296 મોત, 59 રોડ બંધ અને 3200 કરોડથી વધુનું નુકસાન.... હિમાચલ પ્રદેશમાં આકાશથી આફત વરસી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Himachal Pradesh Rain Updates : હિમાચલ પ્રદેશમાં 30 જૂનથી 15 સપ્ટેમ્બર સુધીના ચોમાસા દરમિયાન કુદરતે ભારે તારાજી સર્જી છે, જેના કારણે રાજ્યને અત્યાર સુધીમાં 3212.21 કરોડ રૂપિયાનું મસમોટું નુકસાન થયું છે અને કુલ 296 લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે.
ચોમાસામાં વ્યાપક તારાજી અને જાનમાલનું નુકસાન
રાજ્યમાં 30 જૂનથી 15 સપ્ટેમ્બર વચ્ચે થયેલી આફતને કારણે કુલ 296 લોકોનાં મોત નીપજ્યાં છે. જેમાંથી 119 લોકોનાં મોત સીધી કુદરતી આપત્તિઓ અને ક્લાઈમેટ ચેન્જની ઘટનાઓને કારણે થયાં છે, જ્યારે 177 લોકોનાં મોત માર્ગ અકસ્માતોમાં થયાં છે. આ ઉપરાંત આ સમયગાળામાં કુલ 520 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
સંપત્તિના નુકસાનની વાત કરીએ તો, પ્રદેશમાં 131 મકાનો સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયા છે જ્યારે 502 મકાનોને આશિંક નુકસાન પહોંચ્યું છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે લોક નિર્માણ વિભાગને 2744.67 કરોડ રૂપિયા અને જલ શક્તિ વિભાગને 38.57 કરોડ રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું છે.
હજુ પણ 59 રસ્તાઓ અને 11 પેયજલ યોજનાઓ ઠપ
પ્રદેશમાં તારાજીના અવશેષો હજુ પણ યથાવત છે અને હાલ હજુ પણ કુલ 59 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ છે. જેમાં સૌથી વધુ મંડી જિલ્લામાં 27 અને કુલ્લુમાં 12 રસ્તાઓ ઠપ થયેલા છે. આ ઉપરાંત પ્રદેશમાં 11 પેયજલ યોજનાઓ અને 2 વીજળીના ટ્રાન્સફોર્મર પણ હજુ બાધિત છે, જેને પૂર્વવત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.
બીજી તરફ, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ સુધી પ્રદેશમાં કોઈ ભારે વરસાદની સંભાવના નથી. આગામી 16 અને 17 સપ્ટેમ્બરે કેટલાક હિસ્સામાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે, જ્યારે 18 થી 21 સપ્ટેમ્બર દરમિયાન હવામાન મોટે ભાગે સાફ રહેશે અને માત્ર ગણ્યાંગાંઠ્યા સ્થળોએ જ હળવા વરસાદના આસાર છે.




