સાગબારામાં જંગલ જમીન મુદ્દે ખેડૂતોનો મોરચો: આજથી શરૂ કર્યું ખેડાણ, રોકવા સામે ન આવ્યો એકપણ વનકર્મી!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sagbara Land Dispute News: નર્મદા જિલ્લાના સાગબારા ખાતે જંગલ જમીનના હક અને ખેડાણને લઈને આદિવાસી ખેડૂતો છેલ્લા 21 દિવસથી ધરણા પર બેઠા છે. તાજેતરમાં ઉમરપાડા અને સાગબારા વિસ્તારમાં જમીન ખેડાણ મુદ્દે ખેડૂતો અને વન વિભાગ વચ્ચે ઘર્ષણના બનાવો બન્યા હતા. સ્થાનિક આગેવાન લીલા વસાવાના આહવાન બાદ ખેડૂતોએ જમીન ખેડાણ શરૂ કર્યું હતું. આ વિવાદ વધતાં સાંસદ મનસુખ વસાવાએ ગાંધીનગર ખાતે સરકાર સમક્ષ ખેડૂતોના પ્રશ્નોની વિસ્તૃત રજૂઆત કરી હતી.
રાજ્ય સરકારના મંત્રીઓનું પ્રતિનિધિમંડળ સાગબારાની મુલાકાત લેશે
ભાજપ સાંસદ મનસુખ વસાવા અને રાજ્ય સરકાર વચ્ચે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ સાગબારા અને ઉમરપાડા તાલુકાના જંગલ જમીન વિવાદનો ઉકેલ લાવવા માટે સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો હતો. ગાંધીનગરમાં યોજાયેલી સમીક્ષા બેઠક બાદ ખેડૂતોની રજૂઆતો અને પ્રશ્નો સાંભળવા માટે રાજ્ય સરકારના મંત્રીઓનું પ્રતિનિધિમંડળ સાગબારાની મુલાકાત લેશે.
ગાંધીનગરમાં યોજાયેલી બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે સરકારી પ્રતિનિધિમંડળ સાગબારા પહોંચી 12 ગામોના આદિવાસી ખેડૂતો સાથે સીધી મુલાકાત કરશે. આ દરમિયાન જંગલ જમીન અધિકાર કાયદા (FRA) હેઠળ ખેડાણના યોગ્ય આધાર-પુરાવા ધરાવતા ખેડૂતોના દાવાઓની ચકાસણી કરી તેના આધારે નિયમાનુસાર નિર્ણય લેવામાં આવશે. આ સાથે જ મંત્રીઓ ખેડૂતો સાથે સંવાદ સાધીને તેમના ધરણાનો સુખદ અંત લાવવાના પ્રયાસો કરશે.
સાગબારા અને આસપાસના વિસ્તારોમાં વન અધિકાર કાયદા હેઠળ જમીનના દાવાઓ લાંબા સમયથી પેન્ડિંગ હોવાથી ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. સાંસદ મનસુખ વસાવાની રજૂઆત બાદ પેન્ડિંગ દાવાઓ અંગે પુરાવાના આધારે સકારાત્મક ઉકેલ લાવવા સરકારે ખાતરી આપી છે.




