બુલંદશહરમાં આકાશમાંથી પડયો 50 કિલો બરફનો ટુકડો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

બુલંદશહર(યુપી) : અત્રે ઉંચાગાંવ વિસ્તારના રોસલા ગામમાં ગઈકાલે મંગળવારની સવારે પશુઓની વચ્ચે આકાશમાંથી અચાનક લગભગ ૫૦ કિલો બરફનો ટુકડો આવીને પડયો. જો કે સ્થાનિક કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પ્રભારીએ આવી ઘટનાને શંકાસ્પદ ગણાવી છે.
રોસલા ગામમાં ગઈકાલે મંગળવારે સવારે ૧૧.૪૫ ના સુમારે રામસિંહના પુત્ર હરિયાના ઘેર ખીલે બંધાયેલા પશુઓની વચ્ચેની જગ્યામાં અચાનક આકાશમાંથી લગભગ ૫૦ કિલો વજનનો બરફનો ટુકડો આવીને પડયો. ટુકડો પડવાનો જોરદાર અવાજ એટલો ભયાનક હતો કે, આસપાસના લોકો ભયના માર્યા પોતાના ઘરોની બહાર દોડી આવ્યા.
મોટો અવાજ સાંભળીને ગ્રામીણો ગભરાઈને ઘટનાસ્થળ ભણી દોડવા લાગ્યા. ત્યાં જઈને જોયું તો ખીલે બંધાયેલા પશુઓની આસપાસ બરફના મોટા-મોટા ટુકડા વિખરાયેલા પડયા હતા. લોકોની ભીડ જમા થઈ ગઈ.
ગ્રામીણોએ જણાવ્યું કે આકાશ તદ્દન સાફ હતું. ના વરસાદ થઈ રહ્યો કે ના બરફ પડી રહ્યો હતો. આવા સ્વચ્છ હવામાનમાં અચાનક બરફના આટલા મોટા ટુકડાનું આકાશમાંથી પડવું એ સહુ કોઈને આશ્ચર્યથી હેરાન કરી રહ્યું હતું.
લોકો એને કોઈ વિમાનમાંથી પડેલા બરફનો ટુકડો માની રહ્યા છે, તો કોઈ એને પ્રાકૃતિક ઘટના ગણાવે છે.
અત્રેના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પ્રભારી ડો. રીશુ સિંહે જણાવ્યું કે અત્યારે એવી અસાધારણ ઋતુ નથી. આકાશ સ્વચ્છ છે. ઝાકળ પણ નથી. બરફનો ટુકડો પડવાની ઘટના બનવી એ શંકાસ્પદ જણાઈ રહ્યું છે. કોઈ અસામાજિક તત્વની શરારત પણ હોઈ શકે છે, એમ એમણે શંકા દર્શાવી.




