ઉત્તર પ્રદેશનાં ઝાંસી જિલ્લાનાં સીપરી બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારત પેટ્રોલિયમથી સંબધિત એક ટ્રકમાંથી ૫૦૦થી વધારે એલપીજી સિલિન્ડરની ચોરી કરવામાં આવી છે તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે. સીપરી બજાર સ્ટેશન હાઉસ ઓફિસર (એસએચઓ) જયપ્રકાશ ચૌબેએ જણાવ્યું હતું કે રાયગંજ નિવાસી નીરજ અગ્રવાલનું ટ્રક કરારી સ્થિત ભારત પેટ્રોલિયમ ડેપોથી સંકળાયેલું હતું. પોલીસનાં જણાવ્યા અનુસાર બીજી માર્ચનાં રોજ ડ્રાઇવર રાજકુમારે ૫૨૪ ભરેલા સિલિન્ડર ધરાવતા ટ્રકને કરારી ડેપોની બહાર પાર્ક કર્યો હતો. જ્યારે તે ૬ માર્ચે હોળીની રજાઓ પછી પરત ફર્યો તો ટ્રક ત્યાંથી લાપતા હતો. જ્યારે આ ઘટનાની તપાસ કરવામાં આવી તો બરાગાવ વિસ્તારમાંથી આ ટ્રક મળી આવ્યો હતો. જો કે તેમાં એક પણ સિલિન્ડર ન હતો.
બધા જ સિલિન્ડર ચોરાઇ ગયા હતાં. પોલીસે અજાણ્યા લોકો સામે કેસ દાખલ કર્યો છે. ચોરીમાં સંકળાયેલા લોકોને શોધી તેમની ધરપકડ કરવા માટે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.


