1984ના શીખ વિરોધી રમખાણોના દોષિત અને કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારનું નિધન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sajjan Kumar Passes Away : કોંગ્રેસના પૂર્વ સાંસદ અને વરિષ્ઠ નેતા સજ્જન કુમારનું ગુરુવારે નિધન થયું છે. સફદરજંગ હોસ્પિટલના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, તેમને દિલ્હી સ્થિત સફદરજંગ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જ્યાં ડૉક્ટરોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. નિધનના સમાચાર મળતાં જ તેમના પુત્ર જગ પ્રવેશ કુમાર હોસ્પિટલ પહોંચી ગયા હતા. 1984ના શીખ વિરોધી રમખાણોના કેસમાં દોષિત ઠર્યા બાદ સજ્જન કુમાર તિહાર જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા હતા અને તેઓ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી પીડાતા હતા.
કોણ હતા સજ્જન કુમાર?
23 સપ્ટેમ્બર 1945ના રોજ દિલ્હીમાં જન્મેલા સજ્જન કુમાર દિલ્હીના અત્યંત પ્રભાવશાળી કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ હતા. તેમણે 1970ના દાયકામાં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓ પ્રથમ દિલ્હી નગર નિગમના કાઉન્સિલર બન્યા અને ત્યારબાદ પ્રદેશ કોંગ્રેસ કમિટીના મહાસચિવ રહ્યા હતા. વર્ષ 1980, 1991 અને 2004માં તેઓ લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા. સંજય ગાંધીના નજીકના ગણાતા સજ્જન કુમાર અઉટર દિલ્હી વિસ્તારમાંથી કોંગ્રેસનો મોટો ચહેરો હતા.
1984ના રમખાણોના કેસ અને જેલની સજા
1984ના શીખ વિરોધી રમખાણોમાં તેમના પર હિંસા ભડકાવવા, ભીડને ઉકસાવવા અને હત્યા કરવાના ગંભીર આરોપો હતા.
પાલમ કોલોની કેસ: પાંચ શીખોની હત્યા અને ગુરુદ્વારાને આગ ચાંપવાના કેસમાં દિલ્હી હાઇકોર્ટે 17 ડિસેમ્બર 2018ના રોજ તેમને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા સંભળાવી હતી. આ દોષસિદ્ધિ બાદ તેમણે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું.
સરસ્વતી વિહાર કેસ: ફેબ્રુઆરી 2025માં રાઉઝ એવન્યુ કોર્ટે જસવંત સિંહ અને તેમના પુત્ર તરુનદીપ સિંહની હત્યાના કેસમાં પણ સજ્જન કુમારને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી.
હાલ તેઓ તિહાર જેલમાં પોતાની આજીવન કેદની સજા કાપી રહ્યા હતા, જ્યાંથી તબિયત લથડતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.









