Get The App

તમિલનાડુમાં મહારાષ્ટ્ર જેવો ખેલ! AIADMKના ભાગલા, 30 બળવાખોર ધારાસભ્યોનું CM વિજયને સમર્થન

Updated: May 12th, 2026

GS TEAM

Google News
Google News
તમિલનાડુમાં મહારાષ્ટ્ર જેવો ખેલ! AIADMKના ભાગલા, 30 બળવાખોર ધારાસભ્યોનું CM વિજયને સમર્થન 1 - image

AIADMK Rebel Faction to Join CM Vijay's Government | તમિલનાડુના રાજકારણમાં એક બાદ એક મોટા ઉલટફેર જોવા મળી રહ્યા છે. તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જે. જયલલિતાના નિધન બાદ જે ડર હતો તે આખરે સાચો સાબિત થયો છે. AIADMKમાં ગાબડું પડ્યું છે અને પાર્ટીના દિગ્ગજ નેતાઓ એસ. પી. વેલુમણિ અને સી. વી. શણમુગમની આગેવાનીમાં એક મોટું જૂથ મુખ્યમંત્રી વિજયની સરકારમાં જોડાવા જઈ રહ્યું છે. સૌથી મોટી કરુણતા એ છે કે, આ ઘટનાક્રમ એવા દિવસે બન્યો છે જ્યારે પાર્ટી ચીફ ઈડનપડ્ડી કે. પલાનીસ્વામી તેમનો 72મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.

AIADMKના બે ભાગલા! બળવાખોર નેતાઓએ વિજયને સમર્થન આપ્યું

આ વિભાજન પાછળ લોટરી કિંગ સેન્ટિયાગો માર્ટિનના પત્ની લીમા રોઝ માર્ટિનની ભૂમિકા અત્યંત મહત્ત્વની હોવાનું મનાય છે. તેમના જમાઈ આદવ અર્જુન પહેલેથી જ તમિલનાડુના નવનિયુક્ત મુખ્યમંત્રી વિજયના નજીકના સાથી અને તેમની કેબિનેટમાં મંત્રી છે. લીમા રોઝે જ સૌપ્રથમ AIADMK અને વિજયની પાર્ટી તમિલગા વેત્રિ કઝગમ (TVK) વચ્ચે વાતચીત ચાલી રહી હોવાનો સંકેત આપ્યો હતો, જે હવે હકીકત બની ગયો છે. પાર્ટીમાં ચાલી રહેલા આ આંતરિક વિદ્રોહ બાદ હવે પલાનીસ્વામી પાસે બહુ ઓછા સાંસદો અને ધારાસભ્યો છે. વિરોધી જૂથનો દાવો છે કે ધીમે ધીમે બાકીના ધારાસભ્યો પણ તેમની સાથે આવી જશે.

બળવાખોર નેતાઓ: એસ.પી. વેલુમણિ અને સી.વી. શણમુગમ

પલાનીસ્વામીની પડખે: આર. બી. ઉધયકુમાર, ઓ. એસ. મણિયન અને કે. પી. મુનુસામી જેવા ગણતરીના નેતાઓ.

નિષ્ણાતોના મતે, આ વખતે વિભાજન જ્ઞાતિના સમીકરણો પર નહીં, પરંતુ 'સત્તામાં ભાગીદારી' માટે થયું છે.  AIADMKના બળવાખોર નેતા સી. વી. શણમુગમની આગેવાનીમાં ઓછામાં ઓછા 30 ધારાસભ્યોએ મંગળવારે મુખ્યમંત્રી વિજયની પાર્ટી TVKના નેતૃત્વવાળા ગઠબંધનને સમર્થન જાહેર કર્યું છે. જો કે, શણમુગમે દાવો કર્યો છે કે, અમારો ઇરાદો AIADMKને તોડવાનો નથી, પરંતુ જનતાના જનાદેશને માન આપવાનો છે.

પલાનીસ્વામી પોતે CM બનવા માંગતા હતા: શણમુગમનો દાવો 

શણમુગમે એક ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું કે, પલાનીસ્વામી TVK ગઠબંધનને ટક્કર આપવા માટે DMK સાથે જોડાણ કરવા વિચારી રહ્યા હતા અને પોતે તે બ્લોકના મુખ્યમંત્રી બનવા માંગતા હતા. મોટાભાગના ધારાસભ્યોને આ દરખાસ્ત મંજૂર નહોતી. હવે એસ. પી. વેલુમણીને વિધાયક દળના નેતા અને જી. હરિને ડેપ્યુટી લીડર તરીકે ચૂંટવામાં આવ્યા છે.