46 વર્ષની મહિલાએ 10 વર્ષ સુધી 'વૃદ્ધાવસ્થા' પેન્શન લીધું !
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ઉત્તર પ્રદેશનાં ઇટાવાની ચોંકાવનારી ઘટના
- મહિલા ૩૬ વર્ષની હતી ત્યારે તેણે પોતાની ઉંમર ૬૯ વર્ષ બતાવી પેન્શન મંજૂર કરાવ્યું હતું
લખનઉ : ઉત્તર પ્રદેશનાં ઇટાવાથી એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. જ્યાં એક ૪૬ વર્ષની મહિલા છેલ્લા દસ વર્ષથી વૃદ્ધાવસ્થા પેન્શન લઇ રહી હતી.
તેણે પોતાની ઉંમર ૬૯ વર્ષ બતાવી પેન્શન શરૂ કરાવ્યું હતું પણ વાસ્તવમાં તે વખતે તેની ઉંમર ફક્ત ૩૬ વર્ષની હતી. ફરિયાદકર્તાએ માંગ કરી છે કે અત્યાર સુધી પેન્શનની જેટલી રકમ ચુકવવામાં આવી છે તે પરત લેવામાં આવે. ગ્રામ પંચાયતમાં પેન્શન લાભાર્થીઓને વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા હતાં. વેરિફિકેશન ચાલી રહ્યું હતું ત્યારે ગ્રામ પ્રધાન પ્રતિનિધિ મુકેશ કુમારને આ લાભાર્થી મહિલા ઉમા દેવી પેન્શન માટે અપાત્ર હોવાની ફરિયાદ મળી હતી.
મહિલાનાં પરિવાર રજિસ્ટરની નકલ અને આધાર કાર્ડ જોવામાં આવ્યું તો તેની હાલની ઉંમર ૪૬ વર્ષ હોવાનું સામે આવ્યું હતું. આ મહિલાનું પેન્શન ૨૦૧૫માં મંજૂર કરવામાં આવ્યું હતું.
તે સમયે તેની ઉંમર ૩૬ વર્ષ હતી. હવે વેરિફિકેશન રિપોર્ટને આધારે જિલ્લાધિકારીનાં માધ્યમથી ફરિયાદ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીને મોકલવામાં આવી છે.
તેમનું પેન્શન તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યું છે. કેસની તપાસ એડીઓ સમાજ કલ્યાણ અધિકારીને સોંપવામાં આવી છે.
તપાસ એ પણ કરવામાં આવશે કે ક્યાં દસ્તાવેજોને આધારે મહિલાનું પેન્શન ચાલુ કરવામાં આવ્યું હતું. દસ વર્ષ સુધી થયેલા વેરિફિકેશનમાં આ મહિલાની હકીકત સામે કેમ ન આવી?
આ કેસ સામે આવ્યા પછી વૃદ્ધાવસ્થા પેન્શનની વેરિફિકેશન પ્રક્રિયા સામે પણ અનેક પ્રશ્રો ઉઠાવવામાં આવી રહ્યાં છે. આ પ્રક્રિયાને વધુ કડક અને પારદર્શક બનાવવાની માંગ ઉઠી છે.




