India

158 વર્ષ જૂનો વારસો દાવ પર, ટાટા ગ્રૂપમાં ચેરમેનની ખુરશી અને લિસ્ટિંગ મુદ્દે ખેંચમતાણ, જાણો વિવાદની સંપૂર્ણ કહાની

By GS Team
18 Sep 20264 mins read
TukuTouch Logo
ભારતના 158 વર્ષ જૂના ટાટા ગ્રૂપમાં ચેરમેનની ખુરશી અને IPOને લઈ મોટો વિવાદ સર્જાયો છે. 'બોમ્બે હાઉસ'માં બોર્ડ અને ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટા વચ્ચે ઘર્ષણ થયું છે. RBIના દબાણ હેઠળ ટાટા સન્સના લિસ્ટિંગનો નિર્ણય લેવાતા નોએલ ટાટાએ તેનો વિરોધ કર્યો છે. આંતરિક વિવાદોને કારણે શુક્રવારે ટાટા ગ્રૂપના શેર 8% સુધી ગગડ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

158 વર્ષ જૂનો વારસો દાવ પર, ટાટા ગ્રૂપમાં ચેરમેનની ખુરશી અને લિસ્ટિંગ મુદ્દે ખેંચમતાણ, જાણો વિવાદની સંપૂર્ણ કહાની

Tata Group Dispute: ભારતનું 158 વર્ષ જૂનું અને અતિ પ્રતિષ્ઠિત ટાટા ગ્રૂપ (Tata Group) હાલમાં એક અભૂતપૂર્વ સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. સામાન્ય રીતે પોતાની સ્થિરતા, શાંતિ અને ઉચ્ચ મૂલ્યો માટે જાણીતા આ સામ્રાજ્યના મુખ્ય મથક 'બોમ્બે હાઉસ'માં એક મોટો કોર્પોરેટ જંગ શરૂ થઈ ગયો છે. આ વિવાદ માત્ર ચેરમેનની ખુરશી પૂરતો સીમિત નથી, પરંતુ ટાટા સન્સના ભવિષ્ય અને તેના શેરબજારમાં લિસ્ટિંગ(IPO) સાથે પણ જોડાયેલો છે. એક તરફ છે ટાટા સન્સનું બોર્ડ અને બીજી તરફ છે કંપનીમાં 66% હિસ્સો ધરાવતા ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટા. ઑક્ટોબર 2024માં રતન ટાટાના અવસાન બાદ આ સૌથી મોટો આંતરિક સંઘર્ષ છે, જેણે 2016ના સાયરસ મિસ્ત્રી વિવાદની યાદ તાજી કરાવી દીધી છે. આવો સમજીએ કે ટાટા ગ્રૂપમાં ચાલી શું રહ્યું છે.

ચેરમેનની ખુરશીનો વિવાદ

ટાટા સન્સના વર્તમાન એક્ઝિક્યુટિવ ચેરમેન એન. ચંદ્રશેખરનનો કાર્યકાળ ફેબ્રુઆરી 2027માં પૂરો થઈ રહ્યો છે. ઑગસ્ટ મહિનામાં તેમણે જાતે જ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ નવો કાર્યકાળ નહીં માંગે. ટાટા ટ્રસ્ટે આ વાત સ્વીકારીને નવા ચેરમેનની શોધ પણ શરૂ કરી દીધી હતી. પરંતુ, સપ્ટેમ્બરમાં બોર્ડની નોમિનેશન અને રેમ્યુનરેશન કમિટીએ તેમને પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવા વિનંતી કરી. ગુરુવાર, 17 સપ્ટેમ્બરના રોજ મળેલી બોર્ડ મીટિંગમાં ચંદ્રશેખરને આ વિનંતી સ્વીકારી લીધી અને બોર્ડે 4-1ની બહુમતીથી તેમને વધુ 5 વર્ષ માટે એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે ફરીથી નિયુક્ત કરવાનો પ્રસ્તાવ પાસ કરી દીધો.

નિમણૂક 'ગેરકાયદેસર' ગણાવીને નોએલ ટાટાએ વિરોધ કર્યો

ટાટા ટ્રસ્ટના ચેરમેન અને બોર્ડના નોમિની ડિરેક્ટર નોએલ ટાટાએ આ નિર્ણયનો સખત વિરોધ કર્યો છે. બોર્ડ મીટિંગમાં વિરુદ્ધમાં પડેલો 1 મત નોએલ ટાટાનો હતો. તેમણે આ પુનઃનિયુક્તિને સંપૂર્ણપણે 'ગેરકાયદેસર' અને 'અમાન્ય' ગણાવી છે. નોએલ ટાટાની દલીલ છે કે ચંદ્રશેખરને પોતાની મરજીથી નવો કાર્યકાળ ન લેવાની વાત પત્ર લખીને કહી હતી, જેના પર કોઈ દબાણ નહોતું. વધુમાં, ટાટા સન્સમાં ટાટા ટ્રસ્ટનો 66% હિસ્સો છે. નિયમો મુજબ ચેરમેનની નિમણૂક માટે ટ્રસ્ટના નોમિની ડિરેક્ટરોની સહમતિ જરૂરી છે. નોએલ ટાટાએ વિરોધમાં મત આપ્યો હોવા છતાં કાનૂની અભિપ્રાયનો સહારો લઈને તેમના વીટો (Veto) પાવરને રદ કરી દેવામાં આવ્યો, જે તેમના મતે કાયદાકીય રીતે ખોટું છે અને શેરધારકોના વિશ્વાસની વિરુદ્ધ છે.

