Why Indians Leave India : તાજેતરમાં સંસદમાં રજૂ કરાયેલી માહિતી પ્રમાણે, દર વર્ષે 2 લાખથી વધુ ભારતીયો ભારતીય નાગરિકતાનો ત્યાગ કરી રહ્યાં છે. વર્ષ 2011થી 2024 સુધીમાં 20.6 લાખ ભારતીયએ બીજા દેશમાં સ્થાયી થવા માટે ભારતીય નાગરિકત્વ છોડી દીધું હતું. આ પૈકી અડધા લોકો તો છેલ્લા પાંચ વર્ષમાં જ દેશ છોડીને જતા રહ્યા છે. વળી, વર્ષ 2020ની કોવિડ 19 મહામારી પછી આ ટ્રેન્ડમાં નોંધપાત્ર વધારો થયો છે.
‘વ્યક્તિગત કારણો’ અને બેવડી નાગરિકતાનો પ્રશ્ન
વિદેશ મંત્રાલયે લોકસભામાં જણાવ્યું હતું કે, નાગરિકતા ત્યાગના કારણો દરેક વ્યક્તિ માટે અલગ અને વ્યક્તિગત છે. ઘણાં ભારતીયો ‘વ્યક્તિગત સુવિધા’ માટે વિદેશી નાગરિકતા અપનાવે છે. ભારત બેવડી નાગરિકતાની મંજૂરી આપતું નથી, એ પણ એક મુખ્ય કારણ છે. ભારતીય નાગરિકતા અધિનિયમ 1955ની કલમ 9 મુજબ, જો કોઈ ભારતીય સ્વેચ્છાથી બીજા દેશની નાગરિકતા લે છે, તો તેની ભારતીય નાગરિકતા આપમેળે રદ થઈ જાય છે. તેથી વિદેશમાં સ્થાયી થવા ઇચ્છતા લોકોએ ભારતીય નાગરિકત્વ છોડવું પડે છે.
ભારતમાંથી સતત સફળ લોકોનું સ્થળાંતર
દેશમાં વર્ષ 1970થી ચાલી રહેલું ‘બ્રેઈન ડ્રેઈન’ (શિક્ષિત-સફળ લોકો બીજા દેશમાં સ્થાયી થઈ જાય તે) હવે નવા સ્વરૂપમાં દેખાઈ રહ્યું છે. વડાપ્રધાન કાર્યાલયના પૂર્વ પ્રવક્તા સંજય બારુ તેમના પુસ્તક ‘સસેશન ઓફ ધ સક્સેસફૂલ: ધ ફ્લાઇટ આઉટ ઓફ ન્યૂ દિલ્હી’માં જણાવે છે કે અગાઉ ડોક્ટર-એન્જિનિયરનું સ્થળાંતર થતું, હવે શ્રીમંતો (HNIs – હાઇ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ) દેશ છોડી રહ્યાં છે. મોર્ગન સ્ટેનલીના આંકડા અનુસાર, 2014થી લગભગ 23,000 ભારતીય કરોડપતિ દેશ છોડી ગયાં છે. બારુએ આ સ્થિતિને ‘સસેશન ઓફ ધ સક્સેસફૂલ’ (સફળ લોકોનું સ્થળાંતર) નામ આપ્યું છે.
આ પણ વાંચો : ટ્રમ્પના આદેશ બાદ ભારતમાં અમેરિકન એમ્બેસી ત્રણ દિવસ બંધ
કોવિડ-19 મહામારી પછી સતત વધારો
વર્ષ 2020માં કોવિડ-19 મહામારીના કારણે દૂતાવાસો બંધ હોવાથી ભારતીયો દ્વારા નાગરિકત્વ ત્યજી દેવાની સંખ્યા ઘટીને 85,000 થઈ ગઈ હતી. પરંતુ વર્ષ 2022માં ફરી અનેક દેશોની સરહદો ખૂલતા આ આંકડો અચાનક 2 લાખ ઉપર પહોંચી ગયો. વર્ષ 2023 અને 2024માં પણ આ ટ્રેન્ડ ચાલુ રહ્યો, જે દર્શાવે છે કે આ એક કોમન ટ્રેન્ડ બની ગયો છે.
વિદેશનું આટલું બધું આકર્ષણ શા માટે?
નિષ્ણાતો અને સ્થળાંતર કરનારાના વિશ્લેષણ પરથી દેશ છોડવા માટે નીચે મુજબના કારણો મળે છે.
