ગુજરાતમાં એકમાત્ર નર્મદા નદીની માટીમાંથી ઈન્દ્રદેવ તરીકે મેઘરાજાની સ્થાપનાની અનોખી પરંપરા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bharuch Meghraja Festival : સમગ્ર ગુજરાતમાં માત્ર ભરૂચ જિલ્લામાં જ 56નિયા દુકાળના સમયથી ચાલી આવતી એક અત્યંત અનોખી અને પવિત્ર પરંપરા આજે પણ જાળવી રાખવામાં આવી છે. અષાઢી અમાસના દિવસે ભરૂચના ભોઈ પંચ સમાજના યુવાનો દ્વારા પવિત્ર નર્મદા નદીની માટી લાવીને ઈન્દ્રદેવ તરીકે મેઘરાજાની મૂર્તિ તૈયાર કરવામાં આવે છે. આ પ્રતિમાની વિધિવત પૂજા-અર્ચના કરીને આખો શ્રાવણ માસ મેઘ ઉત્સવ મનાવાય છે. ભરૂચવાસીઓ માટે આ પર્વ દિવાળી કરતાં પણ વધુ મોટો ઉત્સવ બની રહે છે. 1 મહિના સુધી ભક્તોના દર્શનાર્થે બિરાજમાન મેઘરાજાને રંગરોગાન સાથે નયનરમ્ય સ્વરૂપ અને શણગાર આપવામાં આવે છે.
મેઘરાજાની સ્થાપના પાછળની ઐતિહાસિક લોકમાન્યતા
આ અનોખી પરંપરા પાછળ છપ્પનિયા દુકાળની એક ઐતિહાસિક કથા જોડાયેલી છે. એ સમયે ચોમાસાની ઋતુ હોવા છતાં વરસાદ વરસતો ન હોવાથી ભોઈ પંચના લોકોએ ઈન્દ્રદેવ તરીકે નર્મદાની માટીમાંથી મેઘરાજાની પ્રતિમા બનાવી અને સંકલ્પ કર્યો કે જો શ્રાવણી દશમ સુધી વરસાદ નહીં વર્ષે તો પ્રતિમા ખંડિત કરાશે. સમગ્ર શ્રાવણ માસમાં ભક્તિભાવપૂર્વક પૂજા કર્યા બાદ જ્યારે શ્રાવણી દશમે વિસર્જનનો સમય આવ્યો, ત્યારે આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા અને ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારથી જ આ પર્વ ભરૂચમાં અત્યંત ઉત્સાહ અને ઉમંગ સાથે મનાવવામાં આવે છે.
0 થી 12 વર્ષના બાળકોને ભેટાડવાની અનોખી પ્રથા
મેઘ ઉત્સવ દરમિયાન 0 થી 12 વર્ષ સુધીના બાળકોને મેઘરાજાની પ્રતિમા સાથે ભેટાડવાની વિશેષ માન્યતા રહેલી છે. મેઘરાજા સાથે ભેટાડવાથી બાળક તંદુરસ્ત અને રોગમુક્ત રહે છે તેવી શ્રદ્ધાને કારણે જ માતા-પિતા પોતાના તાજા જન્મેલા અઠવાડિયાના બાળકને પણ અહીં લાવે છે. આ ઉપરાંત, ઉત્સવના 4 દિવસ દરમિયાન ચાલતા મેળામાં મંત્રેલા સુતરના દોરાનું વિતરણ કરાય છે, જેને શરીરે બાંધવાથી પરિવારમાં સુખ-શાંતિ રહેતી હોવાની માન્યતા છે.
સ્વાતંત્ર્ય પર્વ અને નાળિયેરી પૂનમે વિશેષ શણગાર
શ્રાવણ માસ દરમિયાન આવતા તહેવારો મુજબ મેઘરાજાને વિવિધ શણગાર કરવામાં આવે છે. 15મી ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય પર્વે ભારત દેશના તિરંગાનો શણગાર કરાય છે, જ્યારે નાળિયેરી પૂનમ પર પણ આકર્ષક રોશની અને વસ્ત્રો ધારણ કરાવાય છે. દર્શનાર્થે આવતા ભક્તો મેઘરાજાના આ નયનરમ્ય સ્વરૂપ સાથે સેલ્ફી લેવાનું પણ ચૂકતા નથી..




