India

2.5 કિલો સોનું, બે રિસોર્ટ અને પગાર કરતા 560 ગણી વધુ સંપત્તિ... મધ્ય પ્રદેશના વન અધિકારી સામે લોકાયુક્તના દરોડા

By GS Team
15 Nov 20262 mins read
TukuTouch Logo
મધ્ય પ્રદેશમાં લોકાયુક્તે સાતપુડા ટાઈગર રિઝર્વના ડેપ્યુટી ડાયરેક્ટર સંજીવ કુમાર શર્માના ભોપાલ, પંચમઢી અને છિંદવાડા સ્થિત રહેઠાણો પર દરોડા પાડ્યા. તપાસમાં તેમની આવક કરતાં 560% વધુ એટલે કે આશરે 7.6 કરોડ રૂપિયાની અપ્રમાણસર સંપત્તિ મળી. દરોડામાં 3.5 કરોડનું સોનું, રોકડ, 2 રિસોર્ટ અને વાહનો સહિતની મિલકતો જપ્ત કરાઈ છે. ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ કેસ નોંધાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

2.5 કિલો સોનું, બે રિસોર્ટ અને પગાર કરતા 560 ગણી વધુ સંપત્તિ... મધ્ય પ્રદેશના વન અધિકારી સામે લોકાયુક્તના દરોડા

Madhya Pradesh Lokayukta Raid : મધ્યપ્રદેશમાં લોકાયુક્તે વન વિભાગના એક અધિકારી સામે મોટી કાર્યવાહી કરી છે. સાતપુડા ટાઈગર રિઝર્વના ડેપ્યુટી ડાયરેક્ટર સંજીવ કુમાર શર્માના ભોપાલ, પંચમઢી અને છિંદવાડા સ્થિત રહેઠાણો પર દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન તેમની આવક કરતાં આશરે 560 ટકા વધુ એટલે કે લગભગ 7.6 કરોડ રૂપિયાની અપ્રમાણસર સંપત્તિ હોવાનો ખુલાસો થયો છે. દરોડામાં 3.5 કરોડ રૂપિયાનું સોનું, રોકડ, બે આલીશાન રિસોર્ટ અને વાહનો સહિતની મિલકતો મળી આવી છે.

ત્રણ શહેરોમાં એકસાથે દરોડા

મધ્યપ્રદેશ લોકાયુક્તના સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ (SPE) દ્વારા શનિવારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. ભોપાલની પ્રોફેસર કોલોની ઉપરાંત પંચમઢી અને છિંદવાડામાં આવેલી સરકારી તથા ખાનગી મિલકતો પર એકસાથે તપાસ હાથ ધરવામાં આવી હતી. ગુપ્ત માહિતી અને કોર્ટ પાસેથી મેળવેલા સર્ચ વોરંટના આધારે આ દરોડા પાડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં અધિકારીની સંપત્તિ આવક કરતાં 228 ટકા વધુ હોવાનો અંદાજ હતો. જોકે, તપાસ આગળ વધતાં આ આંકડો વધીને 560 ટકા એટલે કે આશરે 7.6 કરોડ રૂપિયા થયો હતો. તપાસમાં પોતાની, પત્ની અને અન્ય લોકોનાં નામે સંપત્તિ એકઠી કરવામાં આવી હોવાની વિગતો પણ સામે આવી છે.

3.5 કરોડનું સોનું અને બે રિસોર્ટ

દરોડા દરમિયાન અધિકારીનાં ઠેકાણેથી 26,36,800 રૂપિયા રોકડા મળી આવ્યા હતા. આ ઉપરાંત 2.528 કિલો સોનું, જેની કિંમત આશરે 3.5 કરોડ રૂપિયા છે, અને 1.656 કિલો ચાંદી મળી હતી. ચાંદીની કિંમત 2.94 લાખ રૂપિયા આંકવામાં આવી છે. તપાસમાં આશરે 2 કરોડ રૂપિયાની કિંમતનો 'ઇકોટેલ રિસોર્ટ' અને 1 કરોડ રૂપિયાની કિંમતનો 'સેરેનિટી ધ વિલા' પણ મળી આવ્યા છે. ચાર વાહનોમાં મહિન્દ્રા સ્કોર્પિયો, મહિન્દ્રા KUV, રોયલ એનફિલ્ડ બુલેટ અને સ્કૂટરનો સમાવેશ થાય છે. તેમની કુલ કિંમત આશરે 31.2 લાખ રૂપિયા છે. આ ઉપરાંત 50 લાખ રૂપિયાની ઘરવપરાશની વસ્તુઓ અને જમીનના ખરીદ-વેચાણ સંબંધિત 28 દસ્તાવેજો પણ મળ્યા છે. દસ્તાવેજોના મૂલ્યાંકન બાદ સંપત્તિનો આંકડો વધી શકે છે.

ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ કેસ

લોકાયુક્તના ડિરેક્ટર જનરલ યોગેશ દેશમુખના નિર્દેશ અને ડીઆઈજી મનોજ કુમાર સિંહના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. અધિકારી સામે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ, 1988ની કલમ 13(1)(B) અને 13(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ પહેલાં 4 નવેમ્બરે લોકાયુક્તે ધાર જિલ્લાના નાલચામાં આદિમ જાતિ સેવા સહકારી સમિતિના મેનેજર શેર સિંહ ઠાકુર સામે પણ કાર્યવાહી કરી હતી. 20 વર્ષની નોકરીમાં આશરે 65 લાખ રૂપિયાનો પગાર મેળવ્યો હોવા છતાં તેમની પાસે 2.41 કરોડ રૂપિયાની મિલકતો મળી આવી હતી. તેમાં મકાન, કોમર્શિયલ બિલ્ડિંગ, ખેતીની જમીન, અર્થ-મૂવિંગ મશીન અને શંકાસ્પદ બેનામી ઇમારતનો સમાવેશ થાય છે. તેમની સામે પણ ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ કેસ નોંધાયો છે.