નર્મદા: સાગબારામાં જંગલ જમીન ખેડાણ મુદ્દે વિવાદ ગરમાયો, વન વિભાગ અને ગ્રામજનો આમને-સામને!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Narmada News: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલની જમીન પરના ખેડાણના મુદ્દે ફરી એકવાર વન વિભાગ અને સ્થાનિક ગ્રામજનો વચ્ચે તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે. સાગબારાના ખોપી અને હલગામ પાડી સહિતના ગામોના લોકો વર્ષોથી આ જમીન પર ખેતી કરતા હોવાનો દાવો કરીને ખેડાણ કરવા પહોંચતા પરિસ્થિતિ વણસી હતી.
સાંસદના આહ્વાન બાદ ગ્રામજનો ખેતરે પહોંચ્યા
સાગબારા તાલુકાના ખોપી, હલગામ પાડી સહિતના વિસ્તારોમાં જંગલની જમીન પરના અધિકાર અને ખેડાણનો વિવાદ છેલ્લા ઘણાં સમયથી ચાલી રહ્યો છે. આ સંવેદનશીલ મુદ્દા પર અનેક રાજકીય પક્ષો અને સ્થાનિક આગેવાનો પણ સક્રિય થયા છે. તાજેતરમાં સાંસદના આહ્વાન બાદ, વર્ષોથી જમીન ખેડતા હોવાના દાવા સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો ખેતરોમાં ખેડાણ કરવા માટે એકઠા થયા હતા.
વન વિભાગે પોલીસ બંદોબસ્ત સાથે ખેડાણ અટકાવ્યું
કોઈપણ અનિચ્છનીય બનાવ કે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ન વણસે તે માટે વન વિભાગ અને પોલીસ તંત્ર પહેલાથી જ સજ્જ થઈ ગયું હતું. વન વિભાગે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો અને ગ્રામજનોને જમીનનું ખેડાણ કરવા દીધું નહોતું.
વન વિભાગ સામે આક્રોશ અને સૂત્રોચ્ચાર
વન વિભાગ દ્વારા ખેડાણ અટકાવવામાં આવતાં સ્થાનિક આગેવાન લીલાબેન સહિત મોટી સંખ્યામાં એકત્રિત થયેલા ગ્રામજનોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે વિરોધ નોંધાવીને જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા, જેના કારણે વિસ્તારમાં વાતાવરણ તંગ બની ગયું હતું. હાલ સમગ્ર મામલે વિસ્તારમાં તંગદિલીનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે વન વિભાગ અને ગ્રામજનો વચ્ચેનો આ વિવાદ હજુ યથાવત રહ્યો છે.









