India

ઓડિશા હાઈવે પર મોતનું તાંડવ : ટ્રેલરે પોલીસ વાહનના ફુરચા ઉડાડ્યા, 5 જવાન શહીદ, 3 ગંભીર

By GS TEAM
22 Feb 20262 mins read
TukuTouch Logo
ઓડિશાના ઝારસુગુડા જિલ્લામાં રવિવારે વહેલી સવારે એક કાળજું કંપાવી દેતી દુર્ઘટના સર્જાઈ છે. ફરજ પર તૈનાત પોલીસ જવાનોની ગાડીને એક પૂરઝડપે આવતા ટ્રેલરે અડફેટે લેતા 5 જવાનોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 3 જવાનોની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઓડિશા હાઈવે પર મોતનું તાંડવ : ટ્રેલરે પોલીસ વાહનના ફુરચા ઉડાડ્યા, 5 જવાન શહીદ, 3 ગંભીર

Odisha Accident Police Died : ઓડિશાના ઝારસુગુડા જિલ્લામાં રવિવારે વહેલી સવારે એક કાળજું કંપાવી દેતી દુર્ઘટના સર્જાઈ છે. ફરજ પર તૈનાત પોલીસ જવાનોની ગાડીને એક પૂરઝડપે આવતા ટ્રેલરે અડફેટે લેતા 5 જવાનોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 3 જવાનોની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.



વહેલી સવારે સર્જાયો ગોઝારો અકસ્માત

ઓડિશાના ઝારસુગુડા જિલ્લામાં રવિવારે સવારે રક્ષકો જ માર્ગ અકસ્માતનો ભોગ બન્યા છે. ઝારસુગુડા સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરજ પર રહેલી પોલીસની બોલેરો ગાડીને સામેથી આવતા એક અનિયંત્રિત ટ્રેલરે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે પોલીસ વાહનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને તેમાં સવાર પાંચ જવાનોએ ઘટનાસ્થળે જ અંતિમ શ્વાસ લીધા હતા.

શહીદ જવાનોની ઓળખ જાહેર કરાઈ 

પોલીસ વિભાગ દ્વારા મૃતક જવાનોના નામ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ડ્રીલ સબ-ઇન્સ્પેક્ટર નિરંજન કુજૂર, એપીઆર કર્મચારી કાશીરામ ભોઈ, દેબદત્ત સા, એપીઆર હવાલદાર લિંગરાજ ધુરુઆ અને હોમગાર્ડ ભક્તબંધુ મિર્ધાનો સમાવેશ થાય છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે.

બચાવ કામગીરી અને તપાસ

દુર્ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી કાટમાળમાં ફસાયેલા ત્રણ જવાનોને બહાર કાઢી ઝારસુગુડા જિલ્લા હોસ્પિટલ ખસેડ્યા હતા. આ ઘાયલ જવાનોમાં બે આર્મ્ડ પોલીસ રિઝર્વના સભ્યો અને એક સાર્જન્ટનો સમાવેશ થાય છે, જેમની હાલત નાજુક હોવાનું તબીબો જણાવી રહ્યા છે. પોલીસે ટ્રેલર ચાલકની અટકાયત કરી અકસ્માતનું કારણ ઊંઘનું ઝોકું હતું કે બેદરકારી તે દિશામાં તપાસ શરૂ કરી છે.