1. ઉત્તમ કારકિર્દી અને પગાર: વિદેશમાં વિશેષ કૌશલ્ય માટે ખૂબ વધુ તકો અને પગાર મળે છે.
2. જીવનની ગુણવત્તા: સ્વચ્છ હવા, સારી જાહેર પરિવહન સેવા, શહેરોનું સુંદર પ્લાનિંગ અને ઉત્તમ સામાજિક સુરક્ષા.
3. બાળકોનું ભવિષ્ય: વિદેશની શૈક્ષણિક પ્રણાલી અને રાજકીય સ્થિરતા માતાપિતા માટે મોટું કારણ છે.
4. ભારતીય શહેરોની સમસ્યાઓ: દિલ્હી, મુંબઈ જેવાં મોટાં શહેરોમાં પ્રદૂષણ, ટ્રાફિક, ગીચતા અને મૂળભૂત સુવિધાનો અભાવ પણ દેશ છોડવા માટેનું એક મોટું કારણ છે.
આ પણ વાંચો : હવે એરલાઈન્સોની મનમાની નહીં ચાલે ! સરકારે બે નવી એરલાઈન્સને આપી મંજૂરી
મૂળિયાં સાથે જોડાયેલા રહેવાનો એક વિકલ્પ છે, ઓવરસિઝ સિટીઝનશિપ ઓફ ઈન્ડિયા
OCI એટલે કે ઓવરસિઝ સિટીઝનશિપ ઓફ ઈન્ડિયા એક વિશેષ પ્રકારનો વિઝા છે, જે ભારતીય મૂળ ધરાવતા વિદેશી નાગરિકોને (જેઓ ભારતીય નાગરિકતા છોડી ચુક્યા છે) આપવામાં આવે છે. એ ભારતીય નાગરિકતા નથી, પરંતુ ભારત સાથેના જોડાણનું પ્રતીક અને ઘણી સુવિધા આપનારો દસ્તાવેજ છે.
1. OCI કોને મળે?- જે વ્યક્તિ ક્યારેક ભારતીય નાગરિક હતી અથવા તેમના માતા-પિતા કે દાદા-દાદી ભારતીય નાગરિક હતા અને હવે તેઓ બીજા દેશના નાગરિક બની ગયા છે.
2. સૌથી મોટી સગવડ ‘આજીવન વિઝા-મુક્ત પ્રવેશ’: OCI કાર્ડધારકને ભારતમાં રહેવા, અભ્યાસ કરવા અથવા કામ કરવા માટે કોઈ વિઝા લેવાની જરૂર નથી. તેઓ જીવનભર મુક્ત રીતે ભારત આવ-જા કરી શકે છે.
• રોજગાર: બિન-સરકારી નોકરી કરી શકાય છે.
• સંપત્તિ: મકાન-જમીન ખરીદી શકાય છે (ખેતીની જમીન સિવાય).
• બૅન્કિંગ: બૅન્ક એકાઉન્ટ, લોન અને રોકાણની પણ તકો મળે છે.
• શિક્ષણ: ભારતમાં શિક્ષણ સંસ્થામાં દાખલો લઈ શકાય છે, NRI ક્વૉટા હેઠળ પ્રવેશ મેળવી શકાય છે.
• આરોગ્ય: ભારતીયોની જેમ જ ઓછા ખર્ચે તબીબી સેવા મેળવી શકાય છે.
3. શું કરી શકાતું નથી?
• મતદાન કરી શકાતું નથી.
• રાજકીય ચૂંટણી લડી શકાતી નથી.
• દેશમાં આવતી-જતી વખતે એક અલગ 'વિદેશી નાગરિક' લાઇનમાં ઊભા રહેવું પડે છે.
‘રેમિટન્સ’ની આવક, પરંતુ ‘સ્થળાંતર’ની જાવક
ભારત વિશ્વમાં સૌથી વધુ ‘રેમિટન્સ’ (વિદેશથી મોકલેલું ધન) પ્રાપ્ત કરનારો દેશ છે. 2023માં લગભગ 125 અબજ ડોલરની આવક આ રીતે મળી હતી. પરંતુ, દર વર્ષે લાખોની સંખ્યામાં ભારતીયોનું સ્થળાંતર એ વાતનું સૂચક છે કે ભારતે પોતાની પ્રતિભા અને મૂડીને અહીં જ રોકવા માટે જીવનની ગુણવત્તા, શિક્ષણ, મૂળભૂત સુવિધાઓ અને સામાજિક સુરક્ષા જેવા ક્ષેત્રોમાં મહત્ત્વપૂર્ણ સુધારા કરવાની જરૂર છે.


