હચમચાવતો રિપોર્ટ ! 20 મહિનામાં 920 લાશો મળી... બાંગ્લાદેશમાં પુરાવા મિટાવવા નદીઓનો ઉપયોગ થતો હોવાની આશંકા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bangladesh Rivers Dead Bodies : બાંગ્લાદેશમાં કથળતી જતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે એક અત્યંત ચિંતાજનક વિગત સામે આવી છે. છેલ્લા 20 મહિનામાં દેશભરની નદીઓમાંથી પોલીસે 920 અજાણ્યા મૃતદેહો કબજે કર્યા છે. આ સમયગાળા દરમિયાન હત્યા, અપહરણ, બળાત્કાર અને લૂંટ જેવા ગંભીર ગુનાઓની સંખ્યામાં પણ સતત વધારો નોંધાયો છે. ગુના નિષ્ણાતો અને માનવાધિકાર કાર્યકરોએ ચેતવણી ઉચ્ચારી છે કે હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે વ્યવસાયિક ગુનેગારો નદીઓનો ઉપયોગ કરી રહ્યા છે, જ્યારે પોલીસ તંત્ર આવા કેસોનો ઉકેલ લાવવામાં અસમર્થ સાબિત થઈ રહ્યું છે.
પુરાવાનો નાશ કરવા નદીઓનો ઉપયોગ
સ્થાનિક અખબારના અહેવાલ મુજબ નિષ્ણાતોનું માનવું છે કે હત્યારાઓ પકડાઈ જવાથી બચવા માટે મૃતદેહ સાથે ભારે વજન બાંધીને નદીમાં ફેંકી દે છે. આનાથી ગુનેગારોને ફરાર થવાનો પૂરતો સમય મળી જાય છે. આ ઉપરાંત પાણીના તેજ પ્રવાહમાં મૃતદેહ તણાઈને ઘણી દૂર ચાલ્યો જતો હોવાથી તપાસ અધિકારીઓ માટે ઘટનાસ્થળ કે મૂળ ગુનાની જગ્યા શોધવી અત્યંત મુશ્કેલ બની જાય છે.
20 મહિનામાં 920 મૃતદેહો મળી આવ્યા
બાંગ્લાદેશ રિવર પોલીસના આંકડા અનુસાર વર્ષ 2025 દરમિયાન દેશની વિવિધ નદીઓમાંથી 541 મૃતદેહો મળ્યા હતા. જ્યારે ચાલુ વર્ષે જાન્યુઆરીથી ઓગસ્ટ વચ્ચે વધુ 379 મૃતદેહો મળી આવ્યા છે. આ આંકડા માત્ર નદીઓ પૂરતા મર્યાદિત છે, જ્યારે વાસ્તવિકતા એનાથી પણ વધુ ગંભીર છે કારણ કે રસ્તાની આસપાસ અને રેલવે ટ્રેક પાસેથી પણ વારંવાર અજાણી લાશો મળી રહી છે.
સપ્ટેમ્બરના 20 દિવસમાં 42 અજાણ્યા મૃતદેહો
માનવાધિકાર સંગઠન 'માનબાધિકાર શોંસ્કૃતિ ફાઉન્ડેશન' (MSF)ના તાજેતરના અહેવાલ મુજબ, સપ્ટેમ્બર 2026ના પ્રથમ 20 દિવસમાં જ ઢાકા સહિત દેશના વિવિધ વિસ્તારોમાં નદી કિનારે, રસ્તાઓ, ખેતરો અને રેલવે લાઈનો પાસેથી ઓછામાં ઓછા 42 અજાણ્યા મૃતદેહો મળ્યા છે. આ જ સંસ્થાના આંકડા મુજબ આ વર્ષે જાન્યુઆરીથી ઓગસ્ટ દરમિયાન કુલ 465 લાવારિસ મૃતદેહો મળી આવ્યા હતા. તાજેતરમાં 14 સપ્ટેમ્બરના રોજ પણ બંશી નદીમાંથી એક અજાણી વ્યક્તિનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.
ઓળખ ન થતાં અંતિમ સંસ્કાર
કોઈપણ મૃતદેહ મળ્યા બાદ પોલીસ સામાન્ય રીતે અકુદરતી મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરે છે. તાજેતરના કિસ્સામાં પીબીઆઈની ટીમે ફિંગરપ્રિન્ટ દ્વારા મૃતકની ઓળખ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા ન મળતાં અંતે ડીએનએ સેમ્પલ સાચવી રાખીને મૃતદેહને અજાણ્યા વ્યક્તિ તરીકે દફનાવી દેવામાં આવ્યો હતો.




