India

હિમશિખરો પીગળતા હિમાલયના 2500 સરોવર ફાટે તેવી સંભાવના

By GS Team
29 Aug 20263 mins read
TukuTouch Logo
નેપાળમાં આવેલા ભયાનક ફ્લેશ ફ્લડથી ભારે તારાજી સર્જાઈ છે, જ્યારે 5 મહિના પહેલા ICIMOD એ હિમાલયના 10 હેક્ટરથી મોટા સરોવરો પર જોખમની આગાહી કરી હતી. ભારતીય ક્ષેત્રમાં 130 સરોવરો જોખમમાં છે. હિમાલયના હિમશિખરો ઝડપથી પીગળી રહ્યા છે, જે ભવિષ્યમાં મોટી આફત નોતરી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હિમશિખરો પીગળતા હિમાલયના 2500 સરોવર ફાટે તેવી સંભાવના

Nepal Flash Flood News : નેપાળમાં માત્ર એક હિમશિખરના પીગળવાથી બુધવારે આવેલા વિનાશક ફ્લેશ ફ્લડે ભારે તારાજી સર્જી છે. નેપાળ ત્રણ દિવસ કરતાં વધુ સમય પછી પણ આ આપત્તીમાંથી બહાર આવી શક્યું નથી. જોકે, નેપાળમાં પાંચ મહિના પહેલાં જ આવી કોઈ આપત્તી આવી શકે તેવી આશંકા વ્યક્ત કરાઈ હતી. કાઠમંડુ સ્થિત ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ઈન્ટિગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટના બે રિપોર્ટમાં દાવો કરાયો હતો કે, હિમાલયના હિમશિખરો તિવ્ર ગતિએ પીગળી રહ્યા છે. આ રિપોર્ટની અવગણનાની નેપાળ સરકારે ભારે કિંમત ચૂકવવી પડી છે.

હિન્દુ કુશ હિમાલયનું વિશાળ ક્ષેત્ર માત્ર પર્વતો જ નથી પરંતુ તેને એશિયાનું વોટર ટાવર કહેવાય છે, કારણ કે તે દુનિયામાં લગભગ બે કરોડની વસતીની તરસ છીપાવતા હિમશિખરોની ગરજ પૂરી પાડે છે. જોકે, કાઠમંડુ સ્થિત ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ઈન્ટિગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટે તેના બે તાજા રિપોર્ટોમાં ચેતવણી આપી હતી કે, વર્ષ 2000 પછીથી હિમાલયમાં હિમશિખરોના પીગળવાની ગતિ બમણી થઈ ગઈ છે. 1975ના સમય સાથે સરખામણી કરવામાં આવે તો બરફની જાડાઈમાં 27 મીટર સુધીનો ભારે ઘટાડો આવી ગયો છે.

આઈસીઆઈએમઓડીના આ વર્ષે માર્ચમાં પ્રકાશિત રિપોર્ટમાં સ્પષ્ટ ચેતવણી અપાઈ હતી કે, 1990 અને 2020 વચ્ચે હિન્દુ કુશ હિમાલયના હિમશિખરોએ તેમના કુલ ક્ષેત્રફળના લગભગ 12 ટકા અને અંદાજિત બરફ ભંડારના 9 ટકા હિસ્સો ગુમાવી દીધો છે. એક રિપોર્ટમાં હિન્દુ કુશ હિમાલયના ગ્લેશિયર આઉટલૂક 2026માં 38 નિરીક્ષણવાળા ગ્લેશિયરોના ડેટાનું વિશ્લેષણ કરાયું હતું.

આઈસીઆઈએમઓડીના રિપોર્ટ મુજબ ઉત્તર-દક્ષિણ ધુ્રવોની બહાર હિન્દુ કુશ હિમાલયમાં સૌથી વધુ બરફ જોવા મળે છે, જ્યાં 55,000 વર્ગ કિ.મી. કરતાં વધુ વિસ્તારમાં 63,700થી વધુ હિમશિખરો ફેલાયેલા છે. આ એશિયાની 10 મુખ્ય નદી સિસ્ટમોના પાણીનો સ્રોત છે.

એ જ રીતે ઈસરોના 1984થી 2023 સુધીના ડેટા મુજબ સમગ્ર હિમાલયમાં 2431 સરોવર એવા છે જે 10 હેક્ટરથી વધુ મોટા છે, જેમાં 676 સરોવર 1984 પછી તિવ્ર ગતિએ વધ્યા છે. આ સરોવરોમાંથી 130 સરોવર હિમાલયના ભારતીય વિસ્તારમાં આવેલા છે. 65 સરોવર સિંધુ નદીમાં, 7 સરોવર ગંગા અને 58 સરોવર બ્રહ્મપુત્રા નદીના બેઝિનમાં છે. 10 હેક્ટરથી મોટા 676 સરોવરોમાંથી 601 સરોવર વધુ મોટા થઈ ગયા છે. 10 સરોવર દોઢથી બમણા સુધી મોટા થયા છે અને 65 સરોવર દોઢ ગણા સુધી મોટા થઈ ગયા છે.

આગામી સમયમાં ભારતમાં પણ નેપાળ જેવી મોટી આફત સર્જાઈ શકે છે તેવી નિષ્ણાતોએ ચેતવણી આપી છે. ભારતમાં એકલા સિક્કિમમાં જ 300થી વધુ હિમશિખરોના સરોવર છે, જેમાં 10થી વધુ સરોવર ગમે ત્યારે તૂટવાની આશંકા વ્યક્ત કરાઈ ચૂકી છે.
ભૂ-વૈજ્ઞાનિકોના અનેક રિસર્ચ પેપર્સમાં સામે આવ્યું છે કે છેલ્લા પાંચ દાયકામાં અહીં હિમશિખરો અંદાજે 2 કિ.મી. પાછળ ખસી ગયા છે અને તેના દ્વારા છોડવામાં આવેલી જગ્યા પર એક સરોવર સતત મોટું થઈ રહ્યું હતું. આ રિપોર્ટમાં નિષ્ણાતોએ આ સરોવર ગમે ત્યારે ફાટશે તેવી ચેતવણી આપી હતી અને દુર્ભાગ્યે ઓક્ટોબર 2023માં સરોવર તૂટયું હતું.