Get The App

બંગાળમાં યાદીમાંથી બહાર કરાયેલા 34 લાખ લોકો મતદાન નહીં કરી શકે

Updated: Apr 14th, 2026

GS TEAM

Google News
Google News
બંગાળમાં યાદીમાંથી બહાર કરાયેલા 34 લાખ લોકો મતદાન નહીં કરી શકે 1 - image

- સુપ્રીમે વાંધાજનક મતદારોને મતદાન કરવાની છૂટ ના આપી

- બિહાર અને બંગાળમાં એસઆઇઆર પ્રક્રિયામાં અંતર પર સુપ્રીમે સવાલ ઉઠાવ્યા, વિશેષ કેટેગરીથી વિવાદ 

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પૂર્વે એક મોટો નિર્ણય લીધો છે. અને કહ્યું છે કે જે પણ મતદારોનું નામ મતદાર યાદીમાંથી હટાવવામાં આવ્યું છે તેમને હાલ મતદાન કરવાનો કોઇ અધિકાર નહીં મળે. જેને પગલે પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં આ વખતે ૩૪ લાખ લોકો મતદાન નહીં કરી શકે. આ ઉપરાંત બિહાર અને બંગાળ બન્ને રાજ્યોમાં એસઆઇઆર પ્રક્રિયામાં અંતર કેમ તે અંગે પણ સુપ્રીમે સવાલ ઉઠાવ્યો હતો.  

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમાલ્યા બાગ્ચીની બેંચે આ અવલોકન કર્યું હતું, એસઆઇઆર મુદ્દે થયેલી અનેક અરજીઓની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે પશ્ચિમ બંગાળના મતદારો બે સંસ્થાઓ વચ્ચે પિસાઇ રહ્યા છે. આ રાજ્ય અને ચૂંટણી પંચ વચ્ચેની લડાઇ નથી, એકબીજા પર દોષ નાખવાનો ખેલ નથી, આ તો એ મતદારની સ્થિતિ વિષે છે કે જે બે બંધારણીય સંસ્થાઓ વચ્ચે ફસાઇ ગયો છે. 

ન્યાયાધીશ જોયમાલ્યા બાગ્ચીએ કહ્યું હતું કે મહેરબાની કરીને એવુ ના વિચારશો કે અમારા મનમાં એ સવાલ નથી કે એ લોકોનું શું થશે જેને મતદાર યાદીમાંથી બહાર રખાયા છે. બિહાર અને પશ્ચિમ બંગાળ બન્નેમાં એસઆઇઆરની પ્રક્રિયામાં અંતર કેમ છે તે અંગે પણ સુપ્રીમ કોર્ટે સવાલો ઉઠાવ્યા હતા. સુપ્રીમે કહ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં તાર્કિક વિસંગતિ યાદી તૈયાર કરવામાં આવી છે આવુ અન્ય રાજ્યમાં નથી જોવા મળ્યું. આ મહિનામાં જ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની તમામ બેઠકો પર મતદાન થવા જઇ રહ્યું છે. જોકે તેમાં આ ૩૪ લાખ મતદારો મતદાન નહીં કરી શકે.