India

છત્તીસગઢનાં બસ્તરમાં ૧૦૮ નકસલવાદીઓનું આત્મસમર્પણ

By GS TEAM
11 Mar 20262 mins read
છત્તીસગઢનાં બસ્તરમાં  ૧૦૮ નકસલવાદીઓનું આત્મસમર્પણ


(પીટીઆઇ)     જગદલપુર, તા. ૧૧

નકસલવાદીઓ સામેની લડાઇમા સરકારને મોટી સફળતા મળી છે તેમ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. બુધવારે છત્તીસગઢનાં બસ્તર જિલ્લામાં  ૧૦૮ માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યુ હતું. આ નકસલવાદીઓ પર કુલ ૩.૯૫ કરોડ રૃપિયાનું ઇનામ હતું.

બસ્તર રેન્જનાં પોલીસ ઇન્સ્પેક્ટર સુંદરરાજ પટ્ટિલિંગમે પત્રકારોને જણાવ્યું હતું કે નકસલવાદીઓનાં સ્થળોએથી શસ્ત્રોનાં મોટા જથ્થાની સાથે ૩.૬૧ કરોડ રૃપિયા રોકડ અને ૧.૬૪ કરોડ રૃપિયાની કીંમતનું એક કીલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે.

દેશમાં એન્ટી નેશનલ ઓપરેશનનાં ઇતિહાસમાં કોઇ એક જગ્યાએથી રોકડ અને કીંમતી સામાનની આ સૌથી મોટી જપ્તી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દેશમાંથી નકસલવાદ સમાપ્ત કરવા માટે ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધીની ડેડલાઇન નક્કી કરી છે.

અધિકારીઓનાં જણાવ્યા અનુસાર સરેન્ડર કરનારા નકસલવાદીઓમાં છ ડિવિઝનલ કમિટીનાં સભ્યો હતાં. જેમના પર આઠ-આઠ લાખ રૃપિયાનું ઇનામ હતું.

પટ્ટિલિંગમે જણાવ્યું હતું કે માઓવાદીઓની દંડકારણ્ય સ્પેશિયલ ઝોનલ કમિટી  (ડીકેએસઝેડસી)ના કેડરે બસ્તર જિલ્લા હેડકવાર્ટર જગદલપુરમાં આત્મસમર્પણ કર્યુ હતું.

ગેરકાયદેસર સીપીઆઇ (માઓવાદીઓ)ના ડીકેએસઝેડસી ગુ્રપે અગાઉ પણ દક્ષિણ બસ્તરમાં અનેક પ્રાણઘાતક હુમલા કર્યા હતાં.

અધિકારીઓએ જણાવ્યું હતું કે આત્મસમર્પણ કરનારા કેડરથી મળેલી માહિતીથી સુરક્ષા દળોને માઓવાદીઓનાં સ્થળોએથી શસ્ત્રો, રોકડ અને અન્ય વસ્તુઓ જપ્ત કરવા સહિત અનેક મોટી સફળતા મળી હતી.

પટ્ટિલિંગમે જણાવ્યું હતું કે એકે-૪૭, ઇનસાસ અને એસએલઆર રાયફલ, લાઇટ મશીન ગન, પોઇન્ટ ૩૦૩ રાયફલ અને બેરલ ગ્રેનેડ લોન્ચર સહિત કુલ ૧૦૧ શસ્ત્રો જપ્ત કરવામાં આવ્યા હતાં. જેના કારણે માઓવાદી સંગઠનની અગાઉથી જ નબળી ક્ષમતાને મોટો આંચકો લાગ્યો છે.