Assembly Election Results 2026: ચૂંટણીના તાજેતરના પરિણામોમાં લોકશાહીનો અસલી પાવર જોવા મળ્યો છે, જ્યાં જનતાએ અનેક દિગ્ગજ નેતાઓને પરાજયનો સ્વાદ ચખાડ્યો છે. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને પુડુચેરીની 832 વિધાનસભા બેઠકો પર થયેલી મતગણતરીમાં અનેક ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. આ ચૂંટણીની સૌથી મોટી હકીકત એ છે કે બે રાજ્યોના વર્તમાન મુખ્યમંત્રીઓ પોતાની પરંપરાગત બેઠકો બચાવી શક્યા નથી.
પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનરજી અને તમિલનાડુમાં મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન જેવા કદાવર નેતાઓને હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ, તમિલનાડુમાં એક સામાન્ય રિક્ષાચાલકે દાયકાઓથી રાજકારણમાં વર્ચસ્વ ધરાવતા પૂર્વ નાણામંત્રીને હરાવીને ઇતિહાસ રચી દીધો છે. 'જાયન્ટ કિલર' બનેલા આ નવા ચહેરાઓએ સાબિત કરી દીધું છે કે લોકશાહીમાં કોઈ પણ ગઢ અજેય નથી. જુઓ પરાજિત થયેલા દિગ્ગજો અને તેમને ધૂળ ચટાડનારા નવા વિજેતાઓનું સંપૂર્ણ લિસ્ટ.
પશ્ચિમ બંગાળ: મમતા બેનરજીની હાર
પશ્ચિમ બંગાળમાં ભાજપના શુભેન્દુ અધિકારીએ મોટો ઉલટફેર કરતા મુખ્યમંત્રી અને TMC પ્રમુખ મમતા બેનરજીને તેમના ગઢ ગણાતા ભવાનીપુરથી હરાવ્યા છે. આ રસાકસીભરી જંગમાં શુભેન્દુ અધિકારીએ મમતા બેનરજીને 15,000થી વધુ મતોના અંતરથી પરાજય આપ્યો છે. આટલું જ નહીં, શુભેન્દુ અધિકારીએ નંદીગ્રામ બેઠક પર પણ જીત મેળવીને પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. બીજી તરફ, કાલિમ્પોંગમાં પણ ભાજપનો વિજય રથ આગળ વધ્યો છે, જ્યાં ભરત છેત્રીએ રુદન સદા લેપચાને 21,000થી વધુ મતોથી હરાવીને મોટી જીત નોંધાવી છે.
તમિલનાડુ: વિજયનો 'ટીવીકે' પક્ષ છવાયો
તમિલનાડુમાં અભિનેતામાંથી નેતા બનેલા વિજયની પાર્ટી 'તમિલગા વેત્રી કઝગમ' (TVK)એ ડીએમકે (DMK) અને એઆઈએડીએમકે (AIADMK)ના વર્ષો જૂના દબદબાને મોટો ફટકો આપ્યો છે. આ ચૂંટણીમાં સૌથી મોટો ઉલટફેર કોલાથુર બેઠક પર જોવા મળ્યો છે, જ્યાં TVKના ઉમેદવાર વી.એસ. બાબુએ મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનને આશરે 9,000 મતોથી હરાવીને સહુને ચોંકાવી દીધા છે.
આ ઉપરાંત, રોયાપુરમ બેઠક પર TVKના ઉમેદવાર અને વ્યવસાયે રિક્ષાચાલક એવા વિજય ધામુએ પૂર્વ નાણામંત્રી અને એઆઈએડીએમકે (AIADMK)ના દિગ્ગજ નેતા ડી. જયકુમારને 55,000થી વધુ મતોના જંગી અંતરથી પરાજય આપ્યો છે.
આસામ: કોંગ્રેસના દિગ્ગજોનો પરાજય
આસામમાં ભાજપે કોંગ્રેસના મજબૂત નેતાઓને પરાજય આપીને મોટો વિજય મેળવ્યો છે. જોરહાટ બેઠક પર ભાજપના દિગ્ગજ નેતા હિતેન્દ્ર નાથ ગોસ્વામીએ કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈને 23,000થી વધુ મતોથી હરાવ્યા છે. તેવી જ રીતે, બિશ્વનાથમાં પણ ભાજપના પલ્લબ લોચન દાસે કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયંત બોરા સામે 25,000થી વધુ મતોના મોટા માર્જિનથી શાનદાર જીત મેળવી છે.
કેરળ અને પુડુચેરી: નવા સમીકરણો
કેરળમાં કુટિયાડીમાં મુસ્લિમ લીગના પરાક્કલ અબ્દુલ્લાએ સીપીઆઈ (એમ)ના ઉમેદવારને 10,000 મતોથી હરાવ્યા છે. પૈયાનુરમાં પણ ડાબેરીઓના ગઢમાં ગાબડું પડ્યું છે.
પુડુચેરીમાં મુખ્યમંત્રી એન. રંગાસ્વામી પોતાની બેઠક બચાવવામાં સફળ રહ્યા છે, પરંતુ અનેક વિસ્તારોમાં પરંપરાગત પક્ષોનો પ્રભાવ ઘટતો જોવા મળ્યો છે.
આ ચૂંટણી પરિણામો દર્શાવે છે કે લોકશાહીમાં કોઈ પણ નેતાનો ગઢ કાયમી સુરક્ષિત નથી હોતો.


