US Embassy India Closed : જો તમે અમેરિકન વિઝા, પાસપોર્ટ અપોઇન્ટમેન્ટ કે અન્ય કોઈ કાઉન્સિલર કામકાજ માટે 24થી 26 ડિસેમ્બરના દિવસોમાં દૂતાવાસ જવાનો પ્લાન બનાવ્યો હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્ત્વના છે. કારણ કે આ ત્રણ દિવસ સુધી દિલ્હી સ્થિત અમેરિકન દૂતાવાસ અને તમામ વાણિજ્ય દૂતાવાસ ત્રણ દિવસ માટે બંધ રહેવાના છે.
ત્રણ દિવસ ‘કાઉન્સિલર સેવાઓ’ સંપૂર્ણ બંધ રહેશે
રિપોર્ટ મુજબ, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ ભારતમાં સંયુક્ત રાજ્ય અમેરિકાના દૂતાવાસ અને તમામ વાણિજ્ય દૂતાવાસો ત્રણ દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દિલ્હી સ્થિત અમેરિકી દૂતાવાસે સ્પષ્ટ કહ્યું છે કે, 24થી 26 ડિસેમ્બર સુધી ‘કાઉન્સિલર સેવાઓ’ સંપૂર્ણ બંધ રહેશે.
અમેરિકન દૂતાવાસે માહિતી આપી
અમેરિકન દૂતાવાસે સોશિયલ મીડિયા એક્સ પર માહિતી આપી છે કે, તા. 24 ડિસેમ્બર બુધવાર, તા. 25મીને ગુરુવાર (ક્રિસમસ ડે) અને તા. 26મીને શુક્રવારે તમામ દૂતાવાસો બંધ રહેશે. આ ત્રણ દિવસ દરમિયાન વીઝા ઇન્ટરવ્યુ, પાસપોર્ટ સંબંધિત કામગીરી, સિટીઝન સહિતની તમામ કામગીરી બંધ રહેશે.
ઈમરજન્સી સેવા ચાલુ રહેશે
દૂતાવાસ પર થતી રોજિંદી સેવાઓ બંધ રહેશે, પરંતુ મેડિકલ અથવા મૃત્યુ સંબંધિત ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. આ માટે દૂતાવાસની સત્તાવાર વેબસાઇટ અથવા હેલ્પલાઇન નંબર પર સંપર્ર કરવાની સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો : તાઇવાનમાં 6.1ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ, ચીનથી લઈને જાપાન સુધી આંચકા અનુભવાયા
27 ડિસેમ્બરથી રાબેતા મુજબ કામગીરી શરુ થશે
દૂતાવાસે એમ પણ કહ્યું છે કે, 27 ડિસેમ્બરથી તમામ કામગીરી રાબેતા મુજબ ચાલુ થઈ જશે. જે લોકોએ આ ત્રણ દિવસ દરમિયાન અપોઇન્ટમેન્ટ લીધી હોય, તો તે તારીખો રિશેડ્યુલ કરવામાં આવશે અથવા સંબંધિત લોકોના ઈમેલ અથવા પોર્ટલ દ્વારા નવી માહિતી જાહેર કરવામાં આવશે.
અગાઉ પણ અપાયો હતો આવો આદેશ
વાસ્તવમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) 18 ડિસેમ્બરે એક કાર્યકારી આદેશ પર સહી કરી હતી. આદેશ મુજબ અમેરિકાની સંઘીય સરકારના તમામ કાર્યકારી વિભાગો અને એજન્સીઓ 24 અને 26 ડિસેમ્બરે સંપૂર્ણ બંધ રહેશે અને કર્મચારીઓને રજા આપવામાં આવશે. આ પહેલા પણ ટ્રમ્પે 2018, 2019 અને 2020માં આવો આદેશ જારી કર્યો હતો. જ્યારે પૂર્વ રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેને પણ 2024માં આવો નિર્ણય કર્યો હતો. ક્રિસમસની આસપાસ સંઘીય સરકારોને રજા આપવાની હોવાથી આવા આદેશ અપાતા રહે છે.
અફવાઓ પર વિશ્વાસ ન કરતા
જો તમે 24થી 26 ડિસેમ્બર દરમિયાન વીઝા અથવા પાસપોર્ટ સંબંધી અપોઇન્ટમેન્ટ બુક કરાવી હોય તો તમારે ગભરાવાની જરૂર નથી. આ અપોઇન્ટમેન્ટ રિશેડ્યુલ થઈ શકે છે. દૂતાવાસની વેબસાઇટ અને ઈમેલ પર ખાસ નજર રાખવાની સલાહ આપવામાં આવી છે. કોઈપણ અફવાઓ પર વિશ્વાસ ન કરતા. ત્રણ દિવસ કામગીરી બંધ રહ્યા બાદ 27 ડિસેમ્બરથી તમામ કામગીરી રાબેતા મુજબ શરુ થઈ જશે.


