India

15 હજારની નોકરી અને 20 કરોડની સંપત્તિ... રામ મંદિર દાન ચોરીનો આરોપી ટિન્નુ યાદવનો ખાસ SITના રડાર પર

By GS Team
15 Jul 20263 mins read
TukuTouch Logo
અયોધ્યા રામ મંદિરમાં દાન ચોરી કેસમાં SITને મોટી સફળતા મળી છે. L&Tના કથિત કર્મચારી મહેશ કુમાર વિરુદ્ધ ચોંકાવનારા પુરાવા મળ્યા છે. 15 થી 18 હજારના પગારદાર મહેશે 1 વર્ષમાં 20 કરોડની 20 પ્રોપર્ટી ખરીદી. તે મુખ્ય આરોપી ટિન્નુના ઘરે ભાડે રહેતો હતો. SIT ટૂંક સમયમાં અંતિમ રિપોર્ટ રજૂ કરશે, જેમાં નવા નામો સામેલ થઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

15 હજારની નોકરી અને 20 કરોડની સંપત્તિ... રામ મંદિર દાન ચોરીનો આરોપી ટિન્નુ યાદવનો ખાસ SITના રડાર પર

Ram Mandir Chadhawa Theft Case SIT Investigation 2026 : અયોધ્યા રામ મંદિરમાં દાન ચોરીના ચકચારી કેસની તપાસ કરી રહેલી વિશેષ તપાસ ટીમ (SIT) ના હાથે વધુ એક મોટી સફળતા લાગી છે. આ કેસમાં હવે એલ એન્ડ ટી (L&T) ના કથિત કર્મચારી મહેશ કુમાર વિરુદ્ધ ચોંકાવનારા પુરાવા મળ્યા છે. મહેશ કુમાર આ કેસના મુખ્ય આરોપી રામશંકર યાદવ ઉર્ફે ટિન્નુનો અત્યંત નજીકનો સાથી હોવાનું બહાર આવ્યું છે અને તે ટિન્નુના ઘરે જ ભાડે રહેતો હતો. આ મામલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને લખનૌ ઝોનના આઈજી કિરણ એસ. સમક્ષ પુરાવા સાથે લેખિત ફરિયાદ કરવામાં આવી છે.

માત્ર 15 થી 18 હજાર રૂપિયાનો પગાર અને એક વર્ષમાં 20 કરોડ રૂપિયાની પ્રોપર્ટી!

મૂળ બસ્તી જિલ્લાના રહેવાસી મહેશ કુમારની રામ મંદિરમાં દાન ગણતરી કક્ષમાં સીધી ડ્યુટી નહોતી, પરંતુ તે એકાઉન્ટ્સ સંબંધિત કામગીરી અને ટેલીશીટ બનાવવાનું કામ કરતો હતો. લેખિત ફરિયાદ અનુસાર, મહેશ કુમારનો માસિક પગાર માત્ર 15,000 થી 18,000 રૂપિયા જેટલો જ છે. આમ છતાં, છેલ્લા એક વર્ષમાં તેની મિલકતોમાં અકલ્પનીય વધારો થયો છે. તેણે અયોધ્યાના દર્શનનગર ઉપરાંત બસ્તી, લખનૌ અને પ્રયાગરાજમાં અંદાજે 20 જેટલી અચલ સંપત્તિઓ ખરીદી હોવાના દસ્તાવેજો SITને સોંપવામાં આવ્યા છે. જેની કિંમત 20 કરોડથી પણ વધુ થાય છે.

ચોરી પકડાતા જ મિલકતો ખરીદવાનો સિલસિલો શરૂ કર્યો

આરોપ છે કે રામ મંદિરમાં ચઢાવા ચોરીનો મામલો બહાર આવ્યા બાદ જ, મહેશ કુમારે 12 જૂનના રોજ પોતાના ગામની નજીક ગઢહારાજામાં 90 લાખ રૂપિયાની છ વીઘા જમીન ખરીદી હતી. આ ઉપરાંત બેનીપુર ગામમાં પણ કરોડોની જમીનો પોતાના ભાઈ રમેશ કુમાર, પત્ની, ભાભી, બહેન-બનેવી અને ભાણેજના નામે ખરીદી લીધી હતી. તેનો ભાઈ રમેશ કોઈ જ નોકરી-ધંધો કરતો નથી, છતાં તેના નામે લાખોની પ્રોપર્ટી વસાવવામાં આવી છે.

એલ એન્ડ ટી (L&T) ની સહયોગી કંપનીનો કર્મચારી હોવાની શંકા

મહેશ કુમાર અંગે એલ એન્ડ ટી (L&T) ના પ્રોજેક્ટ ડાયરેક્ટર વિનોદ કુમાર મહેતાએ સ્પષ્ટ કર્યું છે કે આ નામનો કોઈ જ કર્મચારી તેમની કંપનીમાં નથી. જેથી આશંકા છે કે મહેશ કુમાર એલ એન્ડ ટી ની સહયોગી કંપની ‘L&T જિયો સ્ટ્રક્ચર’ નો કર્મચારી રહ્યો હોવો જોઈએ, જે મંદિરના પાયાના ખોદકામ સમયે પાઇલિંગના કામ માટે આવી હતી. મુખ્ય આરોપી ટિન્નુએ પણ ધરપકડ પહેલા મીડિયા સમક્ષ સ્વીકાર્યું હતું કે આ કંપનીના કર્મચારીઓ તેના અયોધ્યા સ્થિત ઘરમાં ભાડે રહેતા હતા.

અંતિમ તપાસ અહેવાલમાં નવા નામો ઉમેરાશે

એસઆઈટી આ કેસની તપાસ લગભગ પૂર્ણ કરી ચૂકી છે. સરકારે નક્કી કરેલી સમયમર્યાદા મુજબ એસઆઈટીએ પોતાનો અંતિમ અહેવાલ 15 જુલાઈ 2026ના રોજ સોંપવાનો હતો, પરંતુ આ અવધિમાં બે-ત્રણ દિવસનો વધારો થઈ શકે છે. એસઆઈટીની ટીમ ટૂંક સમયમાં અયોધ્યાની મુલાકાત લઈને રામ મંદિર ટ્રસ્ટના ભૂતપૂર્વ અને વર્તમાન હોદ્દેદારોના નિવેદનો ફરીથી નોંધશે. આ આખરી રિપોર્ટમાં બેંક, ટ્રસ્ટ, સુરક્ષા અને દાન ગણતરી સાથે જોડાયેલા કેટલાક અન્ય મોટા માથાઓના નામ પણ આરોપી તરીકે સામેલ થઈ શકે છે.