સાગબારા જંગલ જમીન વિવાદ: આદિવાસીઓના ધરણાના 16મા દિવસે સાંસદ વસાવાની આંદોલનકારીઓની મુલાકાતે, વન વિભાગની કામગીરી સામે રોષ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લાના સાગબારા ખાતે જંગલ જમીન મુદ્દે ચાલી રહેલો વિવાદ આજે (24મી ઓગસ્ટ) 16મા દિવસે પણ ઉકેલાયો નથી અને સ્થિતિ વણઉકેલાયેલી રહી છે. સ્થાનિક આદિવાસીઓ અને ખેડૂતો જમીનના અધિકારો માટે સતત ધરણા પર બેઠા છે, ત્યારે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આજે આંદોલન સ્થળની મુલાકાત લઈને આંદોલનકારીઓને સમર્થન આપ્યું હતું.
વન વિભાગ દ્વારા રોપા રોપાતા સ્થાનિકોમાં ગુસ્સો
ધરણા સ્થળની મુલાકાત દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, 'સ્થાનિક લોકો છેલ્લા 16 દિવસથી શાંતિપૂર્ણ રીતે ધરણા કરી રહ્યા છે, પરંતુ વન વિભાગ દ્વારા વિવાદાસ્પદ જમીન પર રોપા રોપવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. જેને કારણે સાગબારાના સ્થાનિકોમાં ભારે રોષ અને ગુસ્સાની લાગણી છે. લોકો ધારે તો વન વિભાગના કર્મચારીઓને અહીં ફરકવા પણ ન દે, પરંતુ અમે તેમને સમજાવીને શાંત રાખ્યા છે.'
ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન ચાલુ રાખવા આહ્વાન
ભાજપ સાંસદ મનસુખ વસાવાએ અધિકારીઓ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, 'વન વિભાગના DFO અને સબ DFO વાઈસરોયની જેમ વર્તી રહ્યા છે. આંદોલન ગાંધીચીંધ્યા માર્ગે જ આગળ ધપાવવામાં આવશે. અમારો હાથ પથ્થર નીચે દબાયેલો છે અને અમારે તેને મર્યાદામાં રહીને બહાર કાઢવાનો છે. હાલ પૂરતી હક દાવાની વાત બાજુ પર રાખીને તંત્ર દ્વારા ખેડૂતોને માત્ર ખેડાણ કરવાની મંજૂરી આપવામાં આવે તેવી આપણી માંગ છે.'
મુખ્યમંત્રી પર વિશ્વાસ, ટૂંક સમયમાં નિર્ણયની આશા
આગામી 25 કે 26મી ઓગસ્ટે રાજ્ય સરકાર કક્ષાએથી આ મામલે યોગ્ય ઉકેલ આવવાની શક્યતા વ્યક્ત કરતાં સાંસદે જણાવ્યું હતું કે, 'અમને સરકાર પાસે ન્યાય મળવાનો સંપૂર્ણ વિશ્વાસ છે અને રાજ્યના મુખ્યમંત્રી સાગબારાના ખેડૂતોના હિતમાં જ યોગ્ય નિર્ણય લેશે.'









