Get The App

કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માએ પણ તોફાની બેટિંગ કરી દિલ જીત્યા

Updated: Dec 24th, 2025

GS TEAM

Google News
Google News
કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માએ પણ તોફાની બેટિંગ કરી દિલ જીત્યા 1 - image


Virat Kohli And Rohit Sharma Century : ભારતની પ્રતિષ્ઠિત સ્થાનિક વન-ડે ટૂર્નામેન્ટ વિજય હજારે ટ્રોફીનો બુધવારથી શાનદાર પ્રારંભ થયો છે. આ વખતે ટૂર્નામેન્ટમાં ભારતીય ક્રિકેટના બે દિગ્ગજ સુપરસ્ટાર્સ વિરાટ કોહલી અને રોહિત શર્મા રમતા જોવા મળતા મેદાન પર રનનો વરસાદ થયો છે. દિલ્હી તરફથી રમતા વિરાટ કોહલીએ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે, જ્યારે મુંબઈ માટે રમતા હિટમેન રોહિત શર્માએ સિક્કિમના બોલરોની ધુલાઈ કરીને આક્રમક સદી ફટકારી ચાહકોને ખુશ ખુશ કરી દીધા છે.

કોહલીની વિસ્ફોટક બેટિંગથી દિલ્હીનો વિજય

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી આંધ્રને ટીમે 50 ઓવરમાં 8 વિકેટે 298 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં દિલ્હીની ટીમે 37.4 ઓવરમાં 6 વિકેટે 300 રન નોંધાવી મેચ જીતી લીધી છે. દિલ્હી તરફથી રમી રહેલા વિરાટ કોહલીએ 101 બોલમાં ત્રણ સિક્સ અને 14 ફોર ફટકારી 131 રન નોંધાવ્યા છે. તો આંધ્ર પ્રદેશ તરફથી રિકી બુઈજે 105 બોલમાં સાત સિક્સ અને 11 ફોર સાથે 122 રન નોંધાવ્યા છે.

કોહલીએ ઈતિહાસ રચ્યો : સચિન બાદ 16000 રન બનાવનાર બીજો ભારતીય

આ મેચમાં કોહલીએ માત્ર એક રન બનાવતાની સાથે જ લિસ્ટ-એ ક્રિકેટમાં 16000 રન પૂરા કરવાનો આંકડો પાર કર્યો હતો. સચિન તેંડુલકર પછી આ સિદ્ધિ મેળવનાર વિરાટ માત્ર બીજો ભારતીય બેટ્સમેન બન્યો છે, જ્યારે વિશ્વ સ્તરે તે આ કીર્તિમાન સ્થાપિત કરનાર 9મો ખેલાડી છે. કોહલીએ પોતાની જૂની શૈલીમાં બેટિંગ કરતા 83 બોલમાં સદી પૂરી કરી હતી.

આ પણ વાંચો : 14 છગ્ગા, 33 બોલમાં તોફાની સદી, અમદાવાદમાં સ્ટાર બેટર ઈશાન કિશને બતાવ્યો 'પાવર'

9 સિક્સ, 18 ફોર, 155 રન : રોહિતે ચાહકોના દિલ જીત્યા

બીજી તરફ જયપુરમાં રમાયેલા મુકાબલામાં મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ સિક્કિમ સામે તાંડવ મચાવ્યું હતું. 237 રનના ટાર્ગેટ સામે રોહિતે મેદાનની ચારેબાજુ ફટકાબાજી કરી માત્ર 61 બોલમાં સદી ઠોકી દીધી હતી. હિટમેને 94 બોલમાં 9 સિક્સ અને 18 ફોર ફટકારી 155 રનની તોફાની ઈનિંગ રમી હતી. રોહિતની આ ઈનિંગના પ્રતાપે મુંબઈની ટીમે આસાનીથી મેચ જીતી લીધી છે. જયપુરના મેદાન પર રોહિતની બેટિંગ જોવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ઉમટી પડ્યા હતા.

લિસ્ટ-એ ક્રિકેટમાં ભારતનો દબદબો

લિસ્ટ-એ ક્રિકેટમાં (વન-ડે ઇન્ટરનેશનલ અને ઘરેલું 50 ઓવરની મેચો પણ સામેલ) સૌથી વધુ રનનો રેકોર્ડ ઇંગ્લેન્ડના ગ્રેહામ ગૂચના નામે છે. ભારતીય ખેલાડીઓમાં હવે વિરાટ કોહલીએ સચિન તેંડુલકરના ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. વિજય હજારે ટ્રોફીના પ્રથમ દિવસે જ આ બે દિગ્ગજોના ફોર્મે આવનારી મેચો માટે ઉત્સાહ વધારી દીધો છે.

આ પણ વાંચો : 12 છગ્ગા, 32 બોલમાં સદી... સાકિબુલે ફટકારી ભારતની લિસ્ટ A ક્રિકેટની સૌથી ઝડપી સદી