NEET પેપર લીક: દિલ્હીમાં સોનમ વાંગચુકના ઉપવાસ શરૂ, ખેડૂત નેતાઓનું પણ સમર્થન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

NEET Paper Leak Protest : લદ્દાખના જાણીતા પર્યાવરણવાદી અને સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે રવિવારે નવી દિલ્હીના જંતર-મંતર ખાતે અચોક્કસ મુદ્દતની ભૂખ હડતાળ શરૂ કરી છે. NEET પેપર લીક અને CBSE પરીક્ષામાં થયેલી ગેરરીતિઓના વિરોધમાં આ દેખાવો યોજાઈ રહ્યા છે. દિલ્હીના જંતર-મંતર પર 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) દ્વારા છેલ્લા 9 દિવસથી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે.
શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ
આ આંદોલનકારીઓ 20 જૂનથી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ કરી રહ્યા છે. પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેએ સ્પષ્ટ કહ્યું છે કે, જ્યાં સુધી શિક્ષણ મંત્રી રાજીનામું નહીં આપે ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે. સોનમ વાંગચુકે ભૂખ હડતાળ શરૂ કરતાં જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યુવાનો જંતર-મંતર પર એકઠા થવા લાગ્યા છે.
રાજઘાટ પર ગાંધીજીને શ્રદ્ધાંજલિ
અનશનની શરૂઆત કરતા પહેલા સોનમ વાંગચુક અને અભિજીત દીપકેએ રાજઘાટ જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યાર બાદ જંતર-મંતર ખાતે બે મિનિટનું મૌન પાળીને આ વિરોધ પ્રદર્શનની સત્તાવાર શરૂઆત કરવામાં આવી હતી.
યુવાનોના સમર્થનમાં સોનમ વાંગચુક
ભૂખ હડતાળ દરમિયાન સોનમ વાંગચુકે જણાવ્યું કે, શિક્ષણ છેલ્લા 40 વર્ષથી તેમના જીવનનો સૌથી મહત્વનો વિષય રહ્યો છે. જ્યારે દેશના યુવાનો અત્યારની શિક્ષણ વ્યવસ્થા સામે સવાલો ઉઠાવી રહ્યા છે, ત્યારે તેમનો સાથ આપવો એ મારી ફરજ છે. શિક્ષણનો ઉદ્દેશ્ય માત્ર ડિગ્રી આપવાનો નથી, પરંતુ બાળકોનું ભવિષ્ય સુધારવાનો છે. જ્યારે વ્યવસ્થામાં કોઈ જવાબદારી ન નક્કી થાય ત્યારે લોકશાહીમાં શાંતિપૂર્ણ વિરોધ જ એકમાત્ર રસ્તો બચે છે.
ખેડૂત સંગઠનોનું પણ મળ્યું સમર્થન
આ આંદોલનને મજબૂત કરવા માટે ઘણા ખેડૂત નેતાઓ અને સંગઠનો પણ મેદાને આવ્યા છે. આ ઉપરાંત, જયપુરની એક શાળામાં વિદ્યાર્થીનીના મોતના મામલે ન્યાયની માગ કરી રહેલા પરિવારજનો પણ આ પ્રદર્શનમાં જોડાયા છે. સરકાર પરીક્ષા પદ્ધતિમાં પારદર્શિતા લાવે તે માટે આ લડત લડવામાં આવી રહી છે.









