Get The App

હારમાં પણ જીત! પ્રાદેશિક પક્ષોના ગઢ ધરાશાયી થતાં હવે કોંગ્રેસ માટે ખાસ તક

Updated: May 5th, 2026

GS TEAM

Google News
Google News
2026 Election Analysis
(IMAGE - IANS)

2026 Election Analysis: તાજેતરના ચૂંટણી પરિણામોમાં ભાજપે આસામમાં સત્તાની હેટ્રિક લગાવી છે અને પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના ગઢમાં ગાબડું પાડીને પ્રથમવાર સરકાર બનાવવામાં સફળતા મેળવી છે. જોકે, સપાટી પર ભાજપની જીત દેખાઈ રહી હોવા છતાં, રાજકીય વિશ્લેષકો કોંગ્રેસને આ ચૂંટણીના સૌથી મોટા 'વ્યૂહાત્મક વિજેતા' (Strategic Gainer) તરીકે જોઈ રહ્યા છે. કોંગ્રેસે ભલે બધે સત્તા ન મેળવી હોય, પરંતુ પોતાની ગુમાવેલી રાજકીય જમીન પાછી મેળવવામાં તે સફળ રહી છે, જે આગામી 2029ની લોકસભા ચૂંટણી માટે મહત્ત્વના સંકેતો આપે છે.

કેરળમાં 10 વર્ષ પછી કોંગ્રેસની વાપસી

કેરળમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુડીએફ (UDF) ગઠબંધને ડાબેરીઓના એલડીએફ(LDF)ને હરાવીને 10 વર્ષ પછી સત્તામાં શાનદાર વાપસી કરી છે. આ જીત સાથે દક્ષિણ ભારતમાં કોંગ્રેસે ફરી એકવાર પોતાનો દબદબો સાબિત કર્યો છે. કર્ણાટક અને તેલંગાણા પછી હવે કેરળમાં પણ કોંગ્રેસની સરકાર બનતાં દક્ષિણ ભારતમાં પક્ષની સ્થિતિ વધુ મજબૂત બની છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના 'વાયનાડ પ્રભાવ' તેમજ સંગઠનની મજબૂતીને કારણે કેરળ હવે કોંગ્રેસ માટે એક સુરક્ષિત ગઢ સાબિત થયું છે. આમ, દક્ષિણ ભારતના રાજકારણમાં કોંગ્રેસ એક અજેય શક્તિ તરીકે ઉભરી રહી છે.

બંગાળ અને તમિલનાડુમાં બદલાતા સમીકરણો

પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસે 2021ની સરખામણીએ સુધારો કર્યો છે. 2021માં એક પણ બેઠક ન જીતનાર કોંગ્રેસ આ વખતે 2 બેઠકો જીતવામાં સફળ રહી છે અને તેનો વોટ શેર વધીને 3% થયો છે. ટીએમસી(TMC)ની હાર બાદ જે વિરોધ પક્ષની જગ્યા ખાલી પડી છે, ત્યાં હવે કોંગ્રેસ એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી રહી છે.

જયારે તમિલનાડુમાં છ દાયકાથી સત્તાથી બહાર હોવા છતાં કોંગ્રેસે થલાપતિ વિજયના ઉદય અને ડીએમકે વિરુદ્ધની લહેર વચ્ચે પોતાની સ્વતંત્ર ઓળખ જાળવી રાખી છે. તમિલનાડુની જનતા હવે પ્રાદેશિક પક્ષોને બદલે રાષ્ટ્રીય પક્ષ તરીકે કોંગ્રેસ તરફ આશાની નજરે જોઈ રહી હોય તેવું જણાય છે.

આ પણ વાંચો: 5 રાજ્યોની ચૂંટણી: બે મુખ્યમંત્રીએ પોતાની બેઠક ગુમાવી, રિક્ષાચાલકે દિગ્ગજોને હરાવ્યા... જુઓ જાયન્ટ કિલર્સનું લિસ્ટ

આસામમાં 'બાઇપોલર' રાજનીતિની શરૂઆત

આસામમાં ભાજપ ભલે જીત્યું હોય, પરંતુ કોંગ્રેસે ત્યાં બદરૂદ્દીન અજમલની (AIUDF) રાજનીતિનો અંત આણી દીધો છે. અગાઉ મુસ્લિમ મતો અજમલ અને કોંગ્રેસ વચ્ચે વહેંચાતા હતા, જેનો ફાયદો ભાજપને મળતો હતો. હવે લઘુમતી મતો કોંગ્રેસ તરફ વળતા આસામની રાજનીતિ 'ભાજપ વિરુદ્ધ કોંગ્રેસ' એવી સીધી લડાઈ બની ગઈ છે, જે ભવિષ્યમાં કોંગ્રેસની રાહ આસાન કરી શકે છે.

રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસની મજબૂત સ્થિતિ

આ ચૂંટણી પરિણામો બાદ 'INDIA' ગઠબંધનમાં પણ કોંગ્રેસનું કદ વધ્યું છે. મમતા બેનર્જી અને બદરૂદ્દીન અજમલ જેવા પ્રાદેશિક નેતાઓ નબળા પડતા હવે પ્રાદેશિક પક્ષોએ કોંગ્રેસની શરતો પર રાજનીતિ કરવી પડશે. રાહુલ ગાંધીની 'ભારત જોડો ન્યાય યાત્રા 2.0'ની અસર પણ પરિણામોમાં સ્પષ્ટ દેખાઈ રહી છે. આમ, 2026ની આ ચૂંટણીઓએ ભાજપને સત્તા આપી છે, પરંતુ કોંગ્રેસને ભવિષ્ય માટે 'સંજીવની' પૂરી પાડી છે.

હારમાં પણ જીત! પ્રાદેશિક પક્ષોના ગઢ ધરાશાયી થતાં હવે કોંગ્રેસ માટે ખાસ તક 2 - image