New Airlines in India: ભારતીય એવિએશન સેક્ટરમાં અત્યાર સુધી ગણ્યા-ગાંઠ્યા ખેલાડીઓનું વર્ચસ્વ હતું, જેના કારણે મુસાફરોએ ઘણીવાર ઊંચા ભાડા અને મનમાનીનો સામનો કરવો પડતો હતો. જોકે, હવે આ એકહથ્થુ શાસન તોડવા માટે કેન્દ્ર સરકારે કમર કસી છે. સરકારે હવે ઈન્ડિગોની મનમાની નહીં ચાલે ! તેવા મક્કમ સંકેત આપતા ‘અલ હિંદ એર’, ‘ફ્લાય એક્સપ્રેસ’ અને શંખ એર નામની ત્રણ નવી એરલાઈન્સને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) આપી દીધું છે. આ નિર્ણયથી આગામી સમયમાં હવાઈ મુસાફરોને વધુ વિકલ્પો અને સસ્તી ટિકિટો મળવાની આશા જાગી છે.
બજારમાં સ્પર્ધા વધારવા સરકારનો એક્શન પ્લાન
હાલમાં ઈન્ડિગો અને ટાટા ગ્રુપની એર ઇન્ડિયાનો દબદબો છે. દેશના લગભગ 90 ટકા મુસાફરો આ ત્રણ કંપનીઓની સેવાનો ઉપયોગ કરે છે. તાજેતરમાં ઈન્ડિગોની સિસ્ટમ ખોરવાતા હજારો મુસાફરો હેરાન-પરેશાન થઈ ગયા હતા, ત્યારથી આ સેક્ટરમાં વધુ એરલાઈન્સની જરૂર હોવાનું લાગી રહ્યું છે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ જણાવ્યું છે કે, મુસાફરોને શ્રેષ્ઠ સુવિધા મળે તે માટે સરકાર નવી એરલાઈન્સને પ્રોત્સાહિત કરી રહી છે.
આ પણ વાંચો : ટ્રમ્પના આદેશ બાદ ભારતમાં અમેરિકન એમ્બેસી ત્રણ દિવસ બંધ
ત્રણ નવી એરલાઈન્સની વધુ વિગતો
‘અલ હિંદ એર’ એરલાઈન્સ (Al Hind Air Airlines) કેરળ સ્થિત અલહિંદ ગ્રુપની છે, જે ટ્રાવેલ અને ટુરિઝમ સેક્ટરમાં જાણીતું નામ છે. જ્યારે હૈદરાબાદની ‘ફ્લાય એક્સપ્રેસ’ (Fly Express Airlines) કંપની અત્યાર સુધી કુરિયર અને કાર્ગો સેવાઓમાં સક્રિય હતી, જે હવે પેસેન્જર સેવાઓમાં પણ ઝંપલાવશે. આ ઉપરાંત, ‘શંખ એર’ (Shankh Air) ને પણ અગાઉ મંજૂરી મળી ચૂકી છે, જે ઉત્તર પ્રદેશના મુખ્ય શહેરોને જોડવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
નાના શહેરોને મળશે ફાયદો
સરકારની ‘ઉડાન’ યોજના હેઠળ સ્ટાર એર અને ફ્લાય91 જેવી કંપનીઓ પહેલેથી કાર્યરત છે. હવે આ નવી એરલાઈન્સ આવવાથી ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં કનેક્ટિવિટી વધશે. આ પગલાથી માત્ર મોટા શહેરો જ નહીં પરંતુ નાના શહેરોના મુસાફરો માટે પણ વિમાન મુસાફરી વધુ સરળ અને સસ્તી બનશે.