RBIનું દબાણ, શેરબજારમાં લિસ્ટિંગનો મુદ્દો

આ વિવાદનું બીજું સૌથી મોટું કારણ ટાટા સન્સનું શેરબજારમાં લિસ્ટિંગ(Listing) છે. રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયા(RBI)એ ટાટા સન્સને 2022માં ઉચ્ચ સ્તરની NBFC(નોન-બૅંકિંગ ફાયનાન્શિયલ કંપની) તરીકે વર્ગીકૃત કરી હતી. આ નિયમ હેઠળ આવી કંપનીનું શેરબજારમાં લિસ્ટિંગ ફરજિયાત છે. ટાટા સન્સે પોતાનું દેવું ચૂકવીને આ નિયમમાંથી બહાર આવવાનો પ્રયાસ કર્યો અને RBIને અરજી કરી, પરંતુ 11 સપ્ટેમ્બર 2026ના રોજ RBI એ આ અરજી ફગાવી દીધી.


આથી ગુરુવારની બોર્ડ મીટિંગમાં કંપનીને પબ્લિક લિસ્ટિંગ તરફ લઈ જવાનો નિર્ણય લેવાયો, જેથી ચંદ્રશેખરન આ પ્રક્રિયાનું નેતૃત્વ કરી શકે. પરંતુ, નોએલ ટાટા આ પગલાની વિરુદ્ધ છે. તેમનું કહેવું છે કે માર્ચ 2024માં સ્વર્ગસ્થ રતન ટાટાના માર્ગદર્શન હેઠળ સર્વાનુમતે નક્કી થયું હતું કે કંપની ખાનગી(Unlisted) જ રહેવી જોઈએ. નોએલનું માનવું છે કે લિસ્ટિંગ એકમાત્ર વિકલ્પ નથી; કંપનીએ RBI પાસે સપ્ટેમ્બર 2029 સુધીનો વધુ 3 વર્ષનો સમય માંગવો જોઈએ અને ખાનગી કંપની તરીકે જળવાઈ રહેવાનો પ્રયાસ કરવો જોઈએ.

ટાટા ગ્રૂપ સામેના અન્ય મોટા પડકારો

આંતરિક ડખાઓ સિવાય પણ ટાટા ગ્રૂપના ઘણા વ્યવસાયો અત્યારે દબાણ હેઠળ છે. એર ઇન્ડિયા(Air India)માં થતું સતત નુકસાન, જગુઆર લેન્ડ રોવર(JLR)માં ચાલી રહેલી મુશ્કેલીઓ અને સાયબર હુમલાઓના કારણે કંપની ચારેબાજુથી પડકારોનો સામનો કરી રહી છે. આ પરિસ્થિતિમાં ટોચના નેતૃત્વનો આ વિવાદ જૂથ માટે વધુ મુશ્કેલી ઊભી કરી રહ્યો છે.

વિવાદની અસર: શેરબજારમાં કડાકો

બોર્ડરૂમ વિવાદ અને ટાટા ટ્રસ્ટના વિરોધના સમાચારો આવતા જ શુક્રવારે શેરબજારમાં ટાટા ગ્રૂપની કંપનીઓના શેરોમાં ભારે વેચવાલી અને કડાકો જોવા મળ્યો હતો.

  • ટાટા કેમિકલ્સ: 8%નો મોટો ઘટાડો.
  • ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન: 5%નો ઘટાડો.
  • TCS (ટીસીએસ): 3.41%નો ઘટાડો.
  • ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ: 3.34%નો ઘટાડો.
  • ટાટા ટૅક્નોલૉજીસ: 2.73%નો ઘટાડો.
  • ટાટા પાવર: 2.20%નો ઘટાડો.
  • ટાટા કમર્શિયલ વ્હીકલ્સ: 1.35%નો ઘટાડો.
  • ટાટા સ્ટીલ: લગભગ 1%નો ઘટાડો.
  • આ ઉપરાંત ઇન્ડિયન હોટેલ્સમાં 0.56% અને ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સમાં 0.42%નો ઘટાડો જોવા મળ્યો હતો.
  • નિફ્ટી ઇન્ડિયા કોર્પોરેટ ગ્રૂપ ઇન્ડેક્સ (ટાટા ગ્રૂપ 25% કેપ) પણ 1%થી વધુ તૂટ્યો હતો.

આગળ શું થશે?

હવે સૌની નજર 31 ડિસેમ્બર પહેલા યોજાનારી વાર્ષિક સામાન્ય સભા (AGM) પર ટકેલી છે. કાયદાકીય નિષ્ણાતોના મતે, બોર્ડની મંજૂરી મળ્યા પછી પણ ચંદ્રશેખરનને પાંચ વર્ષનો કાર્યકાળ સીધો મળી જતો નથી. તેમણે ડિરેક્ટર તરીકે ચાલુ રહેવા માટે AGMમાં શેરધારકોની મંજૂરી લેવી પડશે.

ટાટા ટ્રસ્ટ પાસે 66% બહુમતી હિસ્સો હોવાથી, જો નોએલ ટાટા AGMમાં તેમની ડિરેક્ટર તરીકેની પુનઃનિયુક્તિ વિરુદ્ધ મતદાન કરશે, તો ચંદ્રશેખરન ચેરમેન પદે ચાલુ રહી શકશે નહીં. અહેવાલો મુજબ નોએલ ટાટા આગામી AGMમાં તેમને હટાવવાની પૂરી યોજના બનાવી રહ્યા છે. જો બંને પક્ષો વચ્ચે કોઈ સમાધાન નહીં થાય, તો આખો મામલો 2016ની જેમ ફરી એકવાર કાનૂની લડાઈ અને કોર્ટ સુધી પહોંચી શકે છે.