રી અને શિંદે જૂથના નેતા પ્રતાપરાવ જાધવે દાવો કર્યો છે કે, પક્ષમાં આ સ્થિતિ સર્જાવવા માટે એક વ્યક્તિ એટલે કે સંજય રાઉત પોતે જ જવાબદાર છે. તેમના જ એક નિવેદનના કારણે સાંસદો પક્ષથી અલગ થયા છે.

સંજય રાઉતના નિવેદનથી સાંસદો નારાજ
પ્રતાપરાવ જાધવે (Prataprao Jadhav) 'ઓપરેશન ટાઈગર' અંગે મોટું નિવેદન આપતા જણાવ્યું કે, થોડા દિવસો પહેલા સંજય રાઉતે કહ્યું હતું કે, તમામ પ્રાદેશિક પક્ષોએ કોંગ્રેસમાં વિલય કરી લેવો જોઈએ. જાધવના મતે, રાઉતના આ નિવેદનથી શિવસેના (UBT)ના ઘણા સાંસદો અસહજ અને નારાજ થઈ ગયા હતા.

ઉદ્ધવના સાંસદોએ પક્ષ છોડતા સંજય રાઉત ખુશ : કેન્દ્રીય મંત્રીનો દાવો
કેન્દ્રીય મંત્રી જાધવે દાવો કર્યો કે આ નારાજગી જ આગળ જતાં પક્ષમાં મોટી તૂટનું કારણ બની છે. તેમણે સંજય રાઉત પર તંજ કસતા કહ્યું કે, ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ના સાંસદો પક્ષ છોડીને જવાથી જો સૌથી વધુ ખુશી કોઈને થઈ હોય, તો તે સંજય રાઉત જ છે. રાઉતના નિવેદનોએ જ પક્ષની અંદર અસમંજસનો માહોલ ઊભો કર્યો હતો.

6 સાંસદોએ લોકસભા સ્પીકરને પત્ર લખ્યો
ઉદ્ધવ સેનાના 6 સાંસદો સંજય જાધવ, સંજય દેશમુખ, નાગેશ પાટીલ અષ્ટિકર, ઓમરાજે નિંબાલકર, ભાઉસાહેબ વાકચૌરે અને સંજય દીના પાટીલ દિલ્હી પહોંચ્યા છે. તેમણે સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને પોતાને અલગ જૂથ તરીકે માન્યતા આપવા માગ કરી છે. આ સાંસદોએ ભવિષ્યમાં એકનાથ શિંદેની શિવસેના સાથે જોડાવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે.

ઉદ્ધવ ઠાકરે સાથે હવે માત્ર 3 જ સાંસદ
આ ભંગાણ બાદ હવે ઉદ્ધવ ઠાકરે સાથે 9 માંથી માત્ર 3 જ સાંસદો બચ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. દિલ્હીમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં માત્ર અરવિંદ સાવંત, અનિલ દેસાઈ અને રાજાભાઉ વાજે જ હાજર રહ્યા હતા, જેનાથી પક્ષમાં ભંગાણની વાતોને વધુ બળ મળ્યું છે.

સંજય રાઉતનો બળવાખોરો પર પલટવાર
આ સમગ્ર વિવાદ વચ્ચે સંજય રાઉતે (Sanjay Raut) તાજેતરમાં જ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, 'તમામ 9 સાંસદો શિવસેના (UBT)ની ટિકિટ અને મશાલના ચૂંટણી ચિહ્ન પર જીતીને આવ્યા છે. જો કોઈ સાંસદ પક્ષ છોડવા માગતો હોય, તો તેણે પહેલા પોતાના પદેથી રાજીનામું આપવું જોઈએ. આ સાંસદો અન્ય કોઈના નામે નહીં, પરંતુ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં જ ચૂંટણી જીત્યા છે.'