ભારે વરસાદ વચ્ચે મહારાષ્ટ્રમાં અડધી રાતે એકસાથે 4 ભૂકંપના ઝટકા, જાણો કેટલી હતી તીવ્રતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Marathwada Earthquake: મહારાષ્ટ્રમાં ગુરુવાર (નવમી જુલાઈ)ની વહેલી સવાર આફત અને ભયના ઓથાર હેઠળ શરૂ થઈ હતી. એક તરફ જ્યાં મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં અનરાધાર વરસાદે આફત સર્જી છે, ત્યાં બીજી તરફ હિંગોલી જિલ્લા સહિત મરાઠવાડાના કેટલાક ભાગોમાં ભૂકંપના સતત આંચકા અનુભવાયા હતા. મધ્યરાત્રિએ આવેલા આ તેજ આંચકાઓને કારણે લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો અને નાગરિકો જીવ બચાવવા ઘરની બહાર દોડી આવ્યા હતા.
4.6ની તીવ્રતાનો મુખ્ય આંચકો
હિંગોલી જિલ્લામાં વહેલી સવારે ભૂકંપના શ્રેણીબદ્ધ આંચકા નોંધાયા હતા, જેમાં સૌથી શક્તિશાળી આંચકો રાત્રે 1:37 વાગ્યે આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.6 માપવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ વસમત તાલુકાના પાંગરા શિંદે ગામ નજીક હોવાનું સામે આવ્યું છે. રાત્રે 2:15 વાગ્યે અને 2:17 વાગ્યે હળવા આંચકા, રાત્રે 2:48 વાગ્યે અને 2:50 વાગ્યે ફરીથી ધરતી ધ્રૂજી હતી.
સતત 4 વખત આવેલા આંચકાના કારણે અનેક ગામોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, રાહતની વાત એ છે કે આ કુદરતી આફતમાં હજુ સુધી કોઈ જાનહાનિ કે ગંભીર ઈજાના અહેવાલ નથી.
અન્ય જિલ્લાઓમાં પણ અસર, દીવાલોમાં પડી તિરાડો
ભૂકંપની આ અસર માત્ર હિંગોલી પૂરતી મર્યાદિત નહોતી, લાતુર જિલ્લાના ઉદગીર અને પરભણી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ આંચકા અનુભવાયા હતા. કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં કાચા મકાનો અને ઘરની દીવાલોમાં નાની તિરાડો પડી હોવાની માહિતી મળી છે. જોકે, કોઈ મોટી ઈમારત ધરાશાયી થઈ નથી. હાલ જિલ્લા વહીવટીતંત્રની ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં તપાસ કરી રહી છે.
મુંબઈમાં આભ ફાટ્યું, વાહનવ્યવહાર ખોરવાયો
એક તરફ મહારાષ્ટ્રમાં ધરતી ધ્રૂજી રહી હતી, ત્યારે બીજી તરફ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે મુંબઈના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના લીધે વાહનવ્યવહાર લોક થઈ ગયો હતો. પાટા પર પાણી ફરી વળતા મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેન સેવાઓ અને માર્ગ વાહનવ્યવહારને માઠી અસર પહોંચી હતી. ભારે પવન અને વરસાદના કારણે કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની અને દીવાલો પડવાની ઘટનાઓ સામે આવી છે.
વહીવટી તંત્રની ટીમો પંપિંગ સ્ટેશનો દ્વારા પાણી નિકાલ કરવાની કામગીરીમાં વ્યસ્ત છે. હવામાન વિભાગે વર્તમાન પરિસ્થિતિને જોતાં નાગરિકોને ખૂબ જ અનિવાર્ય કામ હોય તો જ ઘરની બહાર નીકળવાની કડક સલાહ આપી છે.









