નર્મદા: સાગબારામાં જંગલ જમીન વિવાદ યથાવત્! હલગામ પાડીના ખેડૂતો અને વન વિભાગ સામસામે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Narmada Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં સાગબારાના જંગલ જમીન પર ખેડાણના અધિકારને લઈને આદિવાસી ખેડૂતો અને વન વિભાગ વચ્ચેનો વિવાદ વધુ ઘેરો બન્યો છે. 23 દિવસ સુધી ચાલેલા ધરણાના આંદોલનનો અંત આવ્યા બાદ પણ સ્થિતિ થાળે પડી નથી. તાજેતરમાં સાગબારાના હલગામ પાડી ગામના ખેડૂતો અને વન વિભાગના અધિકારીઓ સામસામે આવી જતાં ભારે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી.
વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી ખેડૂતોને ખેડાણ કરતાં અટકાવ્યા
મળતી માહિતી અનુસાર, હલગામ પાડી ગામના ખેડૂતો ઉમરપાડા તાલુકા હેઠળ આવતી વડપાડા રેન્જના કમ્પાર્ટમેન્ટ નંબર 454માં જંગલ જમીનનું ખેડાણ કરવા પહોંચ્યા હતા. તે સમયે વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી ખેડૂતોને ખેડાણ કરતાં અટકાવ્યા હતા. વન અધિકારીઓએ ખેડૂતોને જણાવ્યું હતું કે, ટ્રાયબલ (આદિવાસી વિકાસ) વિભાગમાંથી જરૂરી વન અધિકાર પત્રો અને માન્ય દસ્તાવેજો મેળવ્યા બાદ જ ખેડાણ કરી શકાશે.
બીજી તરફ, વર્ષોથી જંગલ જમીનના અધિકાર માટે લડત આપી રહેલા આદિવાસી ખેડૂતોમાં વન વિભાગના આ વલણ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેઓ છેલ્લા 20 મહિનાથી વન અધિકાર કાયદા હેઠળ પોતાના હકની રાહ જોઈ રહ્યા છે અને હવે અધિકારીઓ તેમને વધુ 90 દિવસ (3 મહિના) રાહ જોવાનું કહી રહ્યા છે.
વારંવાર વન વિભાગ દ્વારા અટકાવવામાં આવતા ખેડૂતોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે. ખેડૂતો પોતાના પરંપરાગત હક અને જમીન ખેડાણના અધિકારો અંગે આકરા સવાલો ઉઠાવી રહ્યા છે, જેના કારણે સરહદી જંગલ વિસ્તારમાં તણાવપૂર્ણ વાતાવરણ ઊભું થયું છે.